કેટલીક શારીરિક તકલીફો એવી છે જેને આપણે વધુ મહત્ત્વ આપતા નથી. કારણ શું? ક્યારેક એવું બને છે કે એ તકલીફો આપણને એટલી મોટી લાગતી નથી અથવા તો એવું પણ બને છે કે આવી તકલીફ આવીને પછી જતી રહે છે તો વ્યક્તિ એને ગંભીરતાથી લેતી નથી. આવી જ તકલીફોમાંની એક તકલીફ છે માઉથ અલ્સર, જેને દેશી ભાષામાં આપણે મોઢામાં ચાંદાં પડ્યાં કે છાલાં પડ્યાં એવું કહીએ છીએ.
ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે, જેને આ તકલીફ ક્યારેય નહીં થઈ હોય. હોઠની અંદરના ભાગમાં, ગલોફામાં, જીભમાં કે મોઢાના કોઈ પણ ભાગમાં ચાંદું પડ્યું હોય એ કોઈને કોઈ પ્રકારનું અલ્સર છે. ઘણા કેસમાં એ ફેલાય છે. આ ખૂબ જ સામાન્ય સમસ્યા હોવાથી લોકો ઘરગથ્થુ ઇલાજ પણ કરતા હોય છે. ઘણા લોકો એને એટલી હદે અવગણે છે કે એ ખૂબ વધી જાય છે અને ઘણા લોકો એના માટે કંઈ ન કરીને એને એમ જ રહેવા દે તો પણ એ એની જાતે થોડા દિવસમાં મટી જાય છે.
એક આંકડા મુજબ દર પાંચમાંથી એક વ્યક્તિને માઉથ અલ્સરનો પ્રોબ્લેમ રહે છે. આટલા સામાન્ય જણાતા પ્રોબ્લેમ વિશે પણ ઘણી અસામાન્ય વાતો છે, જે ઘણા લોકો જાણતા નથી. આ પ્રોબ્લેમ શું છે અને કયાં કારણો એની પાછળ જવાબદાર હોઈ શકે છે? આવો સમજીએ...
તકલીફ
માઉથ અલ્સરનું બીજું નામ એપ્ટસ અલ્સર છે, જેમાં વ્યક્તિને થોડા-ઝાઝા અંશે દુખાવો થતો હોય છે. ખાસ કરીને ખાવા-પીવામાં કે બ્રશ કરવામાં. અલ્સરના જે પ્રકાર છે એમાં સૌથી વધુ જોવા મળતા પ્રકાર વિશે વાત કરતાં તબીબો કહે છે કે મોટા ભાગે જે માઉથ અલ્સર જોવા મળે છે એ થોડો સમય મોઢામાં રહીને જાતે જ પોતાની મેળે હીલ થઈ જાય છે. આ પ્રકારનાં અલ્સર કોઈ પણ રીતે નુકસાન કરતાં હોતાં નથી. મોટા ભાગે આ પ્રકારના અલ્સરમાં ૩-૪ દિવસથી લઈને ૨-૩ અઠવાડિયાં સુધીમાં અલ્સર પોતાની મેળે જતું રહે છે. જો કોઈ પણ અલ્સર ૩ અઠવાડિયાંથી વધુ રહે તો એ પ્રોબ્લમેટિક ગણાય છે.
આ પ્રકારના અલ્સરમાં વ્યક્તિને ડોક્ટરની મદદ જરૂરી રહે છે. આ સિવાય જે અલ્સર વધારે દુખે કે ખૂબ જલ્દી મોઢામાં ફેલાતું હોય એવું લાગે તો આ પ્રકારના અલ્સરમાં પણ વ્યક્તિએ ડોક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી છે.
વિટામીનની ઊણપ
માઉથ અલ્સર થવા પાછળનાં ઘણાં જુદાં-જુદાં કારણો હોય છે. પરંતુ જે માઉથ અલ્સર સાધારણ છે અને પોતાની જાતે જ મટી જતું હોય છે એ પ્રકારના માઉથ અલ્સર પાછળ મોટા ભાગે કયાં કારણ જવાબદાર છે? માઉથ અલ્સર મોટા ભાગે વ્યક્તિમાં વિટામિનની ઊણપ સૂચવે છે. ખાસ કરીને ફોલિક એસિડની ઊણપ. આ સિવાય વિટામિન B12, ઝિન્ક કે આયર્નની ઊણપ પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. જે વ્યક્તિને આ પ્રકારનાં અલ્સર વારંવાર થતાં હોય કે જે અલ્સર થાય અને પાછાં મટી જાય તો તેમણે વિટામિનની ગોળીઓ ડોક્ટરને પૂછીને લેવી જોઈએ.
આ સિવાય સમજીએ તો અલ્સર એક ઓટોઇમ્યુન ડિસીઝ છે એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ અમુક પ્રકારે રીએક્ટ કરે છે, જેને લીધે પણ માઉથ અલ્સર થઈ શકે છે. આ ઉપરાંત અમુક પ્રકારની દવા, પેઇનકિલર્સ, છાતીના દુખાવાની અમુક દવાઓની સાઇડ ઇફેક્ટરૂપે પણ અલ્સર થઈ શકે છે.
બીજાં કારણો
ક્યારેક કોઈ વ્યક્તિઓને ખાટાં કે એસિડિક ફળો જેમ કે લીંબુ, ટમેટાં કે સંતરાં ખાવાથી, બહારનું સ્પાઇસી જમવાનું લેવાથી, ઊંઘ પૂરી ન થવાથી કે કોઈ એવી વસ્તુ જે ખાવાને કારણે મોઢું છોલાઈ જાય તો એનાથી પણ ચાંદાં પડી જાય છે. જો કોઈ વ્યક્તિ ખૂબ ગરમ વસ્તુ ખાઈ લે તો તેને અલ્સરની સમસ્યા થઈ શકે છે, કારણ કે મોઢાની સ્કિન ખૂબ જ નાજુક હોય છે અને કંઈ ગરમ અડે તો એ દાઝી જાય છે અને ત્યાં ચાંદું પડી જાય છે. આ સિવાય ઘણી વાર અત્યંત ઠંડી વસ્તુ ખાવાથી પણ મોઢામાં ચાંદાં પડી જાય છે.
આ સિવાયનાં અમુક કારણો વિશે ડોક્ટરો કહે છે કે જે વ્યક્તિઓને ડેન્ટલ પ્રોબ્લેમ હોય, કોઈ દાંત ગલોફામાં ખૂંચતો હોય કે વધુ પડતો લાંબો અને તીક્ષ્ણ હોય તો વ્યક્તિને એ દાંતને કારણે અલ્સર થઈ શકે છે. ઘણા મોટી ઉંમરના લોકો જેમના ચોકઠાના ફિટિંગમાં પ્રોબ્લેમ હોય તો તેમને પણ આ પ્રોબ્લેમ થાય છે. આ સિવાય જે લોકો દાંત સરખા કરાવવા માટે બ્રેસિસ નાખે છે એમાં પણ ક્યારેક આ તકલીફ થઈ શકે છે.
ઇલાજ શું?
તમને ક્યારેક જ અલ્સર થતું હોય તો જરૂરી નથી કે તમે ડોક્ટર પાસે જાઓ. વળી એ એક-બે અઠવાડિયામાં એની મેળે સરખું થઈ જાય તો એ સાવ નોર્મલ ગણાય છે, જેને માટે ઇલાજની જરૂર નથી પડતી. જો અલ્સર લાંબા ગાળાનું હોય, ખૂબ દુખતું હોય અને એવું ને એવું જ હોય અથવા એ વધ્યા કરતું હોય કે ફેલાતું હોય તો ઇલાજ કરવો પડે તો એ માટે ડોક્ટર્સ મોટા ભાગે એન્ટિમાઇક્રોબિયલ માઉથ રીન્સ, સ્ટેરોઇડવાળી અલ્સર પર લગાડવાની દવા, પેઇન અને ઇરિટેશન દૂર થાય એ માટેની દવા પણ ડોક્ટર્સ આપતા હોય છે.
ડોક્ટર પાસે ક્યારે જવું?
સ્મોકિંગ કે આલ્કોહોલ જેવી કોઈ આદતો હોય, તમાકુ ચાવતી હોય એવી વ્યક્તિને માઉથ અલ્સર થાય જ છે. જ્યારે તે આ આદત છોડે છે ત્યારે પણ થાય છે, જે થોડા દિવસમાં જતી પણ રહે છે. જોકે આ પ્રકારનું અલ્સર ખૂબ જ ગંભીર હોઈ શકે છે. આમ જો તમે આવી આદતો ધરાવતા હો, તમને અલ્સર સતત થોડા-થોડા સમયે થયા કરતું હોય કે એવું અલ્સર થાય જે લાંબો સમય રહે અને મટે જ નહીં તો એ માટે ડોક્ટરી સલાહની જરૂર પડે છે. ખાસ તો આ અલ્સર પાછળનાં કારણો શોધવાની અને ઇલાજની પણ જરૂર પડે છે. જો ગફલતમાં રહ્યા તો એ અલ્સર કેન્સર સુધી તમને ખેંચી જઈ શકે છે.