દવાનો કોર્સ અચૂક પૂરો કરો

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 17th June 2015 08:21 EDT
 
 

આજે ભલે તમને ફાર્મસી સ્ટોરમાં જાતભાતના રોગની દવાઓ મળી રહેતી હોય, પણ એક સમય એવો પણ હતો જ્યારે બેકટેરિયા, વાઇરસ અને જીવજંતુજન્ય રોગોનો મોર્ડન મેડિસિન પાસે કોઈ ઉકેલ નહોતો. છેક ૧૯૪૦માં એન્ટિમાઇક્રોબાયલ ડ્રગ્સની અસરકારકતા સાબિત થઈ. આ પૂર્વે ટીબી, મેલેરિયા અને કોલેરા જેવા જંતુજન્ય રોગો બેકાબુ ગણાતા હતા. જોકે આજે દસકાઓ પછી ફરીથી એવી સ્થિત આવીને ઊભી થઈ છે કે જેમાં આ રોગો ફરી બેકાબૂ થવા તરફ જઈ રહ્યા છે. નિષ્ણાતો તો ત્યાં સુધી માને છે કે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો શોધાયેલી દવાઓ નકામી નીવડે એવો ખતરો સર્જાશે.

બેક્ટેરિયા, ફંગસ, પેરેસાઇટ્સ, વાઇરસને કારણે ફેલાતા ચેપી રોગોને નાથવા માટે જે દવાઓ શોધવામાં આવી છે એને એન્ટિમાઇક્રોબાયલ ડ્રગસ કહે છે. ડાયેરિયા, કોલેરા, કમળો, ડેન્ગી, મેલેરિયાથી માંડીને ટીબી જેવા રાજરોગને નાથવા માટેની દવાઓ શોધાઈ છે.

છેલ્લા કેટલાક વખતથી એન્ટિમાઇક્રોબાયલ દવાઓએ ચેપી રોગો પર સારું એવું નિયંત્રણ મેળવ્યું હતું, પરંતુ આ દવાઓની અસરકારતા ઘટતી ચાલી છે. આથી જ જે દવાઓથી પહેલાં આસાનીથી વાઇરસ, બેક્ટેરિયા, પેરેસાઇટ્સ અને ફંગસ પર નિયંત્રણ મળતું હતું એ હવે અઘરું બની રહ્યું છે. આ માટેના કારણો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નીચે મુજબ તારવ્યાં છે.

દવાઓનો દુરુપયોગઃ જે-તે રોગોને નાથવા માટે શોધાયલી દવાઓનો કેટલીક જગ્યાએ ઓવરયુઝ એટલે કે વધુ પડતો ઉપયોગ થવાને કારણે બેક્ટેરિયા અને વાઇરસનો આ દવાઓ વિરુદ્ધ રેઝિસ્ટન્સ પાવર વધતો ચાલ્યો છે. કેટલાક કેસમાં અન્ડરયુઝ એટલે કે જરૂરી માત્રા કરતાં ઓછી દવાઓ આપવાનું કારણભૂત બન્યું છે. દાખલા તરીકે ટીબીમાં છ મહિનાનો એન્ટિબાયોટિક્સનો કોર્સ કરવાનો હોય છે, પરંતુ લોકો ટીબીનાં લક્ષણો દેખાતા બંધ થઇ જાય એટલે દવાઓ લેવાનું બંધ કરી દે છે. આને કારણે ટીબીના બેક્ટેરિયા પૂરેપૂરી રીતે શરીરમાંથી ખતમ નથી થતા. એટલું જ નહીં, પહેલાં જે દવાઓ લીધી હતી એની સામે ટકી ગયેલા બેક્ટેરિયા પર બીજી વાર જ્યારે એ જ દવાઓ લેવામાં આવે ત્યારે એની અસરકારકતા ઘટી જાય છે.

દવાની નબળી ગુણવત્તાઃ સસ્તી દવાઓના નામે કેટલીક દવાઓ ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમમાંથી ઊણી ઊતરી હોવા છતાં ધૂમ વેચાય છે. આ દવાઓ યોગ્ય કોન્સન્ટ્રેશનવાળી ન હોવાને કારણે સંપૂર્ણપણે સૂક્ષ્મ જીવોનો નાશ કરતી હતી.

ચેપી પ્રાણીઓની અપૂરતી સારવારઃ પ્રાણીઓમાં સૂક્ષ્મ જંતુઓના વિવિધ ચેપી રોગોની યોગ્ય સારવાર ન થતાં એમાં એન્ટિમાઇક્રોઓર્ગેનિઝમ રેઝિસ્ટન્સ બિલ્ડ થાય છે. એવો ચેપ પાલતું પ્રાણીઓથી માણસમાં ફેલાય છે. આ દવાઓની યોગ્ય અસર નથી થતી.

આપણા હાથમાં શું?

સૌથી પહેલાં તો જે ચેપી રોગના પ્રિવેન્શન માટેની રસીઓ ઉપલબ્ધ હોય એ સમયસર લેવી જોઇએ. એ છતાં ધારો કે તમને એ ઇન્ફેકશન લાગે તો તેની અવગણના કરવાને બદલે તરત જ એની સારવાર કરવી.

ડોક્ટરો જે દવા લખી આપે એ જ દવા એટલા જ ડોઝમાં લેવી. ડોક્ટરે આપેલી ગાઇડલાઇન્સને ચુસ્તપણે અનુસરવી. યાદ રાખવું કે અડધીપડધી ટ્રીટમેન્ટ એ સારવાર ન કર્યા બરાબર છે. સસ્તી દવાને બદલે સારી કંપનીની અને ક્વોલિટીવાળી દવાઓનો ઉપયોગ કરવો.

સ્વચ્છતા જાળવવી, મચ્છરોનો ઉપદ્રવ નાથવો અને ચેપી રોગ ધરાવતા રોગીઓના નિકટના સંસર્ગમાં આવવાનું ટાળવું. ઘરમાં ચેપી રોગનો કોઇ દર્દી હોય તો તેની પૂરી સારવાર થાય અને રોગ જડમૂળમાંથી નીકળી ગયો છે કે નહીં એની ખાતરી માટે ડોક્ટરને કન્સલ્ટ કરીને જરૂરી પરીક્ષણો કરાવ્યા પછી જ દવાઓ બંધ કરવી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter