વોશિંગ્ટનઃ અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલા રોબોટે પ્રથમ વખત માણસની મદદ વગર સર્જરી કરીને ઈતિહાસ રચ્યો છે. કોઈ રોબોટે કોઇ પણ જાતની માનવીય સહાય વગર તબીબી સર્જરી કરી હોય એવો આ પ્રથમ બનાવ છે. રોબોટે ડુક્કરના શરીરમાં સહેજ પણ ચૂક વગર લેપ્રોસ્કોપિક સર્જરી કરી બતાવી હતી.
અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. એક્સેલ ક્રિએગરના નેતૃત્વમાં રોબોટિક સર્જરીના સફળ પ્રયોગો થયા હતા. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ વિકસાવેલા રોબોટે ડુક્કરના શરીરમાં એક પણ ભૂલ વગર લેપ્રોસ્કોપિક સર્જરી કરી હતી. માણસની મદદ વગર રોબોટિક સર્જરી થઈ હોય એવું દુનિયામાં પ્રથમ વખત બન્યું છે. રોબોટ પાસે કુલ ચાર ઓપરેશનો કરાવાયા હતા. એ ચારેયના પ્રયોગમાં સફળતા મળી હતી. રોબોટે ડુક્કરના આંતરડાને જોડયા હતા. યુનિવર્સિટીના સંશોધકોએ આ રોબોટનું નામ સ્માર્ટ ટિશ્યૂ ઓટોનોમસ રોબોટ (સ્ટાર) રાખ્યું છે.
સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે રોબોટે માણસની સરખામણીએ વધુ સારી રીતે અને સ્વસ્થતાથી ઓપરેશન પાર પાડયું હતું. પ્રોફેસર એક્સેલ ક્રિએગરે જણાવ્યું હતું કે આ ક્રાંતિકારી પ્રયોગ હતો. અત્યાર સુધી માણસની મદદ વગર રોબોટને એરર વગર ઓપરેશન કરવામાં સફળતા મળી ન હતી. પ્રથમ વખત માણસની મદદ વગર, ઝીરો એરરથી રોબોટિક ઓપરેશન પાર પડયું હતું. તેના કારણે હ્મુમન એરરને નિવારીને રોબોટિક મદદ લેવાની દિશા ખુલી ગઈ છે.
સંશોધકોએ કહ્યું હતું કે પેટમાં વાઢ-કાપ કરીને ઓપરેશન કરવાનું કામ ખૂબ જ નાજૂક હોય છે. આ કામ રોબોટે સિફતપૂર્વક પાર પાડયું હતું. આ સફળતા પછી ભવિષ્યમાં ઓપરેશન રોબોટિક્સની શક્યતા વધશે અને ઓપરેશન ઓટોમેટિક થશે.