તન-મનને સ્વસ્થ રાખવા નવી ભાષા શીખો, વોક લો કે રનિંગ કરો

Wednesday 05th February 2025 07:55 EST
 
 

કલ્પના કરો કે જ્યારે એક બીજને કોઈ ફળદ્રુપ જમીનમાં વાવવામાં આવે, પરંતુ તેને હવા કે પાણી ન મળે તો શું થશે? તે ઉગી તો જશે પરંતુ તેનો વિકાસ તંદુરસ્ત નહીં હોય. તન-મનનું પણ આવું જ છે. આરામદાયક જીવન (કમ્ફર્ટ ઝોન) સુરક્ષિત તો લાગે છે. પરંતુ તે આપણા વ્યક્તિગત વિકાસ અને તંદુરસ્તીને ધીમા પાડી દે છે. પડકારજનક પરિસ્થિતિઓ અને ગતિવિધિઓ આપણને નવું કૌશલ્ય શીખવાડવાની સાથે શારીરિક - માનસિક અને ભાવનાત્મક તંદુરસ્તીને મજબૂત બનાવે છે.
સેલ્ફ ચેલેન્જની આપણા પર આ રીતે અસર થાય છે આપણે જ્યારે નવી સ્કિલ્સ શીખીએ છીએ કે જટિલ સમસ્યાઓ ઉકેલીએ છીએ તો મગજની પોતાને રીસેટ કરવાની ક્ષમતા, જેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહે છે તે સક્રિય થઈ જાય છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસના અભ્યાસના તારણ અનુસાર પડકારજનક માનસિક કામગીરી જેમ કે નવી ભાષા કે વાદ્યયંત્ર વગાડવાનું શીખવું મગજની સમજવા- વિચારવાની કાર્યક્ષમતાને સુધારે છે. તેનાથી ઉંમરની સાથે આવતી આડઅસરો ઘટી છે કે ધીમી પડી શકે છે. આ જ રીતે, શારીરિક પડકારો જેમ કે - નવી કસરત કે અઘરા યોગ શીખવાથી શરીર મજબૂત થવાની સાથે એન્ડોર્ફિન જેવા હોર્મોન રીલિઝ થાય છે, જે મૂડને સુધારે છે. રોજિંદી કરતાં અલગ પ્રકારની શારીરિક ગતિવિધિઓ સ્ટ્રેસ અને ચિંતાના બોજને ઘણી હદ સુધી ઘટાડે છે.

ચેલેન્જને આ રીતે સ્વીકારો
• નવી સ્કિલ શીખો, નવી ભાષા કે કોઈ વાદ્યયંત્ર શીખો. કોઇ નવો ઓનલાઈન કોર્સ પણ કરી શકો છો.
• ચાલો અથવા દોડો... જો તમે જોગિંગ કરો છો તો થોડું તેજ ગતિ કે લાંબા અંતરની દોડ શરૂ કરો. જો યોગ કરો છો તો વધુ અઘરા યોગ કરી શકો છો. જો દરરોજ ચાલો છો તો થોડીક વધુ ઝડપથી ચાલવાનો પ્રયાસ કરો.
• અજાણ્યા લોકો સાથે વાત કરો. મોટા ભાગના લોકો અજાણ્યા સાથે વાતચીત શરૂ કરવાનું ટાળે છે, પરંતુ તમે આવું ના કરો. અજાણ્યા સાથે વાત કરો. સમાજસેવા કરો કે કામકાજના સ્થળે કોઈ પ્રોજેક્ટનું નેતૃત્ત્વ કરો.

ફાયદોઃ આત્મવિશ્વાસ અને ક્ષમતા વધારે છે
• માનસિક ક્ષમતાનો વિકાસ થાય છે
નવી ભાષા શીખવી. કોઈ કલામાં નિપુણ થવું કે અઘરા કોયડા ઉકેલવાની બાબત તમારી માનસિક કુશળતાને પડકારે છે. તેનાથી મગજની સમજવા-વિચારવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ ખીલે છે, તેમાં વધારો થાય છે.
• શારીરિક મજબૂતી અને ક્ષમતા વધે છે
નવી શારીરિક ગતિવિધિઓ કરવાથી શરીર મજબૂત થવાની સાથે સાથે તેની સહનશક્તિ વધે છે. ક્ષમતા કરતાં વધુ કામ કરવા માટે ધીરજની જરૂર હોય છે, એટલે ધીરજ પણ વધે છે.
• આત્મવિશ્વાસ ઝડપથી વધે છે
આપણે જ્યારે એક પડકારજનક કાર્યને પૂરું કરીએ છીએ તો સિદ્ધિની ભાવના આવે છે. છે. તેનાથી તે આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter