લંડનઃ લાંબા ગાળાના દુઃખાવાથી પીડાતા દર્દીઓને ફેમિલી ડોક્ટરોએ કંઈ પણ કરવાને બદલે નુક્સાનકારક અને બિનઉપયોગી ઓપીઓઈડ્સ આપવાનું બંધ કરવું જોઈએ તેમ વિશ્વના અગ્રણી નિષ્ણાતો પૈકી એક કેથી સ્ટેનાર્ડે જણાવ્યું હતું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુરોપિયન મેડિસિન્સ એજન્સીને સલાહ આપનારા કેથીએ ‘સન્ડે ટાઈમ્સ’ દ્વારા કરાયેલી તપાસ બાદ આ સલાહ આપી હતી. તપાસમાં અખબારને જણાયું હતું કે પેઈનકિલર્સના ઉપયોગમાં ભારે વધારો નોંધાયો હતો અને તેના વ્યસનીઓની સંખ્યા, ઓવરડોઝ અને લોકોના મૃત્યુમાં વધારો થયો હતો. ઓપીઓઈડ્સ પર રહેતા દસમાંથી આઠ લોકોને કશું યાદ ન રહેવું, વોમિટીંગ, અપચો, ચક્કર આવવા અને લત લાગવા સહિતની આડઅસરો થાય છે.