વોશિંગ્ટનઃ રસીનો મૂળ ઉદ્દેશ જે તે વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા કરવાનો હોય છે. અત્યારે અપાઈ રહેલી રસીઓ આ કામ કરી રહી છે, પરંતુ અમેરિકામાં ગર્ભવતી મહિલાને અપાયેલી રસીના કારણે તેનું બાળક પણ એન્ટિબોડી સાથે જન્મ્યું હોવાનો કિસ્સો નોંધાયો છે. આમ એક રસીથી માતા અને બાળક બંનેને લાભ થયો છે. અમેરિકી ડોક્ટોરો આ ઘટના અંગે રજૂ કરેલા રિસર્ચ પેપરમાં જણાવ્યું હતું કે માતાને રસી અપાઈ હોય અને બાળકમાં પણ તેના એન્ટિબોડી જોવા મળ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
ડો. પોલ ગિલ્બર્ટ અને ડો. ચાડ રડનિકે નોંધ્યું હતું કે મહિલાને ૩૬ અઠવાડિયાનો ગર્ભ હતો ત્યારે તેને આડેર્રનાની રસી અપાઈ હતી. રસીના ૩ અઠવાડિયા પછી મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. તબીબી તપાસ દરમિયાન એ બાળકના શરીરમાં એન્ટિબોડીના અંશો જણાયા હતા. રસી મહિલાને અપાઈ હતી એટલે તેના શરીરમાં તો રોગપ્રતિકારક શક્તિ વિકસી હતી જ, પરંતુ તેના નવજાત સંતાનમાં પણ એન્ટિબોડી જોવા મળ્યા છે તે આશ્ચર્યજનક છે.
આ પ્રકારના રસીકરણને તબીબી ભાષામાં મેટરનલ વેક્સિનેશન કહેવામાં આવે છે. આ કિસ્સા પછી ડોક્ટરોએ કહ્યું હતું કે મેટરનલ વેક્સિનેશન સલામત છે અને તે આવનારા બાળક માટે લાભદાયક પણ છે એવું આ કિસ્સા પરથી સાબિત થાય છે. અલબત્ત, તો પણ બાળક થોડુંક મોટું થાય ત્યાં સુધી તેના શરીરનો અભ્યાસ કરવો પડશે અને પછી જ કોઈ નક્કર તારણ પર પહોંચી શકાશે.