આપણા શરીરમાં રહેલી થાઇરોઇડ ગ્રંથીઓ જ્યારે પૂરતા પ્રમાણમાં હોર્મોનનું ઉત્સર્જન ન કરે તો તેને હાઈપોથાઈરોઈડિઝમ કહે છે. તેનાથી મેટાબોલિઝમ ધીમું પડે છે અને આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓ પેદા થાય છે. તેને મેનેજ કરવા માટે તબીબી માર્ગદર્શનમાં દવાઓ ખાવી પડે છે. જોકે, અહીં દર્શાવેલા પાંચ પ્રકારના ફૂડને તમે ભોજનમાં ઘટાડશો તો થાઈરોડને મેનેજ કરવામાં ઘણી મદદ મળશે. આ ઉપરાંત સંતુલિત ભોજન, કસરતની સાથે જો ખુદને પૂરતા હાઈડ્રેટ રાખશો તો તે પણ થાઇરોઇડને સરળતાથી મેનેજ કરવામાં ઉપયોગી બનશે.
સોયાબીન પ્રોડક્ટ્સઃ
દવાઓની અસરને ઘટાડે છે
તમારા ભોજનમાંથી સોયાબીનથી પ્રોડક્ટ્સને ઘટાડો. આ ખાદ્ય પદાર્થો થાઈરોઈડની કામગીરીને પ્રભાવિત કરે છે. સોયાબીન અને તેની પ્રોડક્ટ જેમ કે, ટોફુ, સોયા ચાપ, સોયા મિલ્ક, સોયા સોસ વગેરેનું સેવન થાઈરોઈડ માટે આપવામાં આવતી દવાઓની અસરને ઘટાડે છે. સોયાબીનમાં આઈસોફ્લેવોન્સ નામનું તત્ત્વ હોય છે, જે થાઈરોઈડ ગ્રંથીને પ્રભાવિત કરી શકે છે. અલબત્ત, ક્યારેક આ ખાદ્ય પદાર્થો ખાઈ શકાય છે, પરંતુ બચવું સારું. થાઈરોઈડની દવા લેતા હો ત્યારે ધ્યાન રાખવું જરૂરી છે.
કોબીજ, બ્રોકલીઃ
હોર્મોન પ્રભાવિત થાય છે
બ્રોકલી, ફ્લાવર અને કોબીજ જેવા શાકભાજીમાં ગોઈટ્રોજન નામનું તત્વ હોય છે, જે થાઈરોઈડના ઉત્પાદનને પ્રભાવિત કરે છે. જો આ શાકભાજીને કાચા ખાવામાં આવે તો હાઈપોથાઈરોડિઝમની સમસ્યા વધી શકે છે. ગોઈટ્રોજન આયોડિનને અવશોષિત કરવાની ક્ષમતા ઘટાડે છે, જે થાઈરોઈડના ઉત્પાદન માટે અત્યંત જરૂરી છે. જોકે, તેમને રાંધીને ખાવાથી ગોઈટ્રોજનની અસર ઘટે છે. આથી આ શાકભાજી ખાવા જ હોય તો રાંધીને ખાવાં સારાં.
પ્રોસેસ્ડ ફૂડઃ
થાઈરોઈડ અસંતુલિત બને છે
પ્રોસેસ્ડ ફૂડમાં નુકસાનકારક ફેટ, શુગર અને એડિટિવ્સ વધુ પ્રમાણમાં હોય છે. આ ત્રણેય વસ્તુ શરીરનું વજન અને સોજો વધારે છે. હાઈપોથાઈરોડિઝમમાં વજન કાબુમાં રાખવું અઘરું થાય છે કેમ કે તેનાથી મેટાબોલિઝમ ધીમું પડે છે. પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમ વધુ હોય છે, જે થાઈરોઈડનું સંતુલન બગાડી શકે છે. આથી, આખું અનાજ અને પ્રોસેસ કર્યા વગરના ફૂડનું સેવન તંદુરસ્તી સુધારી શકે છે
ઘઉં અને જવઃ
ગ્લુટેન પ્રોટીન હોય છે
ઘઉં અને જવમાં ગ્લુટેન નામનું પ્રોટીન હોય છે. હાઈપોથાઈરોડિઝમથી પીડિત કેટલાક લોકોને તેનાથી તકલીફ થાય છે. જેમને હાશિમોટો થાઈરોઈડિટિસ હોય છે તેમને ખાસ અસર થાય છે. આ હાઈપોથાઈરોઈડિઝમનો ઓટો ઇમ્યુન પ્રકાર છે. ખરેખર ગ્લુટેન સોજો વધારી શકે છે. ઈમ્યુન સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે, જેનાથી થાઈરોઈડની સમસ્યા વધે છે. ભોજનમાંથી ગ્લુટેનવાળા ફૂડ ઘટાડવાથી લોકોને હાઈપોથાઈરોઈડિઝમમાં ફાયદો થાય છે.
કોફીનું સેવનઃ
દવા પર વિપરિત અસર કરે છે
કોફી થાઈરોઈડની દવાઓની અસરને ઘટાડે છે. આથી કોફી પીવાના અડધા કે એક કલાક પછી જ દવા લેવી. આ ઉપરાંત કેફીન એડ્રિનલ ગ્રંથીને વધુ સક્રિય કરે છે. તેનાથી થાક વધે છે. આ હાઈપોથાઈરોઈડિઝમના સામાન્ય લક્ષણ છે. દિવસ દરમિયાન લેવાતા કેફીનના પ્રમાણને મર્યાદિત કરવાથી પણ ફાયદો થઈ શકે છે.