શું તમે જાણો છો કે સ્વાદ પણ તમારી તંદુરસ્તી અંગે ઘણું કહે છે? ડાયાબિટીસ જેવી કેટલીક બીમારીનો આ પ્રારંભિક સંકેત આપી શકે છે. હેલ્થલાઈન મેગેઝિનના રિપોર્ટમાં અલગ-અલગ સ્વાદ અને તેના સંબંધિત જોખમો અંગે ચર્ચા કરાઈ છે. જો તમે આ પ્રકારના સ્વાદનો સતત અનુભવ કરો છો તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
• ગળ્યો: ડાયાબિટીસ હોવાની શંકા
જો તમને ડાયાબિટીસની ફરિયાદ છે કે પછી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખી શકતા નથી, તો શરી૨માં હાઇ ગ્લૂકોઝને કારણે તમારો સ્વાદ ગળ્યો રહી શકે છે. તેના લક્ષણમાં વારંવાર તરસ લાગવી અને વસ્તુઓ ઝાંખી દેખાવા જેવા હોઈ શકે છે. ભોજનમાં તાજા ફળ અને શાકભાજી ખાવા અને ગળી વસ્તુઓનો ઉપયોગ ન કરીને મોંનો સ્વાદ ગળ્યો રહેવાની સમસ્યાને ઘટાડી શકાય છે.
• કડવોઃ લિવર, પિત્તાશયમાં મુશ્કેલી
મોઢામાં કડવો સ્વાદ આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓનું કારણ હોઈ શકે છે. લિવર અને પિત્તાશયમાં મુશ્કેલીને કારણે મોઢામાં કડવો સ્વાદ રહે છે. ગર્ડ (ગેસ્ટ્રોફેગલ રિફ્લક્સ ડિસીઝ) જેવી બીમારીથી પણ કડવો સ્વાદ રહે છે. તમારા પેટમાં એસિડ પાછું અન્નનળીમાં ફેંકાય છે ત્યારે ગર્ડ જેવી બીમારી થાય છે. તેના લક્ષણમાં છાતીમાં બળતરા થાય છે.
• મેટાલિકઃ પેઢાંની બીમારી, ચેપનો સંકેત
જો તમે મોઢામાં મેટલિક સ્વાદ અનુભવતા હો તો તે દાંતના પેઢાંની બીમારી કે કોઈ ઈન્ફેક્શન તરફ ઈશારો કરે છે. કિડની અને લીવરની બીમારી થવાથી પણ મોઢામાં મેટાલિક સ્વાદ રહે છે. તેનાથી બચવા માટે ભોજનમાં નિયમિત પૌષ્ટિક ફૂડને સ્થાન આપો. સાથે સાથે જ સમયસર ભોજન કરો. મોમાંઆ પ્રકારનો સ્વાદ કાયમ રહે તો કોઈ એલર્જી કે નર્વ ડેમેજ થવાનો સંકેત પણ હોઈ શકે છે. તેને ગંભીરતાથી લેવું જોઈએ.
• ખાટોઃ એસિડિટી - પોષણની ઊણપ
પેટનો એસિડ અન્નનળીમાં પરત જવાથી મોઢામાં ખાટો અને વિચિત્ર સ્વાદ રહે છે. ખાટો સ્વાદ અનેક બીજી સમસ્યાઓ જેમ કે પોષણની ઊણપ, ઈન્ફેક્શન કે નર્વ સિસ્ટમમાં મુશ્કેલીને કારણે પણ હોઈ શકે છે. એક ગ્લાસ પાણીમાં અડધો ચમચી મીઠું અને એક ચમચી બેકિંગ સોડાનું મિશ્રણ કરીને કોગળા કરવાથી ખાટો સ્વાદ ઓછો થાય છે.
• ખારોઃ પાણીની ઊણપનો સંકેત
શરીરમાં પાણીની ઊણપ સર્જાય કે શરીર પાણીને એક જગ્યાએ એકત્રિત કરવા લાગે તો થૂંક - લાળ બનવાનું ઓછું થાય છે. જેના કારણે મોઢામાં ખારો સ્વાદ રહે છે. જેના લક્ષણ છે - મોઢું સુકાયેલું રહેવું, તરસ લાગવી અને સાંધામાં દુઃખાવો. સમયાંતરે પાણી પીતાં રહેવાથી ખારા સ્વાદની સમસ્યા ઘટાડી શકાય છે, સાથે જ બીજી બીમારીનું જોખમ પણ ઘટે છે.