તમે બેસી રહેશો તો હાર્ટ પણ બેસી જવાનું જોખમ
તમે ભલે બેસી રહેવાને કોઈ પ્રવૃત્તિ ગણાવતા હો પરંતુ, ઉંઘવા સહિત અન્ય કોઈ પ્રવૃત્તિ કે એક્ટિવિટીની સરખામણીએ તે હૃદય માટે વધુ નુકસાનકારક છે. બેસી રહેવામાં જે સમય ખર્ચાતો હોય તેમાં ઘટાડો કરીને અને થોડા કલાક ડેસ્ક પાસે ઉભા રહેવામાં પણ ગાળીને લોકો હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે તેમ યુનિવર્સિટી કોલેજ લંડનના અભ્યાસમાં જણાવાયું છે. સંશોધકોએ 15,000 લોકોને એક સપ્તાહ સુધી ફિટનેસ ટ્રેકર્સ લગાવવા સાથે કોલેસ્ટરોલ, વજન અને કમરનો ઘેરાવો માપવા સહિત હૃદયનું આરોગ્ય માપતા પરીક્ષણો કર્યા હતા. તેમણે વ્યક્તિ 24 કલાકના ગાળામાં ઉંઘવા, બેસી રહેવા, ઉભા રહેવા તેમજ હળવી અને ભારે કસરત કરવામાં કેટલો સમય ગાળે છે તેનું વિશ્લેષણ પણ કર્યું હતું. જે લોકો સૌથી વધુ સમય બેસી રહેવામાં ગાળતા હતા તેમનું સ્વાસ્થ્ય સૌથી ખરાબ જણાયું હતું તેમજ સ્થૂળતા અને હાઈ બ્લડ સુગરની શક્યતા સાથે ડાયાબિટીસનું જોખમ વધુ જણાયું હતું. ટેલવિઝન અથવા કોમ્પ્યુટર સામે બેસી રહેવાના બદલે માત્ર 10 મિનિટ ચાલવા જેવી અન્ય પ્રવૃત્તિ કરનારાના સ્વાસ્થ્યમાં સુધારો જણાયો હતો. બેસી રહેવાના બદલે પથારીમાં વધુ એક કલાક ઉંઘ ખેંચી કાઢવાનું પણ બહેતર ગણાય કારણકે ઉંઘ હૃદય માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. બેસી રહેવાના બદલે દોડવા, ઝડપી ચાલવા, કે નિસરણી ચડવા સહિતની હળવાં કે ભારે પ્રકારની પ્રવૃત્તિ લાભકારી બની રહે છે. ટુંકમાં કહીએ તો, એક કે બે મિનિટની પણ હોય તેવી પ્રવૃત્તિથી હૃદયના ધબકારા અને શ્વાસોચ્છવાસ વધે તે હૃદયના આરોગ્ય માટે સારી કહેવાય.
•••
માત્ર ગોળી ગળો અને કસરતના લાભ મેળવો
કસરતો કરવાથી શારીરિક અને માનસિક આરોગ્યને ઘણા ફાયદા થાય છે તે હકીકત છે પરંતુ, વૃદ્ધાવસ્થા, હાર્ટની ગંભીર સમસ્યા અને અલ્ઝાઈમર જેવી સ્થિતિમાં કસરત કરવાનું મુશ્કેલ હોય છે. આપણા માટે કસરત મહત્ત્વપૂર્ણ છે અને તેનું સ્થાન કશું લઈ શકે નહિ પરંતુ, તમારી પાસે સમયનો અભાવ હોય કે આળસ ચડી હોય અને કસરત થઈ શકે તેવી શારીરિક હાલત ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. સેન્ટ લુઈસમાં વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં એનેસ્થેસિઓલોજીના પ્રોફેસર ડો. બાહા એલ્ગેન્ડીના વડપણ હેઠળ અમેરિકી સંશોધકો નવતર રાસાયણિક સંયોજનોમાંથી એવી ગોળી-પિલ તૈયાર કરી રહ્યા છે કે કસરત કર્યા વિના જ કસરતના લાભ મેળવી શકાય. કસરત કરવાથી આપણા શરીરમાં ERRα, ERRβ અને ERRγ નામના એસ્ટ્રોજેન રીલેટેડ રીસેપ્ટર્સ (ERRs) વિશિષ્ટ પ્રોટીન્સ સક્રિય થાય છે.ડો. એલ્ગેન્ડી અને તેમની ટીમે આ ત્રણે પ્રકારના પ્રોટીન્સને સક્રિય બનાવતું સંયોજન SLU-PP-332 વિકસાવ્યું છે. ઊંદરો પરના પ્રયોગોમાં જાણવા મળ્યું છે કે આ સંયોજન નબળાઈ-થાકવિરોધી મસલ ફાઈબરનું પ્રમાણ વધારે છે અને ઊંદરો માટેના ટ્રેડમિલ મશીન્સ પર દોડવાની શક્તિ પણ વધી હતી. પ્રાણીઓ પરના અભ્યાસના તારણો અનુસાર SLU-PP-332 સંયોજન મેદસ્વીતા, હાર્ટ ફેઈલ્યોર અથવા વધતી વય સાથે કિડનીની કામગીરીમાં ઘટાડા સામે ઉપયોગી નીવડી શકે છે. અલ્ઝાઈમરનું નિદાન કરાયેલા દર્દીઓ તેમજ અન્ય ન્યૂરોડિજનરેટિવ પરિસ્થિતિઓમાં મગજમાં થતી નુકસાનકારક પ્રક્રિયાઓનો પણ તે સામનો કરી શકે છે.