દાંતનું જતન કરવા માટે, તેને સ્વસ્થ રાખવા માટે પહેલાં તો એ જાણવું જરૂરી છે કે દાંતોને નુકસાન કેવી રીતે પહોંચે છે. અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીના પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ અને માઈક્રોબાયોલોજિસ્ટ ડો. એ. ડી. એગુઈર કહે કે આપણા મોઢામાં 700 પ્રકારના બેક્ટેરિયા હોય છે. જેમાંથી નુકસાનકારક બેક્ટેરિયા ભોજનમાંથી શર્કરાને અલગ પાડીને તેને એસિડમાં તબદીલ કરે છે, અને આ એસિડ દાંતમાંથી જરૂરી મિનરલ્સને દૂર કરે છે. પરિણામે દાંતમાં કેવિટી થવા લાગે છે. જો દાંતની યોગ્ય સફાઈ કરવામાં ન આવે તો બેક્ટેરિયા દાંતો પર પ્લાક એકઠું કરવા લાગે છે. ત્યાર પછી એસિડ બનવાની પ્રક્રિયા ઝડપી બને છે, જે છેવટે દાંત માટે નુકસાનકારક સાબિત થાય છે. તો આનાથી બચવા શું કરવું જોઇએ? ડેન્ટલ એક્સપર્ટ્સ કહે છે કે વિજ્ઞાન આધારિત આ ટેવો અપનાવીને તમે દાંતોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો છો.
• વારંવાર ખાવા-પીવાનું ટાળોઃ મોઢાની લાળમાં બાયકાર્બોનેટ હોય છે, જે મોઢાના એસિડની અસર સમાપ્ત કરે છે જેથી દાંતને નુકસાન થતું અટકે છે. આપણે એક વખત ખાધા કે પીધા પછી દાંતોનું સુરક્ષા પડ બનાવવામાં લાળને 20થી 30 મિનિટનો સમય લાગતો હોય છે. આ સ્થિતીમાં વારંવાર ખાવા કે પીવાથી લાળ બનવાની પ્રક્રિયા ધીમી પડશે અને પરિણામે સુરક્ષા પડ નબળું પડે છે.
• ગળ્યો પદાર્થ ભોજન સાથે જમોઃ જો તમે કંઇ પણ ગળ્યું ખાવા કે પીવા માગો છો તો શક્ય હોય ત્યાં સુધી તેને ભોજનના સમયે લો કેમ કે ભોજન પછી પીવામાં આવેતું પાણી મોંમાં રહેલા ખાંડના કણોને ઘણા અંશે દૂર કરી નાખે છે. તેનાથી દાંતોને ઓછું નુકસાન પહોંચે છે.
• આલ્કોહોલનું સેવન પણ નુકસાનકારકઃ આલ્કોહોલના વધુ પડતા સેવનથી મોઢામાં લાળ બનવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે. પૂરતી લાળના અભાવે દાંતોમાં ચોંટેલા ભોજનના ટૂકડાને સાફ કરવાનું શરીર માટે કપરું બની જાય છે.
• શુગર ફ્રી ચ્યુઈંગમ ચાવોઃ શુગર ફ્રી ચ્યુઈંગમમાં ઝાઈલિટોલ હોય છે, જે મોઢામાં એસિડના ઉત્પાદનને ઘટાડે છે. આ ચ્યુઈંગગમને ચાવવાથી મોઢામાં લાળનું પ્રમાણ વધે છે. સાથોસાથ તે ભોજન પછી ગળપણનું ક્રેવિંગ પણ ઘટાડે છે.
• ખાંડ વગરની બ્લેક અને ગ્રીન ટી પીઓઃ બ્લેક અને ગ્રીન ટી પણ દાંતો માટે ફાયદાકારક છે, પરંતુ ખાંડ વગરની. દૂધ અને ખાંડ વગરની ચામાં ફ્લોરાઈડ અને ઉચ્ચ પીએચ જોવા મળે છે. આ બંને પદાર્થ દાંતને થતાં નુકસાનથી બચાવે છે.