તમે કઇ રીતે બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખી શકો?

Wednesday 18th August 2021 08:09 EDT
 
 

આપણે વીતેલા સપ્તાહે વ્હાઇટ કોટ હાઈપરટેન્શન વિશે જાણકારી મેળવી. આ સપ્તાહે આપણે હાઇ બ્લડ પ્રેશરને કઇ રીતે અંકુશમાં રાખી શકાય તે અંગે જાણકારી મેળવશું. બ્રિટન હોય કે ભારત, જેમ જેમ ઓબેસિટીનું પ્રમાણ વધતું જાય છે એમ એમ હાઈ બીપીના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, અને તેના કારણે અચાનક જ સ્ટ્રોક, હાર્ટ એટેક અને પેરેલિસિસનું રિસ્ક વધી જાય છે. જેમને વારસાગત રીતે બીપીની તકલીફ મળવાનું રિસ્ક હોય તેઓ તેમજ જેમને ઓલરેડી હાઈ બપીની તકલીફ છે તેમણે શારીરિક સ્વાસ્થ્યને અપટુ ડેટ રાખવા માટે કઇ મહત્ત્વની બાબતોની કાળજી લેવી જોઇએ તે આપણે જાણીએ.
• ફિઝિકલ એક્ટિવિટી
શરીરમાંથી વધારાની ચરબી ઓછી કરીને વજન ઘટાડવું, ખાસ કરીને એપલ શેપ બોડી હોય તો પેટ પરની ચરબી ઘટાડવી ખૂબ જ જરૂરી છે. હાઈ બીપીના દર્દીઓ માટે કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઈઝ એટલે કે હાર્ટ રેટ વધે અને પરસેવો પાડે એવી કસરતો કરવી જરૂરી છે. આમાં પણ વોકિંગ, જોગિંગ, સાઈક્લિંગ, સ્વિમિંગ જેવી કસરતોને વિશેષ મહત્ત્વ આપવું.
ત્રીસથી ચાળીસ મિનિટ એક્સરસાઈઝ કરવાથી પરસેવો પડે છે અને ચરબી બળવાનું શરૂ થાય છે. બીપી કાબૂમાં રહે એની દવાઓ લાંબો સમય ગળવાથી એની કિડની પર આડઅસર થાય છે. આથી દવા વિના જ પ્રેશર કાબૂમાં રહે એવી લાઈફસ્ટાઈલ અને આદતો કેળવવી જરૂરી છે.
• ઓછા અને ઊંડા શ્વાસ લો
શરીરના તમામ અવયવોમાં ઓક્સિજનયુક્ત લોહી પહોંચાડવા માટે જ્યારે હાર્ટને વધુ પમ્પ કરવું પડે ત્યારે હાઈપરટેન્શન થાય છે. તમે જોયું હશે કે જ્યારે બીપી ખૂબ વધી જાય ત્યારે શ્વાસોશ્વાસ ઝડપી થઈ જાય છે. રક્તભ્રમણની ગતિમાં વધઘટ થવા લાગે એને કારણે આવું થાય છે. આપણે જ્યારે ગુસ્સો, ચિંતા જેવી લાગણીઓ તીવ્ર થઈ આવે ત્યારે પણ બીપી વધી જાય છે. બીપી લાંબો સમય ઊંચું રહે એટલે શરીરમાં ઓક્સિજન પૂરતી માત્રામાં પહોંચે નહીં અને એટલે જ વધુ ઓક્સિજન મેળવવા માટે વ્યક્તિઓ હાંફ ચડતો હોય એટલી જોરથી શ્વાસોચ્છાવાસ કરવા પડતા હોય છે. સામાન્ય રીતે વ્યક્તિ એક મિનિટમાં ૧૫થી ૧૮ વાર શ્વાસ લે છે અને કાઢે છે. બ્લડપ્રેશરને નીચું લાવવા માટે એક મિનિટમાં દસ કે એથી ઓછા શ્વાસ લેવા જોઈએ એવું યુકેના રિસર્ચરો માને છે. એક જ રિધમમાં ધીમે-ધીમે ઊંડો શ્વાસ લેવો અને એટલી જ ગતિએ કાઢવો એક મિનિટમાં માત્ર દસથી બાર જ શ્વાસ લઈ શકાય એટલી ગતિ જાળવવાની ટેવ પાડો.
• ડાયટ પ્લાન
હવે આપણે ભોજનશૈલીમાં શું વધારો કે ઘટાડો કરવો જોઇએ તે અંગે જાણશું.
શું આરોગવું જોઇએ?
શાકભાજીઃ ટામેટાં, સેલરી, બ્રોકલી, ગાજર આ ચારેય વેજિટેબલ્સમાં લોહીનું બીપી ઓછું થાય એવા કેમિકલ્સ રહેલાં છે. ટામેટાંમાં ગામા એમિનો બ્યુટાઈરિક એસિડ (જીએબીએ) છે, જે બીપી ઘટાડવાની દવામાં પણ વપરાય છે.
કંદઃ હાઈપરટેન્શન માટે લસણ અને કાંદા બેસ્ટ મેડિસિન ગણાય છે. લસણ કોલેસ્ટેરોલ ઘટાડીને કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને હેલ્પ કરે છે. રોજ એક કળીવાળું લસણ હાર્ટ અને બીપીના દર્દીઓને દવા તરીકે આપવામાં આવે છે. કાંદાને ખાસ તીવ્ર ગંધ આપતું ઓઈલ બીપીને કંટ્રોલમાં રાખે છે. એક કળીવાળું લસણ સવારે નરણા કોઠે ગળી જવું. આ પ્રયોગ કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં આવવા લાગશે.
તેજાનાઃ વરિયાળી, કાળાં મરી, તજ, તુલસી અને ઓરેગાનો જેવા નેચરલ હર્બ્સ હાઈપરટેન્શનમાં ખૂબ જ ફાયદાકારક છે.
આ સિવાય જોઇએ તો, બ્રોકલી, કાંદા અને ટામેટાંને બાફીને એનો સૂપ બનાવી શકાય. એમાં લસણનો વઘાર કરીને તુલસી, કાળાં મરી, ઓરેગાનો જેવા હર્બ્સ પણ ઉમેરી શકાય. ગાજર અને સેલરીના સેલને બારીક કાપેલી કાંદાની કતરી તેમજ વરિયાળી, તજ, તુલસી અને ઓરેગાનો જેવા હર્બ્સથી ડેકોરેટ કરી શકાય.
શું ટાળવું જોઇએ?
વજન ઘટાડવા માટે તળેલો, ઘીવાળો અને વધુ પડતી ફેટ વાળો ખોરાક અચૂકપણે ટાળવો જોઇએ. સ્પાઈસી એટલે કે વધુ પડતાં તેલ-મસાલાવાળી અને ગરમ મસાલાવાળી ચીજો ખાવી નહીં.
ચડિયાતું મીઠું ધરાવતી વાનગીઓ હંમેશા ટાળવી. હાઇ બ્લડ પ્રેશર હોય કે ન હોય, ભોજનમાં નમકનું વધુ પડતું પ્રમાણ આમ પણ શરીર માટે ખૂબ નુકશાનકારક છે. કોઇ પણ પ્રકારનો સોડા, ખારો અને લીંબુના ફૂલવાળી વાનગીઓ જેવી કે પાપડ, અથાણાં, ચટણી, સોસ તેમજ ચાઈનીઝ ફૂડ લેવાંનું ટાળો. સ્મોકિંગ, કોફી અને આલ્કોહોલની આદત હોય તો બંધ કરવી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter