આપણે દરરોજ સવારે અને સાંજે બ્રશ કરીને અને ઘણી વખત ફ્લોસ કરીને પણ દાંતની સફાઈ કરીએ છીએ. પરંતુ, રોજેરોજ ખાવા અને પીવાથી તેમજ ઘણી વખત ચુંબનો થતા રહે છે ત્યારે આપણા દાંત જંતુઓનું ઉછેરસ્થાન બની રહે તેમાં જરા પણ શંકાને સ્થાન નથી. આમાં પણ તમે વાંકાચૂંકા દાંતને સીધમાં રાખનારા તારવાળા બ્રેસીસને ગણતરીમાં લેશો તો તમારે મૌખિક સ્વચ્છતા, આરોગ્ય અને સંભાળ વિશે વધુ કાળજી લેવી પડશે. વર્ષમાં બે વખત ડેન્ટિસ્ટની મુલાકાત લેશો તો સારું ગણાશે.
બ્રિટિશ એસોસિયેશન ઓફ કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ ડો. સામ જેઠવાના કહેવા અનુસાર આપણે મોં અને દાંતમાં રહેલાં બેક્ટેરિયાઝને ભલે નિહાળી શકતા નથી પરંતુ, ઓરલ માઈક્રોબાયોમ તરીકે ઓળખાતા ફંગસ અને બેક્ટેરિયા સહિત હજારો માઈક્રોબ્સનું ઘર મોં અને દાંત છે. મહત્ત્વની બાબત એ છે કે મોટા ભાગના સુક્ષ્મ બેક્ટેરિયા આપણા મૌખિક આરોગ્યમાં મદદરૂપ હોય છે. આમ છતાં, કમનસીબે અન્ય બેક્ટેરિયા દાંતના સડા અને પેઢાંના રોગો તરફ દોરી જાય છે. આપણે સ્વસ્થ સ્મિતની ચોકસાઈ માટે મુખની સારી સારસંભાળ અને આરોગ્યપ્રદ આહાર થકી મોંમાં બેક્ટેરિયાના પ્રમાણને મેનેજ કરી શકીએ છીએ.
તાજેતરના વર્ષોમાં પુખ્ત લોકોમાં વાંકાચૂંકા દાંતને સીધા કરવાની સારવારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આની સાથે સાથે જ દાંતમાં વધુ બેક્ટેરિયા દાખલ કરવાનું જોખમ પણ વધતું હોય છે એ ન ભૂલવું જોઇએ. આ સારવારમાં મૂકાતા બ્રેસીસથી લાંબા ગાળે દાંતની સફાઈ સારી રાખવામાં મદદ થાય છે પરંતુ, તેના માળખાથી મોંના પહોંચી ન શકાય તેવા વિસ્તારોમાં નુકસાનકારી બેક્ટેરિયાનો ઉછેર વધી જાય છે. આથી, બ્રેસીસ પહેરનારા પેશન્ટ્સે દાંતની યોગ્ય સારસંભાળ તરફ સારું ધ્યાન આપવાની જરૂર રહે છે.
એક રસપ્રદ બાબત એવી પણ છે કે આપણે કોઈને ચુંબન કરીએ ત્યારે આપણા મોંમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયાને પ્રવેશ આપતા હોઈએ છીએ. જોકે, તેનાથી તમારા દાંત પર ખાસ અસર થવાની શક્યતા હોતી નથી. ચુંબન દરમિયાન લાળ ટ્રાન્સફર થાય છે જેમાં અનેક પ્રકારના બેક્ટેરિયા હોય છે. દાંતને સંબંધિત સીધી અસર થતી ન હોવાં છતાં, આવા સંપર્કથી વાઈરસ ટ્રાન્ફર થવાનું જોખમ રહે છે.
મોંની સારી સ્વચ્છતા કેવી રીતે રાખશો?
ડો. સામ જેઠવા કહે છે કે તમારા દાંતને દિવસમાં બે વખત બ્રશ કરવાથી દાંત પર જામેલી છારી અને ખાણીપીણીના કણો દૂર થાય છે. આવી છારી અને જમા કણો દાંતના સડા, બેક્ટેરિયા અને ખરાબ વાસ માટે જવાબદાર રહે છે. આજકાલ ઈલેક્ટ્રિક બ્રશ પણ મળે છે જે બેક્ટેરિયા દૂર કરવા સારા ગણાય છે પરંતુ, તેના બ્રિસ્ટલ ખરાબ થવા લાગે ત્યારે અથવા દર ત્રણ-ચાર મહિને ટુથબ્રશનાં હેડને બદલી નાખવું હિતાવહ છે.
તમે ડેન્ટિસ્ટની મુલાકાત લો ત્યારે તેમની સલાહ દાંતને ફ્લોસ કરવાની હોય જ છે. ડેન્ટલ હાઈજિન માટે ફ્લોસિંગનું વિશેષ મહત્ત્વ છે. ફ્લોસિંગ કરવાથી દાંત પરની છારી અને દાંતમાં ભરાઈ રહેલા ખાણીપીણીના કણો દૂર થાય છે. જીભ પરની છારી કાઢવી અને તેના થકી બેક્ટેરિયા દૂર કરવા માટે ઉલ ઉતારવી તે પણ ડેન્ટલ કેરનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.