અમુક વ્યક્તિને રાત્રે વાંચતી વખતે બહુ ભૂખ લાગતી હોય છે, કેટલાકને ઓફિસમાં કામનું ખૂબ દબાણ હોય ત્યારે પણ કંઈક જન્ક ફૂડ ખાવાનું મન થાય છે, ક્યારેક એવું બનતું હોય છે કે કોઈની પર ખૂબ ગુસ્સો આવતો હોય ત્યારે સામે જે પડ્યું હોય એ ખાવાની સ્પીડ વધી જાય છે. આ ઉપરાંત કોઈ વાતે ખોટું લાગ્યું હોય, ગુસ્સો આવતો હોય, અતિશય કામનું પ્રેશર હોય, ઓછા સમયમાં ઘણું કામ પતાવવાનું હોય, ફટાફટ નિર્ણયો લેવા જરૂરી હોય, સમજી-વિચારીને યાદ રાખવાનું હોય ત્યારે-ત્યારે કંઈક આચરકૂચર ખાવાની ખાવાની ઇચ્છા થાય છે. આ બધા લક્ષણો તમારો માનસિક તનાવ દર્શાવે છે.
બ્રિટનમાં થયેલા સર્વેક્ષણ અનુસાર સ્ટ્રેસફુલ સ્થિતિમાં ૬૪ ટકા લોકો જન્ક ફૂડ અને ચટપટું ખાવા તરફ વળે છે. આથી જ આજકાલ ઓબેસિટીનું પ્રમાણ વધી ગયું છે. આમ આડકતરી રીતે ઓબેસિટી માટે સ્ટ્રેસને કારણભૂત ગણવામાં આવે છે. અમેરિકાનાં વેઇટલોસ કોચ અને ઇમોશનલ ઈટિંગ એક્સપર્ટ લિન્ડા સ્પેન્જલે ‘વેઇટલોસ જોય’ અને ‘લાઇફ ઇઝ હાર્ડ, ફૂડ ઇઝ ઈઝી’ જેવાં ખૂબ જ વખણાયેલાં અને વેચાયેલાં પુસ્તકો લખ્યાં છે. એમાં વેઇટલોસ માટે સ્ટ્રેસફુલ સ્થિતિમાં ખાવાની આદત કેવી રીતે નડે છે એ વિષય પર પણ સવિસ્તાર ઉલ્લેખ છે.
હેલ્ધી નહીં, અનહેલ્ધી ફૂડ
તમે માર્ક કરજો કે જ્યારે ખૂબ જ સ્ટ્રેસમાં હશો ત્યારે તમને સામે પડેલાં ફ્રૂટ્સ, સેલડ કે રોટલી-ભાખરી, ખાખરા ખાવાનું મન નહીં થાય. તમે સીધા નાસ્તાના ડબ્બાઓ ફંફોસવા માંડશો. આવા સમયે માત્ર આઇસક્રીમ, બિસ્કિટ્સ, ચિપ્સ, ફરસાણ, ચટપટી વાનગીઓ જ ખાવાની ભૂખ લાગે છે. આ બધી ચીજો ઘરમાં ન હોય તો બહારથી ઓર્ડર કરાવીને પણ તમે પેટમાં પધરાવો છે. આમ, ખોટી ચીજો ખાવાની ઇચ્છા જ ઓબેસિટીનું મોટું કારણ બની રહે છે.
સ્ટ્રેસફુલ ઈટિંગ-હેબિટ
ઘણા લોકો સમજી નથી શકતા કે તેઓ ઓલટાઇમ સ્ટ્રેસમાં જ રહેતા હોય છે ને એને કારણે તેમની ડેઇલી ઈટિંગ-હેબિટ જ ખરાબ થઈ ગઈ હોય છે. માત્ર નાસ્તાના સમયે જ નહીં, તેમના લંચ-ડિનરમાં પણ સ્ટ્રેસની અસર વર્તાય છે. એટલું જ નહીં, થોડાક દિવસોમાં તો એ જ તેમનું રુટિન બની ગયું હોય છે. વેઇટલોસ કોચ લિન્ડા કેટલાંક લક્ષણો નોંધીને તમને સ્ટ્રેસ છે કે કેમ એ જાણી શકાય એવા મુખ્ય પોઇન્ટ્સ વર્ણવ્યા છે. જેમ કે,
તમે કઈ રીતે ખાઓ છો?
૧) ડાઇનિંગ-ટેબલ પર સામે બેઠેલા લોકો સામે નજર નાખ્યા વિના જ ઝટપટ થાળીમાં પીરસેલું ફિનિશ કરવાવાળા લોકો સ્ટ્રેસમાં હોય છે.
૨) એક કોળિયો દસથી ઓછી વાર ચાવીને ગળે ઉતારી જનારા લોકો પણ સ્ટ્રેસ અનુભવતા હોય છે.
૩) એક કોળિયો હજી પૂરો ગળા નીચે ઊતર્યો ન હોય ને છતાં બીજો મોંમાં મૂકી દેનારાઓ પણ સ્ટ્રેસમાં જ હોય છે.
૪) ખાતી વખતે તમે વિચારોમાં ખોવાઈ જાઓ અને હાથમાં પકડેલો બીજો કોળિયો મોંમાં મૂકવામાં વાર લાગતી હોય તો પણ તમે સ્ટ્રેસમાં છો.
૫) જમતી વખતે તમારો હાથ કે પગ હલ્યા કરતો હોય અથવા તો તમે કામ કરતા હો કે વાંચતા હો તો પણ તમે સ્ટ્રેસમાં છો.
તમે શું ખાઓ છો?
૧) ડાઇનિંગ-ટેબલ પર મૂકેલી ચીજોમાંથી તમે તમારી ડિશમાં તીખી અને તળેલી ચીજો વધુ લો છો? તો તમારા મનમાં ક્યાંક ઇરિટેશન, કડવાશ, ફ્રસ્ટ્રેશન અને ઈર્ષ્યા જેવી લાગણી ભરાયેલી છે.
૨) તમે ડિશમાં કડક અને ક્રિસ્પી ચીજો વધુ લો છો ને પછી જોર-જોરથી અવાજ કરીને ખાઓ છો? તો તમારી અંદર ગુસ્સો અને પર્ફોમર્ન્સ-પ્રેશર હોઈ શકે છે.
૩) તમને સોફ્ટ અને સ્વીટ ચીજો ખાવાનું વધુ મન થતું હોય તો તમને ઇમોશનલ સ્ટ્રેસ હોઈ શકે.
૪) તમે ખૂબ બધું ખાવાનું લો, પણ ખાઈ ન શકો અને એંઠું વધારે મૂકો ત્યારે સમજવું કે તમને સ્ટ્રેસને કારણે ડિપ્રેશન પણ હોઈ શકે છે.
૫) જ્યારે ક્રીમ અને ચીઝવાળી ચીજો, પેસ્ટ્રી, પાસ્તા, કેક ખાવાનું ક્રેવિંગ થાય તો તમને એન્ગ્ઝાયટી અને હતોત્સાહને કારણે ડલ ફીલ કરો છો અને એટલે ખાવા પર તૂટી પડો છો.