લંડનઃ બ્રિટિશ જર્નલ ઓફ સાઈકિઆટ્રીમાં પ્રસિદ્ધ નવા અભ્યાસમાં જણાવાયું છે કે વાયુપ્રદૂષણના કારણે માનસિક બીમારીઓ વધી રહી છે. વાયુપ્રદૂષણમાં થોડા પણ વધારાથી ડિપ્રેશન અને ચિંતામાં નોંધપાત્ર વધારો થતો જણાય છે જેના કારણે લોકોને સારવારની વધુ જરૂરિયાત ઊભી થાય છે.
લંડનમાં ૧૩,૦૦૦ લોકો પર કરાયેલા અભ્યાસના તારણો મુજબ નાઇટ્રોજન ડાયોક્સાઇડના સંપર્કમાં આવવાનું પ્રમાણ થોડું વધવાથી પણ કોમ્યુનિટી આધારિત સારવારની આવશ્યકતાના જોખમમાં ૩૨ ટકા અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમમાં ૧૮ ટકા જેટલો વધારો થાય છે. સંશોધકોએ જણાવ્યું હતું કે આ તારણો વિકસિત રાષ્ટ્રોના મોટાભાગના શહેરોમાં લાગુ પડે તેવી શક્યતા છે અને વાયુપ્રદૂષણ ઘટાડવાથી લાખો લોકોને ફાયદો થશે.
સંશોધનનું વડપણ કરનારા બ્રિસ્ટોલ યુનિવર્સિટીના જોએન ન્યૂબરીએ જણાવ્યું હતું કે, એર પોલ્યુશનને મોટા પાયા પર સુધારી શકાય છે અને વસ્તીની દષ્ટિએ તેનો સંપર્ક પણ ઓછો કરી શકાય છે. લો-એમિશન ઝોન્સને વધારવા જેવાં પગલાં લઈ શકાય છે. જોકે, વ્યક્તિગત સ્તરે માનસિક આરોગ્યના હસ્તક્ષેપ ખરેખર મુશ્કેલ બને છે.
અભ્યાસમાં માનસિક બીમારીની તીવ્રતાના માપદંડ તરીકે હોસ્પિટલમાં વારંવારના પ્રવેશ અથવા કોમ્યુનિટી ડોકટર્સ અને નર્સીસની મુલાકાતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ ગણતરી માંડી હતી કે માત્ર એક પ્રદૂષકમાં થોડો ઘટાડો પણ બીમારીને ઘટાડવા સાથે NHSને વર્ષે લાખો પાઉન્ડની બચત કરાવી શકે છે. સંશોધનમાં જોડાયેલા કિંગ્સ કોલેજ લંડનના ઇઓનિસ બાકોલિસે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં લંડનમાં વાયુપ્રદુષણનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ, સલામત સ્તરે પહોંચ્યું નથી.
તાજેતરના સંશોધનો જણાવે છે કે એર પોલ્યુશનમાં થોડો વધારો પણ ડિપ્રેશન અને ચિંતાતુરતામાં ગણનાપાત્ર વધારા તેમજ બુદ્ધિશક્તિમાં ભારે ઘટાડા અને ડિમેન્શિયા-સ્મૃતિભ્રંશ સાથે સંકળાયેલો છે. તેનાથી આત્મહત્યાના કેસીસ પણ વધે છે અને પ્રદુષિત વાતાવરણમાં ઉછેર માનસિક ડિસઓર્ડર્સનું જોખમ વધારે છે. ૨૦૧૯ના ગ્લોબલ રિવ્યુ મુજબ એર પોલ્યુશન માનવશરીરના તમામ અંગોને નુકસાન પહોંચાડે છે.