દરિયાપારના દર્દીઓમાં સારવારની પહેલી પસંદ બન્યું છે ગુજરાત

શ્રેષ્ઠ સંપત્તિ છે સદાબહાર સ્વાસ્થ્ય

- ડો. ભાવેશ પારેખ MD, DM (Onco) MBA Wednesday 10th January 2024 06:01 EST
 
 

ગુજરાત હવે મેડિકલ હબ બન્યું છે. ઘણી બધી મેડિકલ સેવાઓ માટે વિવિધ દેશો જેવા બ્રિટન અને અમેરિકા ઉપરાંત આફ્રિકાના કેન્યા, ઝિમ્બાબ્વે, ટાન્ઝાનિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝિલેન્ડ જેવા દેશોમાંથી ઘણાં દર્દીઓ તેમનાં સગાં-વ્હાલાંના લીધે અહીં આવે છે.

ક્યા પ્રકારની વિશેષ સારવાર માટે?

• કેન્સર • હૃદય • કિડની • સર્જરી • ઓર્થોપેડિક્સ • બાળકોનાં રોગો • ફેફસાં વગેરે...

મુખ્યત્વે ઉપર જણાવેલ વિવિધ શારીરિક રોગો માટે તેમજ ક્મ્પલીટ હેલ્થ ચેક–અપ (સંપૂર્ણ શારીરિક તપાસ) માટે પણ લોકો ગુજરાત પહોંચતા હોય છે.
ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ સેક્ટરે હરણફાળ ભરી છે તેના મૂળમાં એક નહીં અનેક કારણો જવાબદાર છે. જેમ કે,

• ઓછા સમયમાં ત્વરિત નિદાન અને સારવાર • ડોક્ટર્સની વિનાવિલંબે એપોઇન્ટમેન્ટ • સર્જિકલ ટાઇમ • આધુનિકતમ ટેક્નિકથી સજ્જ તબીબી સાધનો દ્વારા સારવાર • તાલીમબદ્ધ અને અનુભવી ભારતીય તબીબો દ્વારા ઉત્કૃષ્ટ સારવાર-સુશ્રુષા • એકદમ સસ્તા દરે સારવાર. વિકસિત દેશોમાં સારવાર પાછળ થતા ખર્ચની સરખામણીએ ભારતમાં પાંચમાથી દસમા ભાગના ખર્ચમાં સારવાર થઇ જાય છે. • ખિસ્સાને પરવડે તેવો પ્રવાસખર્ચ. અમેરિકામાં ડોક્ટરની ફી પાછળ જેટલા નાણાં ખર્ચવા પડે છે તેના કરતાં પણ ઓછા ખર્ચે દર્દી સારવાર માટે ભારત પહોંચી શકે છે. • આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર સ્વચ્છ અને સુઘડ હોસ્પિટલનું ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. • મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલથી લઇને ગવર્ન્મેન્ટ અને પ્રાઈવેટ હોસ્પિટલ્સની હારમાળા. • ફક્ત એલોપથી (મોર્ડન મેડિસીન) નહીં, પરંતુ યોગ, આયુર્વેદ, હોમિયોપથી, નેચરોપથી, રેકી વગેરે થેરપી દ્વારા પણ સારવાર ઉપલબ્ધ છે. દર વર્ષે 2.5 લાખ દર્દીઓ વિવિધ પ્રકારની સારવાર લેવા માટે ગુજરાત પહોંચે છે. વર્ષ 2022માં મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે 75 મિલિયન યુએસ ડોલરનું ટર્નઓવર નોંધાયું હતું, અને 2025 સુધીમાં આ આંકડો વધીને 120 મિલિયન યુએસ ડોલર સુધી પહોંચે તેવો પ્રાથમિક અંદાજ છે.
એક સિનિયર ઓન્કોલોજિસ્ટ તરીકે મારા ખુદના અનુભવની વાત કરું. ચોથા સ્ટેજના બ્રેસ્ટ કેન્સરથી પીડાતા એક દર્દીને આફ્રિકા - કેન્યાથી સારવાર માટે ગુજરાત લવાયા હતા. શા માટે? કેમ કે ત્યાં લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ PET – CTની સુવિધા નહોતી. દર્દીના અમદાવાદ - ગુજરાત પહોંચ્યાના ત્રણ-ચાર દિવસમાં જ બાયોપ્સી અને PET – સ્કેન સાથે નિદાન કરીને કેન્સર ક્યા તબક્કે પહોંચ્યું છે તે સ્ટેજ નક્કી કરાયું હતું. અને તરત જ સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આ સારવાર કદાચ દર્દીના દેશમાં (આફ્રિકામાં) અથવા લંડનમાં કરવામાં આવી હોત તો કદાચ 15થી 20 દિવસ થઇ ગયા હોત. જ્યારે આ કેસમાં દર્દી ત્રણ-ચાર મહિના અમદાવાદમાં રહીને સારવાર કરાવીને પાછા પોતાના દેશમાં પહોંચી ગયા હતા, અને ત્યાં ફોલોઅપ સારવાર ચાલુ રાખી હતી. આજે એ વાતને દોઢ-બે વર્ષ વીતી ગયા છે. અને દર્દી સંપૂર્ણપણે કેન્સરમુક્ત થઇ ગયા છે. ગુજરાતમાં ધમધમતા મેડિકલ ટુરિઝમ સેક્ટરનું આ ઉત્તમ ઉદાહરણ છે.
ટૂંકમાં કહીએ તો, રાષ્ટ્રીય સ્તરે ભારત અને રાજયોની વાત કરીએ તો, ગુજરાતમાં મેડિકલ ટુરિઝમના હબ તરીકે વિકસ્યા છે. આંકડાઓ પરથી આ વાતનું ઉદાહરણ મળી રહે છે. ફક્ત ગુજરાતી દર્દીઓ કે તેમના સગાંવ્હાલાં જ નહીં, પણ આફ્રિકન કે અમેરિકન કે દરિયાપારના અન્ય દેશના દર્દીઓ પણ સારવાર માટે ગુજરાત ભણી આશાભરી મીટ માંડી રહ્યા છે.
વાચક મિત્રો, આપને નવાઇ લાગશે કે વિદેશથી આવતાં જે દર્દીઓ અંગ્રેજી કે ગુજરાતી ભાષા બોલી શકતાં નથી તેમને દુભાષિયાની મદદથી તમામ બાબતે જાણકારી અપાય છે. હૃદય, કેન્સર, ઓર્થોપેડિક્સ જેવા દર્દોથી પીડાતા દર્દીઓ અહીં આવે છે અને એકદમ નજીવા દરે વિશ્વકક્ષાની ઉત્કૃષ્ટ સારવાર મેળવીને, નિરામય સ્વાસ્થ્ય હાંસલ કરીને સ્વદેશ રવાના થાય છે. આ તો થઇ કોઇને કોઇ દર્દથી પીડાતા અને સારવાર માટે ગુજરાત પહોંચેલા દર્દીઓની વાત. આ સિવાય પ્રવાસ-પર્યટને એટલે કે હરવાફરવા કે વેકેશન ગાળવા આવેલા કે સગાંસ્વજનને મળવા આવેલા કે લગ્નપ્રસંગમાં મ્હાલવા આવેલા લોકો પણ અહીંથી પરત જાય છે ત્યારે કમ્પલિટ હેલ્થ ચેકઅપ કરાવીને કર્મભૂમિ ભણી પ્રયાણ કરે છે. મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે આભને આંબતી સફળતા હાંસલ કરવા તબીબી સારવાર વિશ્વસનીય અને અસરકારક હોવી અનિવાર્ય છે. ગુજરાતે પણ આ જ માપદંડોનું નિષ્ઠાપૂર્વક જતન કરીને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે મોખરાનું સ્થાન મેળવ્યું છે.
(લેખક ગુજરાતના ટોચના કેન્સર નિષ્ણાત છે અને અમદાવાદસ્થિત મરિંગો સિમ્સ હોસ્પિટલમાં મેડિકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટના વડા તરીકે ફરજ બજાવે છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter