ન્યૂ યોર્કઃ અત્યાર સુધી આપણે લોકો દાંતને માત્ર મોઢાના સ્વાસ્થ્ય સાથે જ સંકળાયેલા માનતા હતા, પણ તાજેતરમાં સંશોધકોએ કંઈક નવી જ બાબત શોધી છે. મનુષ્યના દાંતોનું કનેક્શન યાદશક્તિ સાથે પણ જોડાયેલું છે. અમેરિકન સંશોધકોના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે વ્યક્તિના દાંત વહેલા પડવાનું શરૂ થઈ જાય છે તેમનામાં ડિમેન્શિયા થવાનું જોખમ વધી જાય છે. ડિમેન્શિયા એટલે એવી બીમારી કે જેમાં માણસની યાદશક્તિ ઓછી થવા લાગે છે.
આ રિસર્ચ કરનાર ન્યૂ યોર્ક યુનિર્વિસટીના નિષ્ણાતોનું માનવું છે કે દાંત પડવાથી વ્યક્તિની યાદશક્તિ અને વિચારવા અને સમજવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે. એક-એક દાંત પડવાની સાથે સાથે જોખમ પણ વધતું જાય છે. દાંત અને યાદશક્તિ વચ્ચેના આ કનેક્શનનું શું કારણ છે એ તો જાણવા મળ્યું નથી, પરંતુ બંને વચ્ચે સબંધ જરૂર છે, એમ તેમનું કહેવું છે. જેમ દાંત તૂટવાથી વ્યક્તિને ખોરાક ચાવવામાં તકલીફ થાય છે. ખોરાક ઠીકથી ના ચાવી શકવાથી શરીરને મળતા પોષક તત્ત્વોમાં ઘટાડો થાય છે એ જ રીતે પેઢાંની બીમારી અને ઘટતી યાદશક્તિ વચ્ચે કોઈ સબંધ હોઈ શકે છે આથી ઓરલ હેલ્થનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે.
આ સંશોધન દરમિયાન ૩૦,૦૭૬ લોકો પર ૧૪ રિસર્ચ કરવામાં આવ્યા હતા. આમાં ૪,૬૮૯ એવા લોકો પણ સામેલ હતા, જેઓની વિચારવાની અને સમજવાની ક્ષમતા ઘણી ઘટી ગઈ હતી. આ સિવાય જેના દાંત વધારે તૂટયા તેનામાં અલ્ઝાઇમર્સનું જોખમ ૧.૪૮ ટકા વધી ગયું હતું જ્યારે ડિમેન્શિયા થવાની શક્યતા ૧.૨૮ ટકા વધારે હતી.