બર્મિંગહામના આંગણે યોજાયેલા રમતોત્સવમાં કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ ચુસ્તી-સ્ફૂર્તિ સાથે સ્પર્ધામાં ઉતરે છે, અને 56 દેશોમાંથી સર્વશ્રેષ્ઠ ખેલાડી ગોલ્ડ મેડલ જીતે છે. આવું જ ઓલિમ્પિક રમતોત્સવનું છે, તેમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ મેડલ જીતે છે. કોમનવેલ્થ ગેમ્સ હોય કે ઓલિમ્પિક, વિજેતાનો મેડલ દર્શાવે છે કે ખેલાડી માત્ર શારીરિક રીતે જ સંપૂર્ણ ફિટ નથી, પરંતુ તે માનસિક રીતે પણ શ્રેષ્ઠ છે. રમત કોઇ પણ હોય, ખેલાડીઓની જીતમાં તેમના ડાયટની ભૂમિકા નિર્ણાયક હોય છે. આજે આપણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા ત્રણ ખેલાડીઓના ડાયટમાંથી જાણીએ કે તેમના આહારમાં એવી કઈ વસ્તુઓ છે, જે તેમને ફિટ અને મજબૂત બનાવે છે.
નાઓમી ઓસાકા: પાલક, કેલ અને કિવી
જાપાનની ટેનિસ સ્ટાર અને ઓલિમ્પિક મેડલ વિજેતાએ એક આંતરરાષ્ટ્રીય મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે સવારે કેલ (કોબીજનો એક પ્રકાર), પાલક, કિવીથી બનેલી સ્મૂધી જરૂર પીએ છે. મેચથી પહેલાં તે જેતુન તેલથી બનેલા સાદા પાસ્તા ખાય છે.
કેમ કે... પાંદડાવાળા શાકભાજી, ખાસ કરીને પાલકમાં કેરોટિનાઈડ્સ, કેલ્શિયમ, વિટામિન, મિનરલ્સ, ફોલિક એસિડ, આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. જે હાડકાંને મજબૂત બનાવવા ઉપરાંત શરીરને પોષક તત્વો પણ પૂરાં પાડે છે.
મિઆ મેન્ગનેલો : ઓટ્સ, તાજા ફળ અને જ્યૂસ
અમેરિકન સાઈકલિસ્ટ અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મિઆ મેન્ગનેલોએ જુલાઈ-2021માં મેગેઝિન ‘ડેલિસ’ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે નાસ્તામાં ઓટ્સ અને સંતરાનો જ્યૂસ અચૂક લે છે. આહારમાં ઈંડા, ચોખા અને ફ્રાઇડ શાકભાજી અને સ્નેક્સમાં તાજા ફળ અચૂક ખાય છે.
કેમ કે... તાજા ફળોમાં તમામ જરૂરી તત્વો, જેમ કે ફાઈબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને માઈક્રો ન્યુટ્રિઅન્ટ્સ હોય છે. ઈંડા અને ઓટ્સ પ્રોટીન અને ફાઈબરનો સારો સ્રોત હોય છે, જે એજિંગ ઘટાડે છે. માંસપેશીઓ મજબૂત બનાવે છે.
વીનસ વિલિયમ્સ: કાચા ફળ, શાકભાજી, નટ્સ
પ્રખ્યાત ટેનિસ ખેલાડી અને ચાર વખતની ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ વીનસ વિલિયમ્સે તેના ડાયટ અંગે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે હંમેશા કાચા ભોજનવાળું વીગન ડાયેટ ફોલો કરે છે. જેમાં કાચા ફળ, શાકભાજી, નટ્સ, બીજ અને પ્લાન્ટ ફૂડ ખાસ સામેલ હોય છે.
કેમ કે... અમેરિકન ડાયટ એસોસિએશનના અનુસાર તેમાં મોટા પ્રમાણમાં ફાઈબર, વિટામિન બી-૧૨, ઝિંક, કેલ્શિયમ અને મિનરલ્સ હોય છે. આ ખોરાક વજન ઘટાડે છે. સ્ફૂર્તિ વધારે છે. સાંધાના દુ:ખાવામાં તે ફાયદાકારક હોય છે.