લંડનઃ આંકડાઓ અનુસાર બ્રિટિશ તરુણોના ૩૩ ટકાથી પણ વધુ મેદસ્વી છે, જેમાં છોકરીઓનું પ્રમાણ વધુ છે. છોકરીઓ કિશોરાવસ્થામાં વજનદાર થતી જાય છે. વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૧માં જન્મેલાં અને ‘જનરેશન ઝેડ’ તરીકે ઓળખાયેલાં ૧૧,૦૦૦ બાળકોનાં અભ્યાસમાં એમ પણ જણાયું છે કે બાળકોને સ્તનપાન કરાવાયું ન હોય, માતામાં શિક્ષણ ઓછું હોય તેમજ જેઓ નાનપણથી જ જાડાપાડા હોય તેઓ મોટા થઈને મેદસ્વી થવાની શક્યતા વધી જાય છે. ૧૪ વર્ષની વયના પાંચમાંથી એક બાળક સ્થૂળ હોય છે, જેઓ મોટા થઈને ડાયાબિટીસ અને હૃદયરોગોનો શિકાર બનવાની શક્યતા રહે છે. વિચિત્રતા તો એ પણ છે કે ૧૧ વર્ષની વય સુધી સામાન્ય વજન હોય તેવા સાત બાળકમાંથી લગભગ એક ૧૪ વર્ષની વયે પહોંચતા સુધીમાં સ્થૂળ થઈ જાય છે.
અભ્યાસના સહલેખક અને યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર એમલા ફિટ્સસિમોન્સ જણાવે છે કે, ‘મિલેનિયમ જનરેશનના સભ્યો વહેલા પુખ્ત બને છે ત્યારે સ્થૂળતા અને વધુ વજનનો દર જાહેર આરોગ્યની ચિંતાજનક સમસ્યા છે.’ ચિંતાનું મુખ્ય કારણ સાતથી ૧૧ વર્ષ વચ્ચેના બાળકોનું છે જેમનામાં મેદસ્વીતાનો દર ૨૫ ટકાથી ઉછળી ૩૫ ટકાએ પહોંચ્યો છે. આ ઉપરાંત, અગાઉના દાયકાઓની સરખામણીએ ૧૯૮૦ના દાયકા પછી જન્મ્યાં હોય તેવા બાળકો પણ ઓવરવેઈટ થવાની શક્યતા ત્રણ ગણી રહે છે. બાળપણમાં હૃષ્ટપુષ્ટ બાળકો કિશોરાવસ્થામાં સ્થૂળ થવાની શક્યતા રહે છે પરંતુ, જે બાળકોને ઓછામાં ઓછાં ૯૦ દિવસ સ્તનપાન કરાવાયું હોય અને પેરન્ટ્સની માલિકીના ઘરમાં ઉછર્યાં હોય તેમને સ્થૂળતા સામે રક્ષણ મળ્યું હોવાનું જણાયું હતું.
UCL સંશોધકોને જણાયું હતું કે ૧૧ વર્ષની વયે સામાન્ય વજન ધરાવતી ૧૫ ટકા છોકરીઓ આજે મેદસ્વી છે, જ્યારે છોકરાઓમાં આ પ્રમાણ ૧૦ ટકા હતું. જેમની માતાની શૈક્ષણિક લાયકાત માત્ર GCSE અથવા તેથી ઓછી હતી તેવા ૪૦ ટકા બાળકો સ્થૂળ હતાં, જ્યારે ડીગ્રી અથવા ઉચ્ચ લાયકાત સાથેના માતાઓનાં ૧૪ ટકા બાળકો જ સ્થૂળ હતાં. જોકે, કેમ્પેઈનર્સ માને છે કે જંક ફૂડની જાહેરાતો અને શિક્ષણનો અભાવ પણ કારણભૂત છે. સંશોધકોને શ્વેત અને અશ્વેત તરુણોમાં પણ તફાવત જણાયો છે. ૪૮ ટકા અશ્વેત તરુણોની સરખામણીએ ૩૪.૫ ટકા શ્વેત તરુણો મેદસ્વી હતા.