તબીબીવિજ્ઞાનમાં ક્રાંતિઃ માનવશરીરમાં ડુક્કરના હૃદયનું પ્રત્યારોપણ

Sunday 16th January 2022 04:15 EST
 
 

નવી દિલ્હી: કોઇ વ્યક્તિના અંગદાનથી કેટલાક અન્ય બીમાર કે જીવનના અંતિમ શ્વાસ લેતા લોકોને જીવનદાન મળતું હોવાના તો હજારો કિસ્સા આપણે રોજબરોજ સાંભળતા હોય છે, પરંતુ અમેરિકામાં ડોક્ટર્સે એક માણસમાં ડુક્કરનું હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને તેના નવા વર્ષમાં નવજીવનની અમૂલ્ય ભેટ આપી છે. આ મેડિકલ જગતમાં મોટો ચમત્કાર છે.
અમેરિકાના સર્જનોએ જિનેટિકલી મોડિફાઇડ ડુક્કરના હૃદયનું ૫૭ વર્ષના માણસમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને ઇતિહાસ રચી દીધો છે. તબીબી નિષ્ણાતોની આ સિદ્ધિ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. આ ચમત્કારથી દર વર્ષે હૃદયની ગંભીર બીમારીથી પીડિત લાખો લોકોને જીવનમાં એક નવી આશા મળશે. યુએસ ડ્રગ રેગ્યુલેટર એફડીએએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આ સર્જરી માટે મંજૂરી આપી હતી. ૫૭ વર્ષીય પીડિત વ્યક્તિના જીવનને બચાવવા માટે પિગ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અંતિમ માર્ગ હતો.
તબીબોના જણાવ્યા પ્રમાણે, પીડિત ડેવિડ બેનેટની હાલત અત્યંત નાજુક હતી. તેથી તેનો જીવ બચાવવા માટે જિનેટિકલી મોડિફાઇડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ડેવિડની હાલત સુધરી રહી છે અને નવું અંગ કેવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યું છે તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સર્જરી ખાસ કરીને પ્રાણીઓના અંગોના માનવમાં પ્રત્યારોપણની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter