તમારે ખરેખર રોજ નહાવાની જરૂર છે ખરી?

Wednesday 19th April 2023 06:34 EDT
 
 

જો તમે ઈન્ટરનેટ પર ખાંખાખોળાં કરવાની આદત ધરાવતા હશો તો અનેક સેલેબ્રિટીઝને તેઓ નહાવાને પ્રાધાન્ય આપતા ન હોવાનું કહેતા જાણ્યા હશે. મિલા કુનિશ અને ક્રિસ્ટન બેલ કહે છે કે તેઓ તેમના બાળકોને રોજ સ્નાન કરાવતાં નથી. એશ્ટોન કુચેર અને જેક ગિલેનહાલે પણ કહ્યું છે કે તેઓ ઘણી વાર સ્નાન કરતા જ નથી. આથી ઘણા લોકો શા માટે રોજ સ્નાન કરતા નથી અને આમ કરવું આરોગ્યપ્રદ ગણાય કે ન ગણાય તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
જોકે, ડર્મેટોલોજિસ્ટ અથવા ત્વચા નિષ્ણાતો કહે છે કે દર સપ્તાહે કેટલી વખત નહાવું કે નહિ નહાવું તેમાં સાચું કે ખોટું કશું નથી. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાની કેક સ્કૂલ ઓફ મેડિસીનમાં ક્લિનિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ડર્મેટોલોજી નેડા એલ્બુલુક MD કહે છે કે સામાન્ય ગાઈડલાઈન અનુસાર દિવસમાં એક વખત અથવા આંતરેદિવસે એક વખત નહાવું જોઈએ. જોકે, આ ભલામણ પણ તમારી વર્કઆઉટની આદતો અથવા તમે ક્યાં રહો છો તેના પર પણ આધારિત હોઈ શકે તેમ વિમેન્સ ડર્મેટોલોજિક સોસાયટીના સભ્ય હૈદી એ.વોલ્ડ્રોફ, MDનું કહેવું છે.
તમારા પોતાના સ્નાનના ક્વોટાનો નિર્ણય કરવા તમારે નીચેની ત્રણ બાબતો -કાર્યપ્રવૃત્તિનું લેવલ, તમારી ત્વચાનો પ્રકાર અને તમારા પર્યાવરણને ધ્યાનમાં લેવી જોઈએ. જો આમ કરશો તો તમારી ત્વચા અવશ્ય તમારો આભાર માનશે.
તમારી કાર્યપ્રવૃત્તિનું લેવલઃ બજારમાં ઘણાં ઉત્પાદનો મળે છે જે તમારી જિમ બેગમાં ઠાંસીને ભરી શકો છો જેનાથી તમે સ્નાન કર્યા વિના પણ મહેકતા જણાશો. આનાથી સમય તો બચી જાય છે પરંતુ, જો તમને ખરેખર પરસેવો થયો હોય તો ટોવેલ લઈ શરીરને ધોવા લોકર રૂમ તરફ જવું જ જોઈએ. ડો. વોલ્ડ્રોફ કહે છે કે આપણે શરીર પરની નચીકાશ-તેલ, ત્વચાના કોષો, પરસેવો, બેક્ટેરિયા અને ધૂળને દૂર કરવા સ્નાન કરીએ છીએ. જો આ બધી વસ્તુઓ શરીર પર જમા થતી રહે તો ખીલથી માંડી બેક્ટેરિયા કે ફંગસના ચેપનો શિકાર બનવામાં વાર લાગતી નથી. જે લોકોને ખાસ acne- ખીલ થવાની સંભાવના વધુ રહેતી હોય તેમણે કસરત કર્યા પછી સ્નાન કરવું જ જોઈએ જેથી, ત્વચાના છિદ્રો પુરાતા અટકી જાય. જો સમયનો અભાવ ખરેખર નડતો હોય તો પાણીવાળાં કપડાંથી શરીર લુછી નાખવું જોઈએ તેવી સલાહ કોકેરેલ ડર્મેટોપેથોલોજીના સ્થાપક કલે કોકેરેલ MD, આપે છે.
તમારી ત્વચાનો પ્રકારઃ તૈલી ત્વચા ધરાવતા લોકોએ દિવસમાં એક વખત સ્નાનનો નિયમ પાળવો જ જોઈએ તેમ જણાવી ડો. કોકેરેલ કહે છે કે,‘જો તમારી ત્વચા સંવેદનશીલ કે ઘણી સૂકી હોય તો ડ્રાયનેસ, ખંજવાળ અને બળતરાને ઘટાડવા સપ્તાહમાં બે વખતથી વધુ ન નહાઓ તો ચાલશે. જો તમારી ત્વચા સૂકી હોય અને તમે રેગ પર વર્કઆઉટ કરતા હો તો મુલાયમ સાબુનો ઉપયોગ અને સ્નાન પછી મોશ્ચરાઈઝર લગાવવું જોઈએ. વય વધવા સાથે ત્વચાનો પ્રકાર બદલાય છે. લોકો વૃદ્ધ થાય ત્યારે શરીરમાં તૈલી પદાર્થો બનવાના ઘટે છે અને સપ્તાહમાં વધુ વખત નહાવાથી ત્વચાની મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.
તમારું પર્યાવરણઃ શરીરમાં પરસેવો થવાનું કારણ કસરત અને તમારી કામગીરી જ નથી. જો તમે ગરમ, ભેજવાળા વાતાવરણમાં રહેતા હશો તો પરસેવો વધુ થશે અને તેની ગંધ દૂર કરવા અને બેક્ટિરિયા જમા થવાનું પ્રમાણ ઘટાડવા તમારે રોજ સ્નાન કરવું પડશે. વાતાવરણ ઠંડુ હશે તો નહાવાની જરૂર ઓછી રહેશે. ડો. વોલ્ડ્રોફ કહે છે કે ઠંડા અને સૂકા શિયાળાના મહિનાઓમાં વારંવાર નહાવું હિતાવહ નથી. સૂકી હવામાં વધુ વખત નહાવાથી તમારી ત્વચા સૂકી પડી શકે છે.
ડો. એલ્બુલુક કહે છે કે વધારે વખત નહાવા કે ડ્રાય શેમ્પુના ઉપયોગથી સમય બચાવવા કરતાં યોગ્ય રીતે સ્નાન કરવાનું વધુ મહત્ત્વ છે. આ માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો તેમજ ત્વચા નિષ્ણાતની સલાહ ન હોય તો નિયમિતપણે એક્સફોલિએન્ટ (ત્વચા પરના ભીંગડા દૂર કરવા)નો ઉપયોગ ટાળવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter