નવી દિલ્હીઃ વિજ્ઞાન અને ટેક્નોલોજી મારફત આજે શું શક્ય નથી. ભારતીય તબીબોએ આ વાત ફરી સાબિત કરી બતાવી છે. રાજધાની દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સિસ (AIIMS)માં માતાના ગર્ભમાં રહેલા એક ભ્રૂણના દ્રાક્ષના આકાર જેટલા કદના હૃદયમાં સફળતાપૂર્વક બલૂન ડાઇલેશન કરવામાં આવ્યું હતું. ડોક્ટરો બાળકના હૃદયની સ્થિતિ વિશે તેના માતા-પિતાને જણાવ્યું તો તેમણે ડાઇલેશન માટે મંજૂરી આપી હતી અને વર્તમાન ગર્ભાવસ્થાને ચાલુ રાખવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તબીબોએ જણાવ્યું હતું કે 28 વર્ષીય ગર્ભવતી મહિલાનો ત્રણ વાર ગર્ભપાત થઇ ચૂક્યો હતો અને જ્યારે તેને પોતાના ગર્ભમાં ઉછરી રહેલા ભ્રૂણના હૃદયની ખરાબ સ્થિતિ જણાવાયું હતું ત્યારે તે બેભાન થઇ ગઇ હતી. આ પછી ડાઇલેશનની પ્રક્રિયા એમ્સ કાર્ડિયોથોરેસિક સાયન્સિસ સેન્ટરમાં કરાઇ હતી.
ડોક્ટરોની ટીમે જણાવ્યું હતું કે તબીબોની ટીમ ભ્રૂણની વૃદ્ધિ પર નજર રાખી રહી છે. બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે પણ કેટલાક પ્રકારના ગંભીર કહી શકાય તેવા હાર્ટ ડિસીઝનું નિદાન કરી શકાય છે. અને ક્યારેક-ક્યારેક ગર્ભમાં જ તે બીમારીઓની સારવાર કરવાથી જન્મ બાદ બાળકની સ્થિતિમાં સુધારો થઇ શકે છે અને તેમનો સામાન્ય વિકાસ થઇ શકે છે.
ડોક્ટરે કહ્યું હતું કે, અમે માતાના પેટના માધ્યમથી બાળકના હૃદયમાં એક નિડલનો પ્રવેશ કરાવ્યો હતો અને પછી એક બલૂન કેથેટરનો ઉપયોગ કરીને અમે લોહીના પ્રવાહમાં સુધારા માટે અવરોધાયેલા વાલ્વને ખોલી નાખ્યો હતો. અમે આશા કરીએ છીએ કે બાળકના હૃદયનો હવે સારી રીતે વિકાસ થશે અને તેના હૃદયનો રોગ જન્મના સમયે ઓછો ગંભીર રહેશે.