શું તમે જાણો છો કે ઓસ્ટિયોપોરોસિસ, હાઇપરટેન્શન, આર્થરાઇટિસ, હાઇપોથાઇરોઇડ, હાઈ કોલેસ્ટરોલ અને હૃદયરોગ માટે દિવસમાં અમુક ચોક્કસ સમયે મેડિસિન લેવાથી એ શરીરમાં સારી રીતે શોષાય છે અને વધુ અસરકારક નીવડે છે?
તાવ આવે, પેટનો દુખાવો થાય કે અન્ય કોઈ એક્યુટ બીમારી હોય ત્યારે મોટા ભાગે જીપી જ આપણને લખી આપે છે કે કઈ ગોળી ક્યારે અને કેવી રીતે લેવાની છે. જોકે ઓસ્ટિયોપોરોસિસ, હાઈ બ્લડપ્રેશર, હાર્ટ ડિસીસ, હાઈ કોલેસ્ટરોલ જેવા કેટલાક રોગોમાં રોજિંદા ધોરણે દવાઓ લેવાનું અનિવાર્ય થઈ પડ્યું છે. આવા સમયે દવાઓ દિવસના કયા સમયે લેવામાં આવે તો એ સૌથી વધુ અસરકારક રહે એ બાબતે વૈજ્ઞાનિકોએ જાતભાતના સંશોધનો કર્યા છે. કયા રોગમાં કયા સમયે દવા લેવી વધુ અસરકારક છે એ અહીં રજૂ કર્યું છે.
• હાઈ બ્લડપ્રેશર
સ્પેનિશ સંશોધકોએ પાંચ વરસ સુધી હાર્ટઅટેક અને સ્ટ્રોકના દર્દીઓનો અભ્યાસ કરીને તારવ્યું છે કે સવારે ઊઠીને બ્લડપ્રેશર માટેની ગોળી લેવાને બદલે રાતના સમયે દવા લેવામાં આવે તો એનાથી હાઇપરટેન્શન પર સારો કન્ટ્રોલ રહે છે. રાતના સૂતી વખતે બ્લડપ્રેશર નોર્મલ રહે એ હૃદયની તંદુરસ્તી માટે વધુ અગત્યનું હોવાનું યુનિવર્સિટી ઓફ વિગોના રિસર્ચરોનું કહેવું છે. રાતના સમયે બ્લડપ્રેશરની ગોળીઓ લેવાથી છાતીનો દુખાવો, સ્ટ્રોક અને હાર્ટઅટેકનું જોખમ ૩૩ ટકા જેટલું ઓછું થયાનું નોંધાયું છે.
• આર્થરાઇટિસ
ઓસ્ટિયો-આર્થરાઇટિસના દરદીઓની પીડા બપોરના સમયે સૌથી વધુ વકરે છે એવું ટેક્સાસ ટેક્નિકલ યુનિવર્સિટીના અભ્યાસનું તારણ જણાવે છે. જો આની પીડા માટે બ્રુફેન જેવી સ્ટેરોઇડ વિનાની એન્ટિ-ઇન્ફ્લેમેટરી દવા લેવાની હોય તો એ મિડ-આફ્ટરનૂનમાં લેવી બહેતર રહે છે. રૂમેટોઇડ આર્થરાઇટિસના દરદીઓની પીડા વહેલી સવારે ઊઠતી વખતે સૌથી વધારે હોય છે અને આથી આ માટેની દવાઓ રાતે જમ્યા પછી તરત જ લઈ લેવી જોઈએ. આમ કરવાથી રાત્રે સૂતી વખતે અને ઊઠ્યા પછી તરત જ અંગોનું અક્કડપણું ઓછું થાય છે.
• ઓસ્ટિયોપોરોસિસ
હાડકાં નબળાં પડતાં અટકાવવા માટે bisphosphate નામની ડ્રગ ખૂબ કોમનલી વપરાય છે. કેટલાક લોકો કેલ્શિયમ અને વિટામિન ડીનાં સપ્લિમેન્ટ્સ પણ લે છે. જોકે મોટા ભાગે આ દવાઓ શરીરમાં પૂરતી શોષાતી જ નથી. આ દવાઓ બરાબર શોષાય એ માટે સવારે ઊઠીને ભૂખ્યા પેટે સૌથી પહેલી આ દવાઓ લેવી જોઈએ એવું અમેરિકાની નેશનલ ઓસ્ટિયોપોરોસિસ સોસાયટીના તજજ્ઞોનું કહેવું છે. આ દવા લીધા પછી એકાદ કલાક સુધી પાણી સિવાય બીજું કંઈ જ ખાવું-પીવું ન જોઈએ.
• હાઈ કોલેસ્ટરોલ
અત્યાર સુધી કોલેસ્ટરોલ ઘટાડવા માટેની દવાઓ સવારે ઊઠીને સૌથી પહેલાં લેવાનું કહેવામાં આવતું હતું, પરંતુ યુનિવર્સિટી ઓફ સન્ડરલેન્ડના રિસર્ચરોએ કરેલા અભ્યાસના આધારે આ દવાઓ રાત્રે સૂતાં પહેલાં લેવાનું કહેવાયું છે. તબીબી નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે આપણે સૂઈ જતાં હોઈએ છીએ ત્યારે જ શરીરમાં કોલેસ્ટરોલ બનવાનું કામ થાય છે. જો કોલેસ્ટરોલ ઘટાડતી સ્ટેટિન જેવી ડ્રગ રાતના સમયે લેવામાં આવે તો કોલેસ્ટરોલ તો ઘટે જ છે, પણ નવો કોલેસ્ટરોલ બનવાની પ્રક્રિયા પણ ખોરવાય છે.
• હાઇપોથાઇરોઇડ
થાઇરોઇડ ગ્રંથિ ઓછી કામ કરતી હોવાને કારણે લગભગ દસ લાખથી વધુ લોકો રોજ સિન્થેટિક થાઇરોક્સિન નામના ટી૪ હોમોર્ન્સનાં સપ્લિમેન્ટ્સ લે છે. આ ટી૪ હોમોર્ન્સથી શરીરમાં ટી૩ હોમોર્ન્સ પેદા થાય છે અને ટી૩ હોમોર્ન્સ શરીરની ક્રિયાઓનું અસરકારક નિયંત્રણ કરે છે. જોકે ટી૪માંથી ટી૩ હોમોર્ન્સ પેદા થવાની પ્રક્રિયા અત્યાર સુધી માનવામાં આવતી હતી એના કરતાં લાંબી હોવાનું ડચ વૈજ્ઞાનિકોનું માનવું છે. અત્યાર સુધી રોજ સવારે ઊઠીને ભૂખ્યા પેટે હોમોર્ન્સની ગોળી લેવાનું કહેવાયું છે, પરંતુ ડચ રિસર્ચરોનું કહેવું છે કે રાતના સમયે આ હોમોર્ન્સ લેવામાં આવે તો આંતરડાંની ત્વચામાંથી ખૂબ ધીમે-ધીમે વધુ સારું શોષણ થઈ શકે છે. રોજ એક જ સમયે ગોળી લેવામાં આવે એ ખૂબ જ અગત્યનું છે. એટલું જ નહીં, દવાનું યોગ્ય શોષણ થાય એ માટે એ લીધા પછી બે કલાક સુધી કેલ્શિયમ-આયર્ન સપ્લિમેન્ટ્સ, હાઈ ફાઇબર ફૂડ, ડિપ્રેશન કે એસિડિટી માટેની દવાઓ ન લેવી.
• હાર્ટ મેડિકેશન
અત્યાર સુધી ઘણાં સંશોધનો કહે છે કે વહેલી સવારે હાર્ટઅટૅકની સંભાવના ત્રણ ગણી વધારે હોય છે, પણ એવું કેમ થાય છે એ હજી સુધી સ્પષ્ટ નહોતું. ઓહાયોની કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના રિસર્ચરોએ શોધી કાઢ્યું છે કે હાર્ટની રિધમ જાળવવા માટે જરૂરી પ્રોટીન ૨૪ કલાકની સાઇકલ મુજબ વધઘટ થાય છે. હૃદયની ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ સવારે છથી બપોર સુધીના ગાળામાં સૌથી ધીમી હોય છે. આથી આ સમયગાળામાં હાર્ટ રિધમ બગડવાની અને અટેક આવવાની શક્યતાઓ વધે છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હાર્ટ પેશન્ટ પથારીમાંથી ઊઠીને નીચે પગ મૂકે એ પહેલાં જ હૃદય માટેની દવાઓ લેવી જોઈએ. દવા લીધાની ૧૫ મિનિટ પછી જ પથારીમાંથી ઊઠવું જોઈએ.