તમે ઓશીકાનાં કવર કેટલા દિવસે ધુઓ છો?
કોઈ કહેશે કે પંદર દિવસે કે અઠવાડિયે. થોડાક ચોખલિયાઓ દર બે-ત્રણ દિવસે ધોતા હશે. પણ તમે ઓશીકું કેટલા દિવસે ધુઓ છો? રૂનાં ટ્રેડિશનલ ઓશીકાં તો પાંચ-સાત વરસે દિવાળીમાં સાફ થાય અને સિન્થેટિક મટીરિયલ ધરાવતાં ઓશીકાં ધોવાની જરૂર જ નથી હોતી. એના પરનું કવર જ બદલાતું રહે છે.
જો તમારા જવાબ પણ કંઇક આવા જ હોય તો બેક્ટેરિયા, ડસ્ટ માઇટ્સ, ફંગસને નાથવા માટે આટલું પૂરતું નથી કેમ કે એલર્જી, શરદી, ફ્લુ, અસ્થમા જેવી તકલીફો ફેલાવવામાં આ તકિયાઓનો બહુ મોટો ફાળો હોય છે. એક અંદાજ મુજબ એક વરસથી વધુ સમયથી વપરાતા ઓશિકાનું ત્રીજા ભાગનું વજન બેક્ટેરિયા, ડેડસ્કિન, ડસ્ટમાઇટ્સ, ધૂળ, બેક્ટેરિયાના મળ અને ફંગશનું જ હોય છે.
ગંદા ઓશીકાનું રિસ્ક શું?
જો તમે રહેતા હો તે શહેરની આબોહવા ભેજવાળી હોય તો રૂના તકિયામાં ભેજ આસાનીથી સંઘરાઈ રહે છે. કોટન હોવાથી માથાના તેલ, પસીનો, ભીના વાળનો ભેજ, વાળનો ખોડો જેવી ચીજો કવરની અંદર થઈને તકિયાની અંદર સુધી ફેલાય છે. જો ઓશીકાં નિયમિત સાફ કરવામાં ન આવે તો અનેક ચેપ લાગી શકે છે.
• બેક્ટેરિયલ ઇન્ફેકશનઃ લંડનમાં કેટલીક હોસ્પિટલોમાં અભ્યાસ કરીને રિસર્ચરોએ તારણ કાઢ્યું છે કે એક ઓશીકામાં લગભગ ૧૬ પ્રકારના બેક્ટેરિયા હોય છે. આમાં ટીબી ફેલાવનારા બેક્ટેરિયા પણ હોય છે. એ ઉપરાંત એક મિલીમીટર એરિયામાં દસ લાખ સ્ટેફીલોકોક્સ બેક્ટેરિયા હોય છે. એ ઉપરાંત ઇ કોલી અને હેલિકોબેક્ટર પાઇલોરી નામના પેટમાં ઇન્ફેકશન કરનારા બેક્ટેરિયા પણ છુપાયેલા હોય છે એટલે પેટની તકલીફો અને ટીબીનો ફેલાવો થઈ શકે છે.
• ફંગલ ઇન્ફેકશનઃ માન્ચેસ્ટર યુનિર્વસિટીના રિસર્ચરોનું માનવું છે કે ભેજને કારણે લગભગ ૧૨ પ્રકારની ફંગસ ઓશિકામાં હોય છે. આને કારણે સ્કિન, ડિસીઝ, કાનમાં અને વાળમાં ઇન્ફેકશન થઈ શકે છે.
• વાઇરલ ઇન્ફેકશનઃ ફ્લુનો વાયરો ચાલતો હોય ત્યારે એનો ફેલાવો કરવામાં ઓશીકાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સાઇનસાઇટિસ, અસ્થમા, એલર્જીની તકલીફ ધરાવતા લોકોને વારંવાર રોગોનો હુમલો થવા પાછળ આ ગંદા ઓશીકાં પણ જવાબદાર હોઈ શકે છે.
ઓશીકાંની સ્વચ્છતા કઇ રીતે?
• કોટન હોય તોઃ કવર ઉપરાંત એક જાડા નેપ્કિન જેવું પાથરીને પછી માથું રાખવું. આ નેપ્કિન દર બે દિવસે અને ઓશીકાનું કવર દર અઠવાડિયે ગરમ પાણીમાં ડિટર્જન્ટ નાખીને ધોઈ નાખવું. ઓશીકાને આંતરે દિવસે અડધો એક કલાક સૂર્યના તડકામાં રાખવાં.
લાકડી કે ધોકા વડે ઝાટકીને એમાં ભરાઈ રહેલી ધૂળને ખંખેરવી અને પછી એના પર સ્વચ્છ કોટનનું કવર ચડાવવું. કોટનમાં ભેજ વધુ સંઘરાઈ રહે છે અને એટલે જ એમાં ફંગસનો રાફડો ફૂલ્યાફાલ્યા કરે છે. દર વર્ષે એક વાર ઓશીકાનું રૂ કઢાવી, પીંજાવી, બે-ત્રણ દિવસ તડકામાં રાખીને ફરીથી નવાં ઓશીકાં બનાવવાં. જો નિયમિત ઓશીકું ન વપરાતું હોય તો દર વર્ષે આમ કરવાને બદલે રૂનું ઓશીકું કડક થઈ જાય ત્યારે તોડાવીને પીંજાબી લેવું.
• સિન્થેટિક મટીરિયલ હોય તોઃ આ ઓશીકાં વોશેબલ હોય તો એના પર ચડાવેલાં કવર તો દર બે-ત્રણ દિવસે સાફ કરવાં જ જોઈએ, પરંતુ આખાં ઓશીકાં પણ દર મહિને ધોઈને, ડ્રાય કરીને વાપરવાં જોઈએ. હવે તો વોશિંગ મશીનમાં ધોઈ શકાય એવા પિલો પણ આવે છે.
એલર્જી પ્રસારનું માધ્યમ
ઘણાં ઘરોમાં દરેક વ્યક્તિનું અલગ ઓશીકું નથી હોતું. ધારો કે હોય તો પણ બધાં જ ઓશીકાં એકસાથે એકબીજા પર જ મુકાતં હોય છે. પથારીમાં પડ્યા પછી વ્યક્તિ ખાંસી, છીંક ખાય ત્યારે એ બેક્ટેરિયા માથા નજીક રહેલા ઓશિકામાં જ સંઘરાઈ રહે છે. માથામાં નાખેલું ઓઇલ, વાતાવરણનો ભેજ અને વરસાદી મોસમમાં ખુલ્લી અને સ્વચ્છ હવાના અભાવે કારણે ઓશીકાની અંદર સુધી જીવજંતુઓ આશરો લઈને બેઠાં હોય છે.
મોટા ભાગના લોકો નિયમિત ઓશીકાંના કવર ધોઈને માની લે છે કે પોતે સ્વચ્છ તકિયા પર સૂતા છે. હકીકતમાં બહારથી સ્વચ્છ દેખાતાં ઓશીકાંના કવરની અંદર ઊંડે સુધી ભેજ, બેક્ટેરિયા, ડેડ સ્કિન, જીવજંતુઓનો મળ એ બધુ ખદબદતું જ રહેતું હોય છે.
અસ્થમા, શ્વાસ ચડવાની તકલીફ હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, શરદી-કફ અને ધૂળની એલર્જી હોય તો ઓશીકાની ગંદકીને કારણે વ્યક્તિ એક યા બીજા રોગમાં પટકાયા કરે છે.