ન્યૂ યોર્કઃ દરરોજ ૨,૧૦૦ પગલાં ચાલવાથી સિનિયર સિટિઝનોના આયુષ્યમાં વધારો થતો હોવાનું વિજ્ઞાનીઓએ એક અભ્યાસના આધારે તારવ્યું છે. સાન ડિયાગોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોને અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે દરરોજ ૨,૧૦૦ થી ૪,૫૦૦ પગલાં ચાલવાથી હૃદયરોગના કારણે મૃત્યુ થવાનું જોખમ ૩૮ ટકા જેટલું ઘટી જાય છે.
ટોચના તબીબો એવી સલાહ આપે છે કે તમામ વયના લોકોએ દરરોજ ૧૦,૦૦૦ પગલાં ચાલવું જ જોઈએ. અલબત્ત, દરરોજ ૧૦,૦૦૦ પગલાંનું લક્ષ્ય કેટલાક લોકો માટે ઘણું ઊચું ગણાય, ખાસ કરીને વૃદ્ધો માટે.
દરમિયાન બીજા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મધ્યમ વયના લોકોએ ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરનું જોખમ ઘટાડવા માટે નિયમિતપણે ચાલવું જ જોઈએ. આ બંને અભ્યાસના તારણ અમેરિકન હાર્ટ એસોશિએશનની એરિઝોનાના ફિનિક્સમાં મળેલી એપિડોમિયોલોજી એન્ડ પ્રિવેન્સન કોન્ફરન્સમાં રજૂ થયા હતા. પહેલા અભ્યાસમાં પ્રોફેસર એન્ડ્રીઆ લાકોઇક્સ અને તેના સાથીઓએ ૭૯ વર્ષથી વધુ વયની ૬,૦૦૦ મહિલાઓ ઉપર પરીક્ષણ કર્યું હતું. આ અભ્યાસમાં એવું જણાયું હતું કે જે મહિલાઓ ૨,૧૦૦થી ઓછા પગલાં ચાલતી હતી. તેના કરતાં ૨૧૦૦થી ૪૫૦૦ પગલાં ચાલનારી મહિલાઓ વધુ તંદુરસ્ત હતી. જ્યારે જે વૃદ્ધાઓ ૪૫૦૦ પગલાંથી વધુ પગલાં ચાલતી હતી તેમને હૃદયરોગનું જોખમ ૪૮ ટકા ઘટી જતું જણાયું હતું. પ્રોફેસર લાકોઇક્સ કહે છે કે બહુ જ જાણીતી માન્યતા છતાં દરરોજ ૧૦,૦૦૦ પગલાં ચાલવાથી કાર્ડિયોવસ્ક્યુલર લાભ થાય જ છે એવા ખાસ કોઇ પુરાવા નથી. જ્યારે બીજા એક અભ્યાસમાં મધ્યમ વયના ૨,૦૦૦ લોકો ઉપર પરીક્ષણ કરાયું હતું. આ બન્નેમાં એક વાત તો પુરવાર થઇ જ છે કે દરરોજ ૨૧૦૦ પગલાંથી વધુ ચાલવાથી સ્વાસ્થ્યમાં લાભકારક સુધારો જોવા મળે છે.