લંડનઃ મિત્રતા અને એકલવાયાપણાનો તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે. ખુશહાલી અને સારા આરોગ્યમાં મિત્રતાની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે. બીજી તરફ એકલવાયાપણું અને સામાજિક વિચ્છેદથી ડિપ્રેશન, હૃદયની બીમારી અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધે છે. ઉટાહની બ્રિઘમ યંગ યુનિવર્સિટીમાં ન્યૂરોસાયન્સ, સાઈકોલોજીના પ્રોફેસર જુલિયન હોલ્ટના અભ્યાસનો નિષ્કર્ષ દર્શાવે છે કે, એકલવાયાપણું દિવસમાં ૧૫ સિગારેટ પીવા જેટલું આરોગ્ય માટે નુકસાનકારક છે.
ડો. હોલ્ટ કહે છે, આથી સ્વાભાવિક પ્રશ્ન થાય કે મિત્રોની આદર્શ સંખ્યા કેટલી છે. અનેક રિસર્ચર માને છે કે, ત્રણથી છ ગાઢ મિત્રોની સંખ્યા સારી છે.
કેન્સાસ યુનિવર્સિટીના પ્રોફેસર જેફ્રી હલ કહે છે કે, જીવનમાં ઓછામાં ઓછી એક અંગત વ્યક્તિ હોવી જોઈએ. પછી તે પત્ની, માતા-પિતા, મિત્ર કે કોઈ અન્ય કોઇ પણ હોય શકે છે. તેમ છતાં, જો તમે સારું જીવન ઈચ્છો છો, લોકો સાથે જોડાવાનું પસંદ કરો છો તો વધુ મિત્રો બનાવવામાં વાંધો નથી. બ્રિટિશ મનોવિજ્ઞાની અને માનવશાસ્ત્રી રોબિન ડનબારનું ગણિત છે કે, મનુષ્ય એક વખતમાં માત્ર ૧૫૦ લોકોનો સંપર્ક કરી શકે છે. કેટલાક અન્ય રિસર્ચમાં આ સંખ્યા વધુ જણાવાઈ છે. જેમાં પાંચ ગાઢ મિત્રો અને અન્ય સામાન્ય મિત્રો હોઈ શકે છે.
બીજા અનુમાનમાં ત્રણથી છ મિત્રોની સંખ્યાને આદર્શ ગણાવાઇ છે. ૨૦૧૬ના અભ્યાસ અનુસાર જે લોકોના છ કે તેનાથી વધુ ગાઢ મિત્રો હોય છે, તેમની તંદુરસ્તી આજીવન સારી રહે છે. નોર્ધર્ન ઈલિનોય યુનિવર્સિટીમાં કાઉન્સેલિંગ અને ઉચ્ચ શિક્ષણ વિભાગના પ્રોફેસર સુજાન ડેગસે ૨૦૨૦માં કરેલા અભ્યાસમાં જોયું કે, જે આધેડ મહિલાઓના ત્રણ કે તેથી વધુ ફ્રેન્ડ હતા, તે જીવનથી વધુ સંતુષ્ટ હતા. ડો. ડેગસે ૨૯૭ વયસ્કો પર કરેલા સરવેમાં ૫૫ ટકા લોકોએ જણાવ્યું હતું કે બે કે ત્રણ નજીકના મિત્રો આદર્શ છે, જ્યારે ૩૧ ટકા માને છે કે ચારથી છ મિત્રો પુરતા છે. મિત્રતા અને એકલવાયાપણાનો તંદુરસ્તી સાથે સંબંધ છે. ખુશહાલી અને સારા આરોગ્યમાં મિત્રતાની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે. બીજી તરફ એકલવાયાપણું અને સામાજિક વિચ્છેદથી ડિપ્રેશન, હૃદયની બીમારી અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધે છે.
ગાઢ મિત્રતા બનતા ૨૦૦ કલાક લાગે
વયસ્ક થયા પછી મિત્રો બનાવવા સરળ નથી. રિસર્ચ જણાવે છે કે, નવા લોકો પર વિશ્વાસ કરવામાં મુશ્કેલી અને સમયના અભાવને કારણે આમ થાય છે. સાઈકોલોજિસ્ટ મેરિસા ફ્રાન્કોનું કહેવું છે કે, આથી તૂટી ગયેલા કે નબળા થઈ ગયેલા જૂના સંબંધોને ફરીથી મજબૂત બનાવવા વધુ સરળ હોય છે. એમ ન વિચારો કે ફ્રેન્ડશીપ સહજતાથી થઈ જશે. આ માટે પહેલ કરવી જરૂરી છે. ડો. જેફ્રીના હાલના રિસર્ચ અનુસાર અંગત મિત્રતા વિકસવામાં આશરે 200 કલાકનો સમય લાગે છે.