ઘણા લોકો એવા હોય છે રોજિંદો ખોરાક એકદમ નક્કી જ હોય છે. સવારે ઊઠીને એક કપ ચા સાથે બે થેપલાં નક્ક. બપોરે જમવામાં રોટલી, દાળ, ભાત, શાક લેવાના. એમાં પણ દાળ હંમેશાં તુવેરની જ અને શાક મોટા ભાગે દૂધી, રીંગણ અને બટાટા. સાંજે જમવામાં ખીચડી સાથે દહીં કે દૂધ. આવા લોકો ખયાલમાં રાચતા હોય છે કે તેમનો ખોરાક સાદો છે, નિશ્ચિત છે માટે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આવા લોકોની ફળોમાં પણ એકાદ ચોક્કસ પસંદ હોય છે. જેમ કે કેળાં કે સફરજન. સાદો ખોરાક લેવો સારી વાત છે, પરંતુ દરરોજ એક જ પ્રકારનો ખોરાક અથવા તો કહીએ કે લાંબા ગાળા સુધી એક જ પ્રકારનું ભોજન પણ હેલ્ધી હોતું નથી.
જીવનમાં વિવિધતા જરૂરી છે કારણ કે પરિવર્તન એ જીવનનું અભિન્ન અંગ છે. ખોરાકની પસંદગીમાં બદલાવ એ નખરાં નથી, પરંતુ શરીરની જરૂરિયાત હોય છે. ખાવાનો શોખ હોય છે એવા લોકો દરરોજ ખોરાકમાં નવી વસ્તુની ડિમાન્ડ કરતા હોય છે અને જેમને શોખ નથી તે લોકો એક જ વસ્તુ ખાતા રહે છે. નવી વસ્તુઓ ખાવી એ નખરાં નથી, પરંતુ એક હેલ્ધી આદત છે.
ખોરાકમાં વિવિધતા કેમ જરૂરી છે? એ વિવિધતા ન લાવો તો શું થાય? વિવિધતામાં પણ કયા પ્રકારની વિવિધતા હેલ્ધી છે? આ બધા પ્રશ્નોના જવાબ અહીં રજૂ કરવા પ્રયાસ થયો છે.
શું ન બદલવું?
પ્રથમ તો શું બદલવાની જરૂર નથી એ સમજીએ. ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે દરેક વ્યક્તિની ખોરાકની જરૂરિયાત જુદી-જુદી હોય છે. એ જ રીતે દરેક વ્યક્તિની તાસીર પણ જુદી હોય છે. ઘણા લોકો સવારે ઊઠીને હેવી બ્રેકફાસ્ટ લેતા હોય છે તો ઘણા લોકો એક ફ્રૂટ ખાઈ લે તો પણ ઘણું થઈ જાય છે. ઘણા લોકો ખાટો ખોરાક ખાઈ નથી શકતા તો ઘણા લોકોને અડદની દાળ માફક નથી આવતી.
આમાં મહત્ત્વની બાબત એ છે કે આ તાસીરને માન્યતાઓ મુજબ નહીં, વૈજ્ઞાનિક રીતે ઓળખવી જરૂરી છે. ઘણા લોકોને ત્રણ ટંક વ્યવસ્થિત જમવા જોઈએ તો તેમણે છ ટાઇમ થોડું-થોડું જમવાની જરૂર નથી. આવો બદલાવ ન લાવે તો ચાલે. તાસીર વિરુદ્ધનો બદલાવ લાવવાની પણ જરૂર નથી. જેમ કે, કોઈને ભાત સદતા ન હોય તો જરૂરી નથી કે ભાત ખાવા લાગે. આથાવાળી ચીજવસ્તુ ખાવાથી સોજા આવતા હોય તો એ ખાવાની જરૂર નથી. બદલાવ લાવતાં પહેલાં જરૂરી છે એ જાણવાનું કે તમને કઈ વસ્તુ માફક આવે છે અને એમાં જ નાના-નાના કે અનુકૂળતા મુજબ મોટા બદલાવ લાવી શકો છો.
શું બદલવું જોઇએ?
ખોરાકમાં શું બદલાવ લાવવો જરૂરી છે એ વિશે સમજાવતાં ડાયટિશ્યન કહે છે કે દરરોજ એક જ દાળ, ઘઉંની જ રોટલી, હરીફરીને એ જ બે-ચાર શાક જો ઘરમાં બનતાં હોય તો એ બદલવાની ચોક્કસ જરૂર છે. અત્યારે શાકમાં જ ૫૦ પ્રકારની વરાઇટી મળે છે. ઘણા લોકો કહે છે કે અમે વર્ષોથી અમુક શાક જ ખાઈએ છીએ એટલે અમને એ જ ભાવે એવી માનસિકતા બદલવાની જરૂર છે. પહેલાંના સમયમાં દર બુધવારે મગ, શનિવારે અડદની દાળ, રવિવારે વાલ બનાવવા એવું નિશ્ચિત રહેતું; જેથી બદલાવ પણ એક નિયમ બની જતો.
રોટલીમાં પણ દરરોજ કેમ ઘઉંની જ રોટલી ખાવાની? જુવાર, બાજરી, નાચણી, મકાઈ વગેરે જુદાં-જુદાં ધાનના રોટલા કે એમને મિક્સ કરીને બનાવેલી રોટલી ખાઈ શકાય. ખીચડી પણ દરરોજ ચોખા-મગની દાળની ન બનાવતાં ક્યારેક ફાડાની ખીચડી તો ક્યારેક તુવેર કે ચણાદાળની ખીચડી બનાવી શકાય છે. આ અલગ-અલગ કોમ્બિનેશન ખૂબ હેલ્ધી છે. ફળમાં પણ વરાઇટી આવે છે. દરરોજ એક જ ફળ ખાઓ, પરંતુ જુદાં-જુદાં ખાઓ અથવા તો બે-ત્રણ ફળ મિક્સ કરીને ફ્રૂટ-ડિશ બનાવીને ખાઓ એ વધુ ઇચ્છનીય છે.
બદલાવ કેમ જરૂરી?
દરેક શાક, ધાન, ફળો, કઠોળ હેલ્ધી છે, પરંતુ એ બધાંમાં જુદાં-જુદાં પોષક તત્વો રહેલાં છે. જુવાર જે પોષણ આપી શકે છે એ ઘઉં નથી આપતા અને જે બીટ આપે છે એ ગાજર નથી આપી શકતું. બદલી-બદલીને ખોરાક લેવાથી અથવા તો કહીએ કે ખોરાકમાં વિવિધતા જાળવી રાખવાથી આપણને દરેક પ્રકારનાં પોષકતત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે. શરીર બેલેન્સ્ડ રહે છે. ક્યારેય વિટામિન્સ કે મિનરલ્સની ઊણપ સર્જાતી નથી અને પોષણ પૂરું રહે છે. જો આવું ન થાય તો શું થાય એ સમજાવતાં આહાર નિષ્ણાતો કહે છે કે જે લોકો એક જ પ્રકારનો ખોરાક લે છે એ મોટા ભાગે ચીડચીડા રહે છે, કારણ કે જ્યારે ખોરાક એક જ સરખો લેવામાં આવે ત્યારે જે વિટામિન્સની ઊણપ રહી જાય એ માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. આવા લોકોને જમવાનો સંતોષ થતો નથી. માનસિક હેલ્થ સાથે ખોરાકને પણ સીધો સંબંધ છે, જ્યારે આપણે વ્યવસ્થિત ખોરાક લઈએ છીએ ત્યારે આપણને માનસિક સંતોષ મળે છે, અને આ સંતોષ અલગ-અલગ પ્રકારના ભોજનથી જ મળી શકે છે.
શરીર અને આદત
આમ તો દરરોજ નાના પાયે ખોરાકમાં બદલાવ લાવવો જ જોઈએ. મોટા પાયે કોઈ બદલાવ લાવવો હોય તો દર બે-ત્રણ દિવસે એ લાવી શકાય. આ સૂચન સાથે આ બદલાવ પાછળની જરૂરિયાત સમજાવતાં નિષ્ણાતો કહે છે કે આપણા શરીરની એક ખાસિયત છે કે કોઈ પણ વસ્તુ જ્યારે એની આદત બની જાય પછી એ વધુ અસરકારક રહેતી નથી.
જેમ કે, તમે દરરોજ ૪૫ મિનિટ માટે ચાલવા જતા હો અને આ આદત તમને એક વર્ષથી હોય તો એ વોકનો ફાયદો તમને પહેલા છ મહિનામાં જેટલો થયો હોય એટલો એક વર્ષ પછી થશે નહીં, કારણ કે શરીર એનાથી ટેવાઈ ગયું છે. નિષ્ણાતો એટલે જ કહે છે કે એક્સરસાઇઝમાં હંમેશાં બદલાવ લાવવો જરૂરી છે, એવું જ ખોરાકનું છે. એક ને એક ખોરાક ખાઈએ ત્યારે એના પોષણનો લાભ ઘટતો જાય છે. આમ પણ પચીસ વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિનું શરીર ઘસાતું ચાલે છે. વિકાસ કરતાં ઘસારાનું પ્રમાણ વધુ હોય છે ત્યારે માઇક્રોન્યુટ્રિઅન્સની શરીરને વધુ જરૂર પડે છે.
વ્યક્તિ જ્યારે અલગ-અલગ પ્રકારનાં શાકભાજી, ધાન્ય અને કઠોળ કે દાળ ખાય તો એમાંથી માઇક્રોન્યુટ્રિઅન્સની જરૂરિયાત સંતોષાય છે, જ્યારે એ સંતોષાતી નથી ત્યારે શરીરમાં પોષણની ઊણપ સર્જાય છે અને આ ઊણપ બીમારીઓને નોતરે છે.