ડાયટ અંગે ઘણા લોકો ભ્રમમાં રાચતા હોય છે કે તેઓ પોતે ઘણા સભાન છે, પરંતુ દરેક વ્યક્તિએ કેટલું ખાવું, શું ખાવું એ જાણી લેવું પૂરતું નથી. એના પર અમલ પણ એટલો જ જરૂરી છે. આપણે ત્યાં ખોરાક પ્રત્યે ઘણી બેદરકારી તો જોવા મળે જ છે, પરંતુ એની સાથે-સાથે ખોરાક પ્રત્યે અલગ-અલગ માન્યતાઓ પણ જોવા મળે છે. આ માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે અને દરરોજ નવી-નવી પણ જન્મે છે.
આજકાલ પ્રોટીનને લઈને ઘણી અલગ-અલગ માન્યતાઓ જોવા મળે છે. વેઇટલોસ ઇચ્છતા લોકો પ્રોટીન છોડીને બેસી જાય છે અને કહે છે કે પ્રોટીનથી વજન વધે છે. ઘણા લોકો કહે છે કે પ્રોટીન પચવામાં ખૂબ ભારે હોય છે એટલે અમુક ઉંમર પછી પ્રોટીન ખાવું જ ન જોઈએ. તો ઘણા લોકો માને છે કે જે વ્યક્તિ જિમમાં જાય છે, એક્સરસાઇઝ પર વધુ ધ્યાન આપે છે તેને જ પ્રોટીનની વધુ જરૂર પડે છે. સામાન્ય માણસને પ્રોટીનની ખાસ જરૂર હોતી નથી. વળી આપણે ત્યાં બીમાર લોકોને પણ પ્રોટીન અપાતું નથી, કારણ કે પ્રોટીન હલકા ખોરાકમાં ગણાતું નથી.
પ્રોટીન વિશેની આ તમામ માન્યતાઓ સાચી હોય કે ખોટી, પરંતુ એનું એક દુષ્પરિણામ જરૂર જોવા મળ્યું છે જે ખરેખર ચોકાવનારું છે. તાજેતરમાં ભારતનાં વિવિધ શહેરોમાં થયેલા સર્વે મુજબ સમગ્ર ભારતમાં ૯૧ ટકા શાકાહારી લોકોના અને ૮૫ ટકા માંસાહારી લોકોના ખોરાકમાં જરૂરી પ્રોટીનની ઊણપ જોવા મળી છે. સરેરાશ જોવામાં આવે તો ૮૮ ટકા લોકો તેમના રોજિંદા ખોરાકમાં જરૂરી માત્રામાં પ્રોટીન લેતા નથી. બીજા શબ્દોમાં આનો અર્થ એવો થાય કે ૧૦માંથી ૯ લોકોના શરીરમાં જરૂરી એવું પ્રોટીન ઓછું જોવા મળે છે. આપણા ખોરાકમાં પ્રોટીનની માત્રા ઓછી હોય તો તેની શરીર પર શું અસર થાય? ખોરાકમાં પ્રોટીનની માત્રા જાળવવા માટે શું કરવું જોઇએ? એ આજે જાણીએ.
પ્રોટીનની જરૂરત
પ્રોટીન એટલે શું એ બાબત પર થોડો વિચાર કરી લઈએ. શરીરના બંધારણ, નિયમન અને એના રિપેરિંગનું મહત્વનું કામ કરતું ઘટક એટલે પ્રોટીન. પ્રોટીનને શરીરનું બિલ્ડિંગ-બ્લોક્સ કહેવામાં આવે છે એમ સૂચવતાં ડાયેટિશ્યન્સ કહે છે કે શરીરના પાયાના ઘડતરમાં પ્રોટીન જરૂરી છે. દરેક કોષમાં જરૂરી ઘટક તરીકે પ્રોટીન હોય છે. દરેક સ્નાયુના બંધારણમાં એ પાયાનું કામ કરે છે. શરીરના અવયવોને, સ્નાયુઓને, વાળ-નખ વગેરેને પણ એક માળખું આપવાનું કામ પ્રોટીનનું છે. આ ઉપરાંત પ્રોટીન શરીરની રોગપ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ જ ઉપયોગી ઘટક છે. એમાંથી જ રોગપ્રતિકારક કણો, રક્તકણો, હોર્મોન્સ અને એન્ઝાઇમ બને છે.
પ્રોટીન જ શરીરમાં એન્ટિબોડીઝ બનાવે છે, જે શરીરમાં બહારથી આવતા બેક્ટેરિયા અને વાઇરસ સામે લડત આપે છે અને શરીરને રોગોથી બચાવે છે. વ્યક્તિ માંદી પડે, શરીરમાંથી સ્ટ્રેન્ગ્થ ઘટી જાય, મસલ્સલોસ થાય ત્યારે આ કન્ડિશનમાં પ્રોટીન જ છે જે તમને ફરીથી બેઠા કરી શકે છે. આમ પ્રોટીન શરીરના રિપેરિંગ કામ માટે પણ અત્યંત જરૂરી ઘટક છે.
કેટલી માત્રામાં જરૂર?
ખોરાકમાં કેટલું પ્રોટીન વ્યક્તિએ લેવું જોઈએ? અમેરિકન ડાયાબિટીસ અસોસિએશન અનુસાર એક કિલો વજન માટે ૦.૮ ગ્રામ પ્રોટીન આવશ્યક છે. ધારો કે વ્યક્તિનું વજન ૫૦ કિલો હોય તો તેણે દરરોજ ૪૦ ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ. જે વ્યક્તિને લિવર અને કિડનીનો પ્રોબ્લેમ છે તેણે પ્રોટીનની માત્રા પોતાના ડોક્ટરને પૂછીને નક્કી કરવી જોઈએ. તેના માટે આ પ્રમાણ નોર્મલ લોકો કરતાં ઓછું હોય છે.
ઉંમર પ્રમાણે પણ વ્યક્તિને પ્રોટીનની અલગ-અલગ જરૂરિયાત હોય છે. નાનાં બાળકોને તેમના ગ્રોથ-યર્સમાં સૌથી વધુ પ્રોટીન જોઈએ; કારણ કે શરીરમાં બનતાં હાડકાં, મસલ્સ વગેરે પ્રોટીનમાંથી જ બનવાનાં છે. એ જ રીતે એક વયસ્કને પ્રમાણસર અને મોટી ઉંમરની વ્યક્તિને એનાથી થોડી ઓછી માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે.
કોને જરૂર?
પ્રોટીનનો શરીરમાં સંગ્રહ થઈ શકતો નથી. દરરોજની જરૂરિયાત આપણે ખોરાક દ્વારા જ પૂરી પાડવી પડે છે. દરેક વ્યક્તિને પ્રોટીનની જરૂર છે. બાળકોમાં તેમનું શરીર અને તેમનો બાંધો ડેવલપ થઈ રહ્યો હોય છે. આ વિકાસનાં વર્ષોમાં બાળકને પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવું ખૂબ જ જરૂરી છે. પ્રેગ્નન્ટ સ્ત્રી, બ્રેસ્ટ-ફીડ કરાવનાર માતા, એથ્લીટ્સ, વેઇટલોસ કરનાર અથવા બીમારીમાંથી ઊભી થનાર વ્યક્તિને પ્રોટીનની વધુ આવશ્યકતા હોય છે.
ઊણપથી શું થાય?
જ્યારે શરીરમાં પ્રોટીન ઓછું પડે ત્યારે શરીર એ ખૂટતા પ્રોટીનને પહોંચી વળવા માટે પ્રોટીનથી ભરપૂર સ્નાયુઓને તોડે છે. આમ સ્નાયુના તૂટવાથી શરીરમાં કમજોરી આવે છે. આ ઉપરાંત જુદા-જુદા પ્રકારનાં ઇન્ફેક્શન થવાનું રિસ્ક ઘણું વધી જાય છે, કારણ કે એની સીધી અસર ઇમ્યુનિટી પર પડે છે. વાળ અને નખની ગુણવત્તા બગડે છે અને વ્યક્તિની સંપૂર્ણ હેલ્થ ખરાબ થાય છે.
શું કરવું જોઇએ?
તમારા દરરોજના ખોરાકમાં પ્રોટીનની પૂરતી માત્રા મળી રહે એ માટે અમુક નુસખા નિષ્ણાતો પાસેથી જાણીએ. બપોરે જમવામાં દાળ ખાઈ લીધી કે પનીરનું શાક ખાઈ લીધું એટલે આખા દિવસની પ્રોટીનની જરૂર પૂરી થઈ ગઈ એ માનવું ભૂલભરેલું છે. દિવસમાં ત્રણ ટંક આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં એક ભાગ પ્રોટીનનો હોવો જ જોઈએ એ નિશ્ચિત રાખીએ તો જ એની જરૂર પૂરી થાય છે. જેમ કે, સવારે દૂધ સાથે નાસ્તો, બપોરે જમવામાં દાળ, સાંજે સિંગ-ચણા અને રાત્રે જમવામાં ખીચડી-શાક કે થેપલાં-દહીં લઇ શકાય છે. આ ઉપરાંત રોટલીના લોટમાં સોયાબીન મેળવીને, શાકમાં સોયાની વડીઓ ઉમેરીને, સવારના નાસ્તામાં સ્પ્રાઉટ્સ ખાઈને અને અઠવાડિયામાં ત્રણ-ચાર વખત પનીર કે તોફું ખાઈને જરૂરિયાત પૂરી કરી શકાય. દૂધ, દહીં, પનીર વગેરે શ્રેષ્ઠ પ્રોટીન ગણાય છે; જ્યારે દાળ, કઠોળ, સોયાબીન વગેરે અધૂરું અને પચવામાં ભારે પ્રકારનું પ્રોટીન છે, જેને ઘઉં કે ચોખા જેવા કાર્બોહાઇડ્રેટ્સ સાથે ખાવામાં આવે તો એ પૂર્ણ બને છે અને પચવામાં સરળ પણ બને છે.