વોશિંગ્ટન: ડયુક યુનિવર્સિટી હોસ્પિટલ અમેરિકાની એવી પ્રથમ હોસ્પિટલ બની છે જેણે મૃત જાહેર કરાયેલા હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય. ડોક્ટરોએ મૃત જાહેર કરાયેલા હૃદયમાં ફક્ત પ્રાણ જ નથી ફૂંક્યા પણ તેનું એક વયસ્કમાં ટ્રાન્સપ્લાન્ટ પણ કર્યું છે. આ હૃદયનું એક પૂર્વ સૈનિકમાં આરોપણ કર્યું છે અને તેના સ્વાસ્થ્યમાં ઝડપભેર સુધારો થઇ રહ્યો છે. ડ્યુક યુનિવર્સિટી હોસ્પિટલ અમેરિકાની ટોચની પાંચ પસંદગીની હોસ્પિટલમાં સ્થાન ધરાવે છે, જેને ડોનેટ કરાયેલા હૃદયને ટ્રાન્સપ્લાન્ટ કરવાની મંજૂરી છે. આ નવું ડિવાઇસ શરીરના અંગોમાં ઉષ્ણ અને ઓક્સિજનયુક્ત લોહીનો સંચાર કરવામાં સક્ષમ છે અને હાલમાં તેની ક્લિનિક્લ ટ્રાયલ ચાલી રહી છે.
સામાન્ય સંજોગોમાં બ્રેઇન ડેથ બાદ જ હાર્ટ ડોનેટ કરી શકાય છે, પણ હૃદય ધડકવાનું બંધ કરી દે છે ત્યારે રક્તસંચાર પણ અટકી જાય છે વ્યક્તિ મૃત જાહેર કરાય છે. રક્તપ્રવાહ અટક્યા પછી મૃત વ્યક્તિનાં અનેક અંગોને બીજી વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાતાં રહ્યાં છે, પણ હૃદયને ટ્રાન્સપ્લાન્ટ કરવાનો આ અમેરિકાનો પ્રથમ કિસ્સો છે. અત્યાર સુધી આવું યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં જ કરાયું હતું.
જે ડિવાઇસની મદદથી આ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે તેનું નામ ટ્રાન્સમેડિક્સ ઓર્ગન કેર સિસ્ટમ છે, તેનાથી હૃદય સહિત અનેક અંગોને કોઇ વ્યક્તિના મૃત્યુના કલાકો બાદ પણ સુરક્ષિત રાખી શકાય છે. જોકે અત્યારે ફક્ત ટ્રાયલ માટે આ ડિવાઇસના ઉપયોગની મંજૂરી અપાઇ છે, પણ એફડીએએ તેના વ્યાપક ઉપયોગની મંજૂરી નથી આપી. આ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડ્યુક હોસ્પિટલના ડો. જેકબ શ્રોડર કહે છે કે આ પ્રક્રિયાના માધ્યમથી કોઇ જરૂરિયાતમંદને હૃદય મળવાની શક્યતા ૩૦ ટકા સુધી વધી ગઇ છે. મતલબ કે દાન કરાયેલ હદયની સંખ્યા વધતાં જરૂરિયાતમંદો માટે રાહ જોવાનો સમય ઘટશે અને હૃદયના ગંભીર રોગોથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ઘટશે. આ મામલે અમે બંને દાન આપનારની ઉદારતાની અને આ હૃદય સ્વીકારનારના સાહસની પ્રશંસા કરીએ છીએ.