ન્યૂ યોર્કઃ તબીબીજગતે માનવશરીરમાં ભૂંડની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરીને અનોખું સિમાચિહ્ન હાંસલ કર્યું છે. એનવાયયુ લેંગોન ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટિટ્યુટના ડોક્ટરોએ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે આ સફળતા મેળવી છે. ડોક્ટરોએ એક બ્રેન ડેડ દર્દીના શરીરમાં ભૂંડમાં જીન બદલી વિકસિત કરાયેલી કિડનીનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. આ કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીના તમામ અંગો સામાન્ય રીતે કામ કરી રહ્યાં છે. દર્દીની કિડનીએ કામ કરવાનું સદંતર બંધ કરી દીધું હતું અને લાઇફસપોર્ટ હટાવતાં પહેલા ડોક્ટરોએ આ પ્રયોગ માટે તેના પરિવારજનોની મંજૂરી માગી હતી.
એનવાયયુના ડિરેક્ટર ડો. રોબર્ટ મોન્ટગોમરીને આ સફળતા બાદ કહ્યું કે ભૂંડના અંગોને ટ્રાન્સપ્લાન્ટની દિશામાં એક સ્થાયી સ્ત્રોત બનાવી શકાય છે. આમ કરીને માનવશરીરમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અંગોની અછતને દૂર કરી શકાય છે. ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલા ભૂંડના જીનને બદલી નંખાયા હતા, જેથી માનવશરીર તેના અંગોને તત્કાળ નકારી ન દે. ઉલ્લેખનીય છે કે પહેલી વાર કોઇ માનવશરીરમાં પ્રાણીની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.