લંડનઃ મોટા ભાગના લોકો એક કે બે દિવસ પહેરેલા કપડાં વોશિંગ મશીનમાં નાંખીને ધોઇ નાંખે છે, પરંતુ આ જ લોકો ઘડિયાળ, વીંટી કે એરિંગ્સ જેવી અનેક એક્સેસરીઝને ચોખ્ખી રાખવાની દરકાર ભાગ્યે જ કોઈ રાખે છે. વળી આ ચીજો પણ દરરોજ તો ચોખ્ખી રાખતા જ નથી. બે-પાંચ દિવસે કે ક્યારેક તો મહિના સુધી કોઇને એ સ્વચ્છ કરવાનું સૂઝતું નથી. એ સંજોગોમાં એ તમામ ચીજો ટોઇલેટ કરતાં પણ ૪૦૦ ગણી વધુ કિટાણુવાળી થઈ જતી હોય છે!
તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં વીંટી, એરિંગ્સ અને ઘડિયાળ અઠવાડિયું પહેર્યા બાદ તેની સ્વચ્છતા અંગે વિશ્લેષણ કરાયું હતું. આ વિશ્લેષણ હેઠળ આવરી લેવાયેલાઓમાંથી બે-તૃતિયાંશ બ્રિટિશરોએ તો સ્વીકારી લીધું હતું કે તેઓ ક્યારેય તેમની ઝવેરાત કે ઘડિયાળ જેવી એક્સેસરીઝની સફાઈ કરતા નથી.
અતિજોખમી બેક્ટેરિયાની હાજરી
ઝવેરાત અને ઘડિયાળના નિષ્ણાતો દ્વારા થયેલા સંશોધનમાં જણાયું હતું કે, વીંટી, ઘડિયાળ અને એરિંગ્સ એ તમામ ચીજો સાત દિવસમાં ટોઇલેટ કરતાં ૪૨૮ ગણા વધુ કિટાણુયુક્ત થઈ જાય છે. પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે એક અઠવાડિયામાં તો ઝવેરાત ઉપર ૨૧,૦૦૦ કરતાં વધુ બેક્ટેરિયા વિકસતા હોય છે. ઝવેરાત પર અતિજોખમી ગણાતા મેટિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફિલોકોક્સ ઓરેસ (MRSA)થી માંડીને ડિપ્થેરિયા, ફૂડ પોઇઝનિંગ અને બેક્ટેરિયાની કોલોની સુધીનું બધું જ હોય છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
વીંટી પર પાંચ જાતના બેક્ટેરિયા
સંશોધકોએ એક અઠવાડિયું પહેરાયેલું ઝવેરાત તપાસતાં જણાયું કે બેક્ટેરિયાની પાંચ પ્રજાતિ સાથે રિંગ ખૂબ જ ગંદી જોવા મળી હતી. વીંટી ઉપર કુલ બેક્ટેરિયાની ૫૦૪ વસાહત, ફૂગની એક કોલોની અને એક બ્લેક મોલ્ડની વસાહત જોવા મળી હતી. બ્લેક મોલ્ડના સંપર્કમાં આવવાથી ત્વચા રુક્ષ થઈ જાય, ચામડી પર ચકામા પડે તેમજ અન્ય સમસ્યા પેદા થઈ શકે છે.
કલાકમાં ૧૬ વખત મોંને સ્પર્શ
દરરોજ આપણો હાથ ખોરાકથી માંડીને વિષ્ટા જેવી હજારો અજાણી ચીજોના સંપર્કમાં આવતો હોય છે. આ સ્થિતિમાં સામાન્ય રીતે દરેક વ્યક્તિ તેના ચહેરાનો કલાકે ૧૬ વખત સ્પર્શ કરે છે. આના પરથી તમે કલ્પના કરી શકો છો કે તમારા મોં સુધી કેવા કેવા બેક્ટેરિયા પહોંચતા હશે.