તમને થાક કેમ લાગે છે?

Wednesday 07th April 2021 06:14 EDT
 
 

શારીરિક રીતે તમને કોઇ તકલીફ નથી. ઉંમર પણ ૩૫ કે ૪૦ની આસપાસ છે. આમ છતાં સવારે તમે પથારીમાંથી ઉઠો છો ત્યારે તમને થાક કેમ લાગે છે? થાક (ફટીગ) આજના જમાનાનો મહારોગ છે એમ કહીએ તો પણ ખોટું નથી. જરા તમારા દાદા કે દાદીને યાદ કરો. તે વખતે આટલા બધા મશીનો નહોતા. ટ્રાન્સપોર્ટેશનના સાધનો કાર કે ટુવ્હીલર નહોતા, દિનચર્યાના બધા જ કામ તમારે હાથ-પગનો ઉપયોગ કરીને કરવા પડતાં હતા. દિવસના શારિરીક કામ કરવામાં શરીર એટલું થાકી જતું હોય કે ઉંઘ પણ ઘસઘસાટ આવતી હતી.
અત્યારે કોઇ પણ જાતના શારીરિક ક્રિયા - હલનચલન કર્યા વગર બધા જ પ્રકારના કામ થઇ જાય છે. દરેક પ્રકારનો ખોરાક બજારમાં તૈયાર મળતો થઇ ગયો છે. ખાસ કરીને સુખી ઘરના લોકો કોઇ પણ જાતનું કામ હોય માણસ કે મશીનથી કરતા થઇ ગયા. કામધંધાની વાત કરીએ તો નોકરી હોય ત્યારે ખુરશીટેબલનો ઉપયોગ અને સ્વતંત્ર ધંધો હોય તો એર કન્ડિશન કેબિનમાં બેસવાનું. ત્રીજા-ચોથા માળે ઓફિસ હોય તો પણ એકેય પગથિયું ચઢ્યા વગર સીધું લિફ્ટમાં જવાનું.
મૂળ વાત એટલી જ છે કે માનવી રોજીંદી દિનચર્ચાના બધા જ કાર્યો હાથ કે પગના ઉપયોગ વગર કરતો થઇ ગયો છે. શરીર થાકે નહીં અને મગજ સખત થાકી જાય એ પરિસ્થિતીમાં તમને થાક ના લાગે તો બીજું થાય શું? અત્યારે પરિસ્થિતિ એવી થઇ ગઇ છે કે તમને કંઇ પણ થાય ત્યારે તેનો ઉપાય તમારી પાસે હોવા છતાં તમારે વારે વારે ડોક્ટર પાસે જવું પડે છે. માનવીની દશા પેલા લોકકથાના કસ્તુરીમૃગ જેવી થઇ ગઇ છે, જે પોતાની પાસે કસ્તુરી હોવા છતાં આખા જગતમાં ભટકતો હતો.
તમારી પાસે પણ થાક દૂર કરવાના ઉપાય છે જ, જરૂર છે માત્ર થોડું આયોજન કરવાની.
• તમારી લાગણીઓ ઉપર કાબુ રાખતા શીખો. મોટા ભાગે તમને તમારા અને તમારા કુટુંબના ભવિષ્યના વિચારો સતત આવે છે, જેના કારણે ડર લાગે છે અને મગજ થાકી જાય છે. પરંતુ શરીરને આખા દિવસમાં કોઇ પણ જાતનો શ્રમ નહીં કરવાની થાક લાગ્યો નથી એ મુખ્ય કારણ છે.
• બ્રેકફાસ્ટ (સવારનો નાસ્તો) લેવાનું ભુલશો નહીં. દૂધ ૨૫૦ મિલીલીટર, રોટલી-ભાખરી-બ્રાઉનબ્રેડ, ઓટમિલ-કોર્નફ્લેક્સ અને એક કેળું-સફરજન નાસ્તામાં ખાઓ. જમવાના સમયમાં પણ નિયમિત બનો.
• કસરત અચૂક કરવી પડશે. રોજિંદા કામમાં શ્રમ ના મળતો હોય તો તમારે તમને ગમતી કસરત શરૂ કરવી પડશે. ભૂતકાળામં કોઇ પણ કસરત ના કરી હોય તો જે કસરત કરો તેનું પ્રમાણ ધીરે ધીરે વધારશો. વજન વધારે હોય, ઉમર વધારે હોય ત્યારે પણ આપણાથી કસરત ના થાય તેઓ વિચાર સુદ્વા ના કરશો. ઘરમાંને ઘરમાં થોડું ચાલો. જરૂર લાગે તો લાકડી કે વોકરનો ઉપયોગ કરો. એ પણ ના ફાવે તો દાદર કે સીડીનો કઠેડો એક હાથે પકડી અને પહેલા પગથિયે તમારો ડાબો પગ મૂકો. પછી જમણો પગ પહેલા પગથિયે મૂકો. ત્યાર પછી ડાબો પગ નીચે મૂકો અને પછી જમણો પગ નીચે મૂકો. આમ એક પગથિયું ચઢવા અને ઉતરવાની ક્રિયા કરો. તમારું ધ્યેય આખા દિવસમાં ૩૦૦ પગથિયાં ચઢઉતર કરવાનું હોવું જોઇએ. બહાર ચાલવાનું પસંદ હોય તો નિયમિત ૩૦થી ૪૦ મિનિટ ચાલો.
• ટીવી જોવાનો સમય ઘટાડી નાંખો.
• દિવસે પણ સમય મળે ત્યારે એક નેપ (ઝોકું) અવશ્ય ખાઇ લો.
• બપોરે કે રાત્રે જમીને તરત સુઇ જવાને બદલે ૧૫થી ૨૦ મિનિટ અવશ્ય ચાલો. થોડીક વાર બેસો અને પછી સૂવા જાવ.
• બોડી માસ ઇંડેક્સ (બીએમઆઇ) માપતા શીખી જાઓ. ગુગલ પર બીએમઆઇ કેલ્ક્યુલેટર મળી જશે. તમારી વય, ઊંચાઇ અને વજન તેમાં એન્ટર કરશો કે બીએમઆઇનો આંક મળી જશે. આ ના ફાવે તો સંતાનોની મદદ લો. હંમેશા તમારો બીએમઆઇ ૧૯થી ૨૫ વચ્ચે રાખો.
• ઘરનું કામ હોય કે બહારનું કોઇ પણ કામ હોય, માણસ કે મશીનની મદદ લેવાને બદલે જાતે કરો. આનાથી તન અને મન બન્ને સ્વસ્થ રહેશે.
• તમાકું, સિગારેટ કે દારૂનું વ્યસન પણ તમારા શરીરને નબળું પાડે છે. તમને થાક - સુસ્તીનો અનુભવ કરાવે છે. આવું કોઇ પણ જાતનું વ્યસન હોય તો મનને મજબૂત કરો અને ભવિષ્યનો વિચાર કરીને બધાનો ત્યાગ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter