(ગતાંકથી ચાલુ)
વીતેલા સપ્તાહે આપણે જાણ્યું કે થાક લાગવો એક સામાન્ય લક્ષણ છે, પરંતુ એને અવગણવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. ઘણી વાર રૂટીન બદલાઈ જાય, રોજિંદાં કામ કરતાં ઘણું વધારે કામ થઈ જાય, ટ્રાવેલિંગ વધી જાય ત્યારે માણસ થાકી જાય એ વાત જુદી છે, પરંતુ ઘણી એવી વ્યક્તિઓ છે જે લગભગ થાકેલી જ જોવા મળે છે અથવા તો થોડુંક કામ વધી જાય તો તરત જ થાકી જાય છે. ક્યારેક કોઈ એવી વ્યક્તિ પણ હોય છે જે વગર કોઈ કારણે થાક અનુભવતી હોય છે. આ બધી જ પરિસ્થિતિઓ સૂચવે છે કે શરીરમાં કોઈ પ્રોબ્લેમ છે. થાક એક પ્રાથમિક લક્ષણ છે એ આપણે સમજ્યા. શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ સર્જાય ત્યારે શરીરને એ ઠીક કરવા માટે વધુ કાર્યરત થવું પડે છે જેને લીધે આપણને થાક લાગે છે. વગર કારણનો થાક કે પછી આરામ કરવા છતાં ન ઊતરતો થાક ખતરાનું નિશાન છે. આ સ્થિતિ સૂચવે છે કે તમને જરૂર છે મેડિકલ હેલ્પની. આજે આપણે વિસ્તારથી જાણીશું કે કયા-કયા રોગોનું પ્રાથમિક લક્ષણ થાક હોઈ શકે છે અને એ માટે શું કરવું જોઈએ.
• ઓબેસિટીઃ ઘણી વ્યક્તિઓ એવી હોય છે જે ફરિયાદ કરે છે કે પહેલાં જેટલું કામ થતું હતું એટલું કામ હવે થતું નથી. પહેલાં હું ૪ કિલોમીટર ચાલી નાખતો, પરંતુ હવે ૧ કિલોમીટરમાં થાકી જવાય છે. આ ફરિયાદો પાછળનું કારણ ઓબેસિટી હોઈ શકે છે. ઘણા લોકોને અચાનક વજન વધી જાય છે કે અમુક મહિનામાં જ ફાંદ બહાર આવી જાય છે. વ્યક્તિનું થોડું વજન વધે તો એની કાર્યક્ષમતા પર વધુ અસર થતી નથી, પરંતુ ૫થી ૮ કિલો જેટલું વજન વધે તો ચોક્કસ ફરક પડે છે. ઘણા લોકો વજન વધી જાય એ વાતને ગણકારતા નથી, પરંતુ જો તમને થાક લાગવાની શરૂઆત થઈ જાય તો સમજવું કે વજન તમારી કાર્યક્ષમતા પર અસર કરી રહ્યું છે અને સમય આવી ગયો છે કે વજન માટે તમે સિરિયસ બનો.
• હાર્ટને લગતા પ્રોબ્લેમઃ થાક અને હાર્ટને પણ ઘણો સંબંધ છે. હાર્ટની નળીઓમાં બ્લોકેજ હોય કે જન્મજાત હાર્ટની ખામી, કોઈ પણ પ્રકારના હાર્ટને સંબંધિત પ્રોબ્લેમનું પ્રાથમિક લક્ષણ થાક હોય છે. હાર્ટ ધબકતું રહીને આખા શરીરને લોહી પહોંચાડવાનું કામ કરે છે. એમાં કોઈ પણ પ્રકારની ખામી હોય ત્યારે શરીરના અમુક ભાગોને લોહી અધૂરું પહોંચે છે અને એથી જ પહેલું લક્ષણ થાક દેખાવા લાગે છે. કોઈ પણ મહેનત વિના જો વ્યક્તિ વારંવાર થાકી જતી હોય તો તેણે જરૂરી ટેસ્ટ કરાવી હાર્ટની તપાસ કરાવવી જોઈએ, જેનાથી હાર્ટને થતું ડેમેજ અટકાવી શકાય.
• કુપોષણઃ શરીરને ખોરાકમાંથી જરૂરી પોષણ ન મળતું હોય અથવા પાચનપ્રક્રિયામાં પ્રોબ્લેમ હોય જેને કારણે યોગ્ય ખોરાક ખાવા છતાં શરીરમાં પોષણની કમી સર્જાય ત્યારે થાક લાગવા માંડે છે. અવારનવાર થાકી જતાં બાળકો, થાકને કારણે વધુ ઊંઘતાં બાળકો કુપોષણનો શિકાર બને છે. એ ઉપરાંત આજકાલ નાના-મોટા બધામાં વિટામિન બી-૧૨ અને વિટામિન ડીની કમી ખૂબ વધારે જોવા મળી રહી છે. આ પ્રકારના કોઈ પણ વિટામિનની કમી, કેલ્શિયમ-આયર્ન જેવાં ખનિજ તત્વોની કમી થાક સ્વરૂપે બહાર આવે છે. જે બાળક થાકી જતું હોય તેને કુપોષણ સિવાય એનીમિયા કે થેલેસેમિયા માઇનર જેવો રોગ હોય એમ પણ બને.
• થાઇરોઇડઃ વ્યક્તિના શરીરમાં થાઇરોઇડ નામનાં હોર્મોન્સ વધી કે ઘટી જાય એ બન્ને પરિસ્થિતિમાં વ્યક્તિનું પ્રારંભિક લક્ષણ થાક જણાય છે. થાઇરોઇડ જ્યારે વધી જાય ત્યારે શરીરનું દરેક અંગ ખૂબ વધારે ઝડપથી કામ કરવા માંડે છે અને એને કારણે વ્યક્તિને સતત થાકનો અનુભવ થયા કરે છે અને જ્યારે થાઇરોઇડ ઘટી જાય ત્યારે વ્યક્તિને આળસ અનુભવાય છે જેને લીધે તેને સતત થાક લાગ્યા કરે છે. જ્યારે સતત થાક જ અનુભવાતો હોય ત્યારે ડોક્ટરની સલાહ લઈને થાઇરોઇડની ટેસ્ટ કરાવી લેવી જોઈએ.
• ફેફસાં અને કિડનીઃ ફેફસાંમાં કોઈ પ્રોબ્લેમ શરૂ થાય ત્યારે વ્યક્તિ અનહદ થાક અનુભવતી થઈ જાય છે કારણ કે ફેફસાંનો શ્વાસ સાથે સીધો સંબંધ છે અને શ્વાસ આપણો પ્રાણવાયુ છે જે આપણામાં પ્રાણનો સંચાર કરે છે. અસ્થમા, બ્રોન્કાઇટિસથી લઈને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ જેવા ફેફસાંના રોગોનું શરૂઆતી લક્ષણ થાક હોય છે. જો થાક સાથે શ્વાસમાં પ્રોબ્લેમ જણાય તો ડોક્ટરને મળવું જરૂરી છે. એ સિવાય કિડનીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પણ વ્યક્તિને થાક લાગી શકે છે.
• સ્ત્રીઓમાં થાકઃ પુરુષો કરતાં સ્ત્રીઓમાં થાકનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. પ્રેગ્નન્સી, ડિલિવરી, દર મહિને આવતું માસિક અને આ બધાને કારણે થતું હોર્મોન્સનું ઇમ્બેલેન્સ સ્ત્રીઓને શારીરિક અને માનસિક થાક આપે છે. સમગ્ર ઘરના લોકોનું ધ્યાન રાખતી સ્ત્રી પોતાની હેલ્થ માટે લાપરવાહ જોવા મળે છે.
• વ્યસનઃ જે વ્યક્તિ દારૂ પીતી હોય, કોઈ પણ પ્રકારે તમાકુનું સેવન કરતી હોય તો આ વ્યસનને કારણે તેને સતત થાક લાગતો હોય એવું બને. વ્યસનને કારણે શરીરમાં ટોક્સિન ખૂબ વધુ પ્રમાણમાં જમા થઈ જાય છે. આ ટોક્સિનને કારણે દરેક સિસ્ટમે નિયમિત કરતા હોય એના કરતાં ઘણું વધારે કામ કરવું પડે છે. મોટા ભાગે સિસ્ટમ પર કામનું આ ભારણ યુવાનવયે સમજાતું નથી, પણ ૪૦-૪૫ વર્ષ પછી અકારણ માણસ થાક અનુભવ્યા કરે છે ત્યારે તેને લાગે છે કે આ ઉંમરને કારણે અનુભવાતો થાક છે, પરંતુ હકીકતે આ થાક તેમના વ્યસનથી શરીરમાં થતા ડેમેજની નિશાની છે.
• ડાયાબિટીઝઃ વ્યક્તિના લોહીમાં શુગરનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે તેને થાક લાગે છે, કારણ કે લોહીમાં વધેલું શુગરનું પ્રમાણ વ્યક્તિના મેટાબોલિઝમ પર સીધી અસર કરે છે જે થાક સ્વરૂપે બહાર આવે છે. જે વ્યક્તિ વારંવાર થાકી જતી હોય એ વધુ શુગર ખાઈને એનર્જી લાવવાનો પ્રયાસ કરતી હોય છે જે ક્યારેક ખતરારૂપ હોઈ શકે છે. ડાયાબિટીઝ હોય નહીં, પરંતુ આવવાની શક્યતા હોય એવા લોકોને પણ થાક વધુ લાગે છે. જો એ લોકો થાક જેવા લક્ષણથી જાગ્રત થઈ જાય તો ડાયાબિટીઝથી બચવાની શક્યતા વધી જાય છે.