લંડનઃ સામાન્ય રીતે દસ વર્ષનું બાળક ૧૮ની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં ૧૩૮ કિલો સુગર ખાય છે. જોકે, નવા અભ્યાસ મુજબ હવે તો બાળક ૧૦ વર્ષનું થાય ત્યાં સુધીમાં આટલી સુગર તેણે ખાઈ લીધી હોય છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા જણાવાયું હતું કે ૧૦-૧૧ વર્ષના બાળકોમાં હાલ ભારે સ્થૂળતાનું પ્રમાણ સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું હોવાથી ‘ધ ચેન્જ4 લાઈફ’ અભિયાન હાથ ધરાયું છે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા જણાવાયું હતું કે તેના ધોરણ મુજબ બાળક દરરોજ વધારાના આઠ સુગર ક્યુબ અથવા તો વર્ષે ૨,૮૦૦ સુગર ક્યુબ ખાય છે. નેશનલ ગાઈડન્સ મુજબ ચારથી દસ વર્ષના બાળકને પાંચ અથવા છ સુગર ક્યુબ (૨૦થી ૨૪ ગ્રામ)થી વધુ સુગર ન આપવાની ભલામણ છે. પરંતુ, PHEના નેશનલ ડાયટ એન્ડ ન્યૂટ્રિશીયન સર્વે મુજબ બે વર્ષનું બાળક સુગર લેતું થાય ત્યારથી તેને આધાર ગણીએ તો બાળકો દરરોજ સરેરાશ ૫૨.૨ ગ્રામ સુગર લે છે.
બાળકો ઓછી સુગર લે તે માટેના સૂચનો PHE વાલીઓને આપવા માગતું હોવાથી ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં લોકોની ખાવાની ટેવો વિશે આ માહિતી એકત્ર કરાઈ હતી.
‘ધ ચેન્જ4 લાઈફ’ કેમ્પેઈન વાલીઓને શોપિંગની પદ્ધતિ બદલવા પ્રોત્સાહિત કરે છે. અલગ યોગર્ટ, ડ્રિંક્સ અને સીરિયલ્સની પસંદગી કરવાથી બાળકો દ્વારા સુગર લેવાનું પ્રમાણ અડધું ઘટી જશે તેમ PHE નું માનવું છે. બાળકો ખૂબ વધુ પ્રમાણમાં સુગર ખાય છે. પરંતુ, હવે વાલીઓ તેમને તેમ કરતાં અટકાવી શકશે. ઓછી સુગરનો વિકલ્પ પસંદ કરવાથી બાળકોના આહારમાંથી વર્ષે ૨,૫૦૦ સુગર ક્યુબ ઘટી જશે