તમે કયા ફોબિયાથી પીડાઓ છો?

સદાબહાર સ્વાસ્થ્ય

Monday 07th August 2017 08:24 EDT
 
 

ચંદ્રેશભાઇ એક ટોચની કંપનીમાં મોટા હોદ્દા પર જવાબદારી સંભાળે છે. કંપનીની નાની-મોટી સમસ્યાને તેઓ આસાનીથી ઉકેલી દે છે. ઓફિસમાં સહુ કોઇને તેમના માટે ભારે માન છે. એક દિવસ કંપનીના બોસની તબિયત અચાનક કથળતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આખો સ્ટાફ વારાફરતી બોસની ખબર કાઢવા હોસ્પિટલમાં જઈ આવ્યો, પરંતુ ચંદ્રેશભાઇ ન ગયા, કેમ કે હોસ્પિટલનું નામ પડતાં જ તેમના શરીરમાંથી લખલખું પસાર થઇ જાય છે. કોઈ અજ્ઞાત ભયને કારણે તે હોસ્પિટલમાં જઈ શકતા નથી.

નવીનવેલી પરણેલી નીપા રસોડામાં મોટો વાંદો જોતાં છળી ઊઠી અને જોરથી ચીસો પાડવા લાગીઃ બચાવો... બચાવો... વાંદો જોતાં જ નીપાના શરીરની રુવાંટી ઊભી થઈ જાય છે. ચીસ પાડતાં મોઢું પહોળું થઈ જાય છે, આંખોના ભવાં સ્થિર થઈ જાય છે અને આખા શરીરનાં ગાત્રો ઢીલાં પડી જાય છે.

ફોબિયા એટલે શું?

આ બધી ઘટના છે ખરા-ખોટા ભયની. મનોવિજ્ઞાનની ભાષામાં એને ફોબિયા કહે છે. જીવનમાં કોઈ એકાદ ઘટના એવી બની જાય છે જે મનના કોઈ ખૂણે અડ્ડો જમાવીને કાયમ બેસી જાય. ફોબિયાથી પીડિત વ્યક્તિ સજીવ કે નિર્જીવ કોઈ પણ ખાસ વસ્તુને જોઈને ભયની તીવ્ર લાગણી અનુભવે છે અને એ તેના માનસપટ પર ઊંડી છાપ છોડી જાય છે. ઘણી વાર આવા ભય સાથે એ વસ્તુ પ્રત્યે ઘૃણા-સૂગ છૂપાયેલી હોય છે. જેમ કે વાંદો, ગરોળી, ગાય, કરોળિયો, ઉંદર વગેરે વગેરે.

જે વસ્તુનો ફોબિયા હોય એને જોઈને જ વ્યક્તિના મનમાં અજ્ઞાત ભય પેદા થાય છે. પરિણામે તે કંપવા લાગે છે, જાત પરનું નિયંત્રણ ગુમાવી બેસે છે અને ચીસ પાડી ઊઠે છે. ક્યારેક તે બેભાન બની જાય છે, ક્યારેક બેબાકળી બની જઈને ધ્રૂજવા લાગે છે કે જડ થઈ જાય છે.

મનોચિકિત્સકો શું કહે છે?

મનોચિકિત્સકોનું માનવું છે કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર પરિબળો વિના જીવનનો વિકાસ સંભવ નથી. જે પ્રકારે મનુષ્ય આશાના સહારે જીવે છે એવી રીતે આવતીકાલ – ભવિષ્યના ડરની ભીતિમાં પણ હંમેશાં ફફડતો રહે છે. કાલે મારું શું થશે? મારા કેવા સંજોગો હશે? હું કોઈ રોગનો ભોગ તો નહીં બનુંને? આમ ભયને કારણે તે વધુ ને વધુ સંઘર્ષ કરે છે.

કેટલીક વાર કોઈ ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે સંજોગોનો ભય તેના અર્ધજાગ્રત મનમાં કાયમ ઘર કરી બેસે છે. આવા સંજોગો જ્યારે ફરી સર્જાય છે ત્યારે તે ડરનો માર્યો ધ્રૂજી ઊઠે છે. તેના મનની દશા ભયભીત થવાને કારણે તે સંતુલન ગુમાવી બેસે છે અને ક્યારેક જીવ પણ ચાલ્યો જાય છે. કદાચ એટલે જ ફોબિયાથી પીડાતા લોકોને વહેલાસર માનસિક ચિકિત્સા કરાવી લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. આથી પ્રતિકૂળ પ્રભાવ વકરીને વિકૃત માનસમાં પરિણમતો અટકાવી શકાય છે.

માનસિક અવસ્થાને હાનિ પહોંચાડતો ફોબિયા શારીરિક સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચાડતો હોય છે. જેમ કે, હાથ-પગ કે પેટ દુઃખવા, ભૂખ ન લાગવી, તાવ, ઊલટી અને ચક્કર આવવાં વગેરે. આથી ફેમિલિ ડોક્ટર જ એનું નિદાન કરીને શારીરિક બીમારીની આડમાં છુપાયેલા ફોબિયાને છતો કરે છે.

વિજ્ઞાનીઓએ વર્ષોના સંશોધન પછી ૫૦૦થી વધુ ફોબિયા શોધી કાઢ્યા છે. અમેરિકામાં પાંચ કરોડથી વધુ લોકો અને બ્રિટનમાં બે કરોડ લોકો ફોબિયાથી પીડાય છે. તો ભારતમાં પણ ઘણા લોકો તથા બાળકો ફોબિયાથી પીડાય છે.

ફોબિયાનો ઇલાજ

ફોબિયા એક સ્વાભાવિક લાગણી છે. દસમાંથી નવ વ્યક્તિ એક યા બીજા પ્રકારના ફોબિયાથી પીડાતી હોય છે. ફોબિયાનું સ્થાન કપાળની પાછળ રહેલા મગજમાં છે.

ફોબિયાથી પીડાતી વ્યક્તિનો ઇલાજ કરવો જરૂરી છે. આ ઇલાજ બે પ્રકારના હોય છે. (૧) પ્રોગ્રેસિવ ડિસેન્સિટાઇઝેશન અને (૨) ફ્લિડંગ ડિસેન્સિટાઇઝેશન.

પહેલા પ્રકારના દર્દીનો ધીમે-ધીમે અનેક ભાગમાં ઇલાજ કરવામાં આવે છે. દર્દીની સામે એ જ વસ્તુ લાવવામાં આવે છે જેનો તેને ફોબિયા હોય. પહેલાં તો તે વસ્તુ જોતાં ડરે છે, પરંતુ વારંવાર એ વસ્તુ નજર સમક્ષ લાવવાથી તેનો ડર ઓછો થતો જાય છે.

જેમ કે, આપણે જોયું કે નીપા વાંદાથી ડરે છે. તો પહેલાં તેને વાંદા વિશે વાત કરવામાં આવે છે, પછી વાંદાના ચિત્રો કે ફોટો બતાવવામાં આવે છે અને પછી તેનો સાચો વાંદો બતાવવામાં આવે છે. છેવટે તેના હાથમાં વાંદો મૂકી દેવામાં આવે છતાં તેને ડર ન લાગે. આ આખીયે પ્રક્રિયા ખૂબ મહેનત, સમય અને ધીરજ માગી લે છે. બેશક, દર્દીએ ડોક્ટરને પૂરો સહકાર આપવો જરૂરી બને છે.

બીજા પ્રકારના ફોબિયાથી પીડાતી વ્યક્તિને જે વસ્તુનો ડર હોય એ જ વસ્તુની સામે તેને લાવવામાં આવે છે. પરિણામે દર્દી બહુ જ ભયભીત થઈ જાય છે, પરંતુ થોડી જ ક્ષણોમાં તે ભયને કાબૂમાં રાખી શકે છે અને ડરને સહન કરી શકે છે. જોકે આ ઇલાજ અમુક ચિકિત્સકોના મત મુજબ જલદ અને અમાનુષી હોવા છતાં લાભદાયક છે.

સૌથી સારો ઉપાય એ છે કે વ્યક્તિ પોતે જ હિંમત એકઠી કરીને પોતાના આત્મવિશ્વાસથી પોતાનો ઇલાજ કરે. આ માટે તે સગાંવહાલાં કે મિત્રોની મદદ લઈ શકે છે. તેઓ દર્દીને ભાવનાત્મક સહયોગ, સધિયારો અને હિંમત આપી શકે છે.

ફોબિયાના કેટલાક પ્રકાર

સ્કૂલ ફોબિયાઃ નાની વયનાં બાળકોને સ્કૂલમાં શિક્ષકો કે મિત્રો દ્વારા ધમકી આપવી કે પજવણી કરવી, પરીક્ષાના હાઉ ઊભો થવો, માતા-પિતા દ્વારા પ્રથમ નંબર લાવવા માટેનો સતત આગ્રહ, ઘરના પ્રતિકૂળ સંજોગો, માતા-પિતા તરફથી પ્રેમનો અભાવ વગેરે. પરિણામે બાળકના કુમળા માનસ પર અવળી અસર પડે છે. તે હતાશાથી પીડાય છે. તેને ઉદાસી ઘેરી વળે છે. આથી આવા સ્કૂલ-ફોબિયાથી પીડિત બાળક સ્કૂલમાં જવાનું ટાળે છે અને બહાનાં કાઢે છે. તે અવારનવાર માંદુ પડી જાય છે. હોમવર્ક કરવાનો તેને કંટાળો આવે છે. આવા બાળક સાથે સમજદારીપૂર્વક વાતચીત અને સલુકાઈભર્યું વર્તન કરવાથી તેનો સ્કૂલ પ્રત્યેનો ડર દૂર થાય છે.

સોશ્યલ ફોબિયાઃ જાહેરમાં અપમાનિત થવાનો ડર. આવા પ્રકારના લોકો અન્યો દ્વારા થનારા નિરીક્ષણમાં પોતે ખુલ્લા પડી જવાનો ડર અનુભવે છે અને મુંઝારો અનુભવે છે. વળી આવી સ્થિતિનો સામનો કરવાનું ટાળે છે.

સિમ્પલ ફોબિયાઃ આ પ્રકારમાં વ્યક્તિ કોઈ ચીજ અથવા પરિસ્થિતિ પ્રત્યે અર્થહીન અને સતત ભય અનુભવે છે તથા એને ટાળવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે. જેમ કે વાંદા, ગરોળી કે ઉંદરથી લાગતો ભય. આવા ફોબિયા ગંભીર નથી હોતા.

એરો ફોબિયાઃ પ્લેનની મુસાફરીથી લાગતો ડર

એક્રો ફોબિયાઃ ઊંચા બિલ્ડીંગ, લિફ્ટ, ઊંચાઈથી લાગતો ડર.

એગોરા ફોબિયાઃ જાહેર સ્થળોનો, ખુલ્લાં મેદાનોનો ડર.

એરેકનો ફોબિયાઃ કરોળિયાને જોઈને લાગતો ડર.

મ્યૂસો ફોબિયાઃ ઉંદરને જોઈને લાગતો ડર.

જેનુ ફોબિયાઃ ગોઠણ વાળીને બેસતાં લાગતો ડર.

ક્લોસ્ટ્રોફોબિયાઃ સાંકડી બંધ જગ્યા, એસી ટ્રેન કે પ્લેનનો ડર.

ઝૂ ફોબિયાઃ પશુ-પંખીનો ડર.

નોસો ફોબિયાઃ માંદા પડી જવાનો ડર.

ઇમિટો ફોબિયાઃ ઊલટી થવાનો ડર.

ડોન્ટો ફોબિયાઃ દાંતના ડોક્ટરનો ડર.

અગાઈરો ફોબિયાઃ રસ્તો ઓળંગવાનો ડર.

નીઓ ફોબિયાઃ કોઈ પણ નવી ચીજવસ્તુનો ડર.

હાઇડ્રોફોબિયાઃ પાણીનો ડર.

ટ્રેમો ફોબિયાઃ ધ્રૂજવાનો ડર.

ફાઇલેમા ફોબિયાઃ ચુંબનનો ડર.

વેસ્ટી ફોબિયાઃ કપડાં પહેરવાનો ડર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter