ન્યૂ યોર્કઃ હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ અલ્ઝાઇમર સાથે સંકળાયેલા ૧૮૨ લોકો પર સંશોધન કરીને તારવ્યું છે કે દરરોજ હળવી કસરતો કરવાથી મોટી ઉંમરે યાદશક્તિ સારી રહે છે. વૈજ્ઞાનિકોના મતે રોજ હલકીફૂલકી કસરત વધતી ઉંમર સાથે અશક્તિ, યાદશક્તિ અને બદલાતા વ્યવહારોને રોકવામાં મદદ કરે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ દાવો કર્યો છે કે રોજ ૮,૯૦૦ ડગલાં ચાલવાથી અલ્ઝાઈમરની સમસ્યા ઓછી કરી શકાય છે. ઊંડાણપૂર્વક કરાયેલા અભ્યાસમાં આ બાબત જાણવા મળી છે. ન્યૂરોલોજી જર્નલમાં પ્રકાશિત શોધ પ્રમાણે અલ્ઝાઇમર વધતી ઉંમર સાથે જોડાયેલી બીમારી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મગજમાં એમિલોયડ બિટા નામના પ્રોટીનનું સ્તર વધવાથી આ પ્રકારની સ્થિતિ સર્જાય છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જસમીર ચટમાલના કહેવા પ્રમાણે નિયમિત શારીરિક સક્રિયતા - ગતિવિધિથી યાદશક્તિ સુધારવાની સાથે બ્લડપ્રેશર, મેદસ્વિતા, સ્મોકિંગ, ડાયાબિટીસ જેવાં જોખમો પણ ઓછાં કરી શકાય છે. સંશોધનમાં આવરી લેવાયેલા ૧૮૨ લોકો એવા છે જેમની વિચારવાની, સમજવાની ક્ષમતા અને યાદશક્તિને છેલ્લા સાત વર્ષમાં બે વાર તપાસવામાં આવી હતી. તેમને ચાલવાની પ્રક્રિયા પર નજર રાખે એવા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો અને સાત દિવસ સતત ચાલવાથી શી અસર થાય છે એનો અભ્યાસ કરાયો હતો.