તમે ક્યારેય અનાથાશ્રમની મુલાકાત લીધી છે? આ એક અનુભવ એવો છે, જે જીવનમાં વારંવાર લેવો જોઈએ. અને વારંવાર શક્ય ન હોય તો ઓછામાં ઓછો એક વાર તો અનુભવ લેવો જ જોઈએ. કોઈ પણ અનાથાશ્રમની મુલાકાત લઈએ એટલે એક વાત ઊડીને આંખે વળગ્યા વિના ન રહે. એ વાત છે ત્યાંનાં બાળકોનો ખોરાક માટેનો પ્રેમ. તેમને જે આપશો એ તેઓ સહર્ષ સ્વીકારી લેશે અને વ્યવસ્થિત પદ્ધતિસર લાઇનમાં બેસીને અન્નનો જરાય બગાડ કર્યા વિના ખાઈ પણ લેશે. આવાં બાળકોને જોઈએ એટલે મનમાં કરુણાનો ભાવ તો ઉત્પન્ન થાય જ, પરંતુ સાથે એક પ્રશ્ન થયા વિના પણ ન રહે. અને એ પ્રશ્ન એ કે આપણાં બાળકોને આપણે આટઆટલાં ભાવતાં ભોજન પીરસીએ છીએ તેમ છતાં તેઓ ક્યારેય આવા પ્રેમથી એને આરોગતા નથી? આથી ઉલ્ટું તેઓ જમી લેવા માટે આપણને રીતસરના ટટળાવે છે, જ્યારે આ બાળકોને જે આપો એ કેટલા સ્નેહથી ખાઈ લે છે. આવું કેમ?
વાંક વાલીઓનો છે...
નિયમિત ધોરણે પોતાની શક્તિ અને ઇચ્છા અનુસાર બેસીને જમી લેનારું બાળક એક મા તરીકે આપણી અડધી ચિંતા ઓછી કરી નાખે છે, પરંતુ આ સુખ બહુ ઓછાના નસીબમાં હોય છે. બલકે મોટા ભાગની મમ્મીઓની ફરિયાદ હોય છે કે તેમના સંતાનો ખાવાનું પૂરું કરતાં સુધીમાં તેમનો અડધો જીવ કઢાવી નાખે છે. એટલું જ નહીં, એક સર્વે તો ત્યાં સુધી કહે છે કે મમ્મીઓ પોતાના બાળકની સૌથી વધુ આલોચના ભોજન સમયે જ કરે છે. વાસ્તવમાં ભોજનનો સમય બાળક માટે એન્જોયમેન્ટનો સમય હોવો જોઈએ, પરંતુ એ જ સમય જો તમારા ઘરમાં કજિયા અને કંકાસનો સમય બની જતો હોય તો ખરું માનજો, એમાં વાંક તમારો જ છે. અર્થાત્ તમારા બાળકની ખાવાની ખોટી આદતો પાછળ ગુનેગાર તમે જ છો.
તેને વિકલ્પ ન આપો...
ટોચનાં ન્યુટ્રિશનિસ્ટનું કહેવું છે કે ખાવાપીવાની બાબતમાં સૌથી વધુ નખરાં ગુજરાતી અને મારવાડીનાં સંતાનોને હોય છે. એનું કારણ એ કે આ જ બે કોમના ઘરે જ વાલીઓને ભોજન બનાવવાનાં અને જમવાનાં સૌથી વધુ નાટક હોય છે. બીજી મોટા ભાગની કોમની મહિલાઓ નોકરિયાત હોવા છતાં બન્ને ટાઇમનું જમવાનું જાતે બનાવે છે અને બન્ને ટાઇમ દાળ, ભાત, શાક, રોટલી કે પરોઠા જેવું ફુલ મીલ બનાવે છે. બીજી બાજુ રસોઈવાળી બાઈ રાખવાની પ્રથા સૌથી વધુ ગુજરાતી અને મારવાડીઓનાં ઘરમાં જ જોવા મળે છે. બલકે કેટલાંક ઘરોમાં તો માત્ર રોટલી કરવા માટે ખાસ અલગથી બાઈ બોલાવવામાં આવે છે. આવાં ઘરોમાં હેલ્પિંગ હેન્ડ હોવાથી ખાવાપીવામાં બાળક કંઈક આનાકાની કરે એટલે તરત મમ્મી તેને ભાવે એવું નવું કશુંક બનાવીને આપી દે છે.
ખોટી આદત કેમ વિકસે છે?
આર્થિક નબળા લોકોના ઘરે બધા માટે એકસરખું ભોજન બને છે. ઘરના કોઈ બાળકને કશુંક ન ભાવે તો આર્થિક શક્તિના અભાવે બીજો કોઈ વિકલ્પ પૂરો પડાતો નથી અને બાળકે ભૂખ્યા જ સૂઈ જવું પડે છે. પરિણામે બીજી વાર બાળક પોતાની સામે જે ધરવામાં આવે એ પ્રેમપૂર્વક ખાઈ લેવાનું શીખી જાય છે. આપણે આપણાં સંતાનો સાથે આવી સખતાઈથી વર્તી શકતા નથી. આપણું સમગ્ર ધ્યાન દીકરાએ કે દીકરીએ બરાબર ખાધું કે નહીં એમાં ચોંટેલું રહે છે. તેઓ ખાઈ લે એ માટે આપણે હાથમાં કોળિયો લઈ તેમની પાછળ દોડીએ છીએ, તેમને ટીવી દેખાડીએ છીએ કે વીડિયો-ગેમ રમવા દઈએ છીએ. બાળકો પણ સ્માર્ટ હોય છે. મમ્મીની માનસિકતા તેઓ બરાબર સમજતાં હોય છે, જેનો લાભ લઈને તેઓ તેમની પાસે પોતાનું ધાર્યું કરાવી લે છે. એમાંથી જ તેમની ભોજન સંબંધી ખોટી આદતો ડેવલપ થાય છે.
બાળકોની ચાકરી આકરી પડે
નામ ન આપવાની શરતે બેન્કનાં એક કર્મચારી કહે છે, ‘મારે સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરો ૧૭ વર્ષનો છે અને દીકરી ૧૫ વર્ષની. બન્ને ખાવાપીવાની બાબતમાં ખૂબ જ ચૂઝી છે. આટલાં વર્ષોમાં બન્નેએ કાંદા, બટેટા, ફ્લાવર, કોબી અને ભીંડા સિવાયનું અન્ય કોઈ શાક ખાધું નથી. પરિણામે રોજ સાંજે ઘરે પહોંચું એટલે મારે તેમને પૂછવું પડે કે આજે જમવામાં તેઓ શું ખાશે. તેમની ફરમાઇશ મુજબનું શાક બજારમાંથી લાવી રાખવું પડે અને તેઓ કહે તે બનાવવું પડે. તેમની આ પ્રકારની માનસિકતાને કારણે મારાથી તેમને કોઈના ઘરે સાથે જમવા લઈ જવાતાં નથી. હોટેલોમાં પણ તેઓ બહુ લિમિટેડ આઇટમ ખાય છે. ક્યારેક કોઈ લગ્નપ્રસંગે કે પાર્ટીમાં જવાનું હોય તો પણ તેમના માટે તો મારે ઘરે જમવાનું બનાવવું જ પડે. બેન્કની નોકરી હોવાથી રોજ સવારે મારે પણ પાંચ વાગ્યામાં ઊઠી જવું પડે છે. ત્યાર બાદ આખો દિવસ કામ કરીને થાકીને ઘરે પાછી આવું ત્યારે બાળકોના ભોજનની ચિંતા. બાળકોની આવી ચાકરી હવે મને બહુ આકરી લાગે છે.’
ભૂખનો અહેસાસ થવા દો
તો આ બધી પળોજણનો ઉકેલ શું? આ સવાલનો જવાબ આપતાં નિષ્ણાત સાઇકિયાટ્રિસ્ટ કહે છે કે ભારત સિવાયના અન્ય કોઈ દેશની મમ્મીને મેં તેના બાળક પાછળ થાળી લઈને ફરતી જોઈ નથી. વિદેશોમાં જેવું બાળક એક-દોઢ વર્ષનું થાય કે તરત વાલીઓ તેમના હાથમાં કાંટો પકડાવી દે અને એ કાંટામાં ફસાઈ શકે એવાં ફ્રૂટ્સ, વેજિટેબલ્સ કે બ્રેડના કટકા તેની પ્લેટમાં ગોઠવી દે. જ્યારે આપણે ત્યાં મમ્મીઓ કે ઘરના વડીલો ગંદું કરશે, બરાબર નહીં ખાય, તેને વાગી જશે વગેરે જેવા ભયથી વર્ષોનાં વર્ષો સુધી સંતાનને જાતે જમાડવાનો આગ્રહ રાખે છે. એટલું જ નહીં, બાળકને ભૂખ હોય કે ન હોય, સતત કશુંક ને કશુંક ખવડાવ્યા કરવાનો પ્રયત્ન પણ કર્યા કરે છે. આવી રીતે ખોટેખોટું ખવડાવ્યા કરવાથી બાળકને ક્યારેક ભૂખનો અહેસાસ થતો જ નથી, જેને પગલે તેમનામાં ખાવા પ્રત્યેની રુચિ ડેવલપ થતી નથી.
ક્યારેક ભૂખ્યાં પણ રહેવા દો
આ વાતને વિસ્તારપૂર્વક સમજાવતાં જાણીતા ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશ્યન્સ કહે છે કે ભૂખ અને ભૂખ લાગતાં ખાવાથી મળતો સંતોષ અને આનંદ - આ બન્ને લાગણીઓ બાળકને સમજવા દેવી પડે; કારણ કે ભૂખ એ માત્ર શારીરિક અનુભવ નથી, એક શીખેલું વર્તન પણ છે. એથી તમારા છોકરાઓને ત્યારે જ ખાવાનું આપો જ્યારે તેમને ખરેખર ભૂખ લાગી હોય. પેટમાં ઉંદરડા બોલવા માંડ્યા હોય ત્યારે તેમની સામે જે મૂકશો એ બધું તેઓ પ્રેમથી ખાઈ લેશે. આ સાથે ડોક્ટરો જેને ઈટિંગ હાઇજીન તરીકે ઓળખાવે છે એ પણ તેમને શીખવા દેવું પડે.
ઈટિંગ હાઇજીનનો અર્થ માત્ર જમ્યા પહેલાં હાથ ધોવા એટલો જ થતો નથી બલકે એક જગ્યાએ બેસીને પોતાની પ્લેટમાં, પોતાને જેટલું જોઈએ છે એટલું ખાવું પણ થાય. આ માટે જમતી વખતે તેમણે આ તો ખાવું જ પડશે, આટલું તો ખાવું જ પડશે એવો આગ્રહ ન રાખો. તેમને જે જોઈતું હોય, જેટલું જોઈતું હોય એટલું ખાવા દો. કેટલાક વાલીઓને એવો ડર હોય છે કે એમ કરવા જતાં તેઓ બરાબર પેટ ભરીને ખાશે નહીં અને ભૂખ્યા રહી જશે. કેટલાકને એવો ડર હોય છે કે જમતી વખતે તેઓ બરાબર ખાશે નહીં અને પછી આચરકૂચર ન ખાવાનું પેટમાં પધરાવ્યા કરશે.
વાસ્તવમાં આ સમસ્યાનો ઇલાજ પણ સરળ છે અને એ ઇલાજ છે મીલટાઇમ ફિક્સ રાખવો. વચ્ચે તેમને બીજું કશું ખાવા આપો નહીં કે તેમનો હાથ પહોંચે એવી જગ્યાએ પણ રાખો નહીં. એનાથી તેમને સમજાશે કે અત્યારે બરાબર નહીં ખાઈ લઉં તો જ્યાં સુધી બીજી વાર ખાવાનો સમય નહીં થાય ત્યાં સુધી મારે ભૂખ્યા રહેવું પડશે. જરૂર પડે તો બે-ચાર વાર એવું થવા પણ દો. આમ કરવું કદાચ થોડું આકરું લાગી શકે. ભૂખ લાગે ત્યારે પેટમાં કેવા વળ વળે છે તે સમજાતા તેઓ જાતે જ બરાબર ખાતાં શીખી જશે.
આ બધું પણ કરી શકાય
અલબત્ત, આ બધું કર્યા પછી પણ બાળક બધું જ ખાતાં શીખી જશે એવું માની લેવાની જરૂર નથી. દરેકને પોતાના ટેસ્ટ હોય છે. તમારે એનું પણ સન્માન કરવું જ પડે. એથી તેમને ન ભાવતું હોય એવું કશુંક ખવડાવવું હોય તો તેની સાથે તેમને ભાવતું હોય એવું પણ કશું આપો. દા.ત. જો તેઓ દાળ, શાક ખાવાની આનાકાની કરે તો એની સાથે તેમને છૂંદો કે ગોળ જેવું કશું ભાવતું ખાવા આપો.
વધુમાં બધું તમારું કહેલું તેઓ માની જ લે એવો આગ્રહ ન રાખો. તેમને પણ બોલવાની તક આપો. તેમને શું ભાવે છે એ સમજો. સારું હોય તો અઠવાડિયે બે-ત્રણ વાર બનાવી આપો. સારું ન હોય તો એ શા માટે શરીર માટે સારું નથી એ તેમને વિગતવાર સમજાવો. જરૂર પડે તો હવે ઇન્ટરનેટ પર દરેક પ્રકારના વીડિયો અને પ્રેઝન્ટેશન મળી રહે છે. એનો પણ ઉપયોગ કરો.
૬-૭ વર્ષનું બાળક બ્લડ-પ્રેશર, ડાયાબીટિસ, ઓબેસિટી વગેરે શું છે એ બરાબર સમજી શકે છે. એ બધાની વાત કરી તેમને પ્રોટીન, વિટામિન્સ વગેરેનું મહત્વ સમજાવો. પોતાના શરીર માટે શું સારું છે એ સમજાતાં બાળકમાં આપોઆપ એવા ખોરાક પ્રત્યેની રુચિ કેળવાશે. આ બધાની સાથે જમતી વખતે ટીવી હંમેશાં બંધ રાખો અને ભોજનના સમયને કેવી રીતે ફેમિલી-ટાઇમ બનાવી શકાય એ પણ તેમને સમજવા દો.
કેટલાક વધુ ઉપાય તરીકે જે બાળકો બધું ખાતાં હોય તેમને પણ અવારનવાર ઘરે જમવા બોલાવી શકાય. સાથે જ આજે શું બનાવવું એ નિર્ણયમાં તમારાં સંતાનોનો પણ મત લો. બને તો ભોજન બનાવતી વખતે તેમનાથી થઈ શકે એવાં કામો પણ તેમને કરવા દો. યાદ રાખો, પોતાનું બનાવેલું ભોજન હરકોઈને ભાવે છે. બાળક પણ આ કીમિયામાંથી બાકાત નથી.
ખોટી આદતોના કેટલાક ગેરફાયદા
ખાવાપીવાની બાબતમાં આટલાંબધાં નખરાં બાળકને અનેક પ્રકારના કુપોષણનો ભોગ બનાવે છે. જે બાળકો ખાવામાં બહુ ચૂઝી હોય છે તેમનામાં આર્યન, કેલ્શિયમ તથા અન્ય વિટામિન્સની ડેફિશિયન્સી નિર્માણ થવાની શક્યતા સૌથી વધુ રહે છે. તેમને નાની ઉંમરે ચશ્માં આવવાં, વાળ સફેદ થઈ જવા, કદ નાનું રહી જવું, ચહેરા પર સફેદ ડાઘા પડવા, હાડકાં અને દાંત નબળાં રહી જવાં વગેરે જેવી સમસ્યાઓ સતાવી શકે છે. છોકરીઓ હોય તો હોર્મોનલ ખામીને કારણે ક્યાં તો તેમને માસિક બહુ જલદી આવી જાય છે અથવા બહુ લાંબો સમય સુધી શરૂ થતું જ ન હોવાનું પણ જોવા મળે છે. એમાંય જો જન્ક ફૂડ વધુ ખાવાની ખરાબ આદત પડી હોય તો ઓબેસીટી, ડાયાબીટિસ વગેરે જેવા લાઇફ-સ્ટાઇલ ડિસઓર્ડર્સ પણ તેમને નાની ઉંમરે જ લાગુ પડી શકે છે.