દિમાગને ચુસ્ત રાખવામાં ઉપયોગી 9 ટેવ

Wednesday 02nd August 2023 06:46 EDT
 
 

શરીરને મન જ નિયંત્રિત કરે છે. તે શારીરિક પ્રવૃત્તિ માટે જરૂરી યાદશક્તિ, લાગણી, સ્પર્શ, દૃષ્ટિ, શ્વસન સહિતની દરેક પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. જોકે તાજેતરના સમયમાં મગજને લગતી વિકૃતિઓમાં તીવ્ર વધારો થયો છે. ભાગદોડભરી જિંદગીના કારણે બગડી રહેલી લાઇફસ્ટાઇલ ઉપરાંત નશો, શરાબનું સેવન અને ધૂમ્રપાનને કારણે ઘણી આડઅસર થાય છે. લાન્સેટ ગ્લોબલ હેલ્થના એક રિપોર્ટ મુજબ, સ્વાસ્થ્ય સમસ્યાઓમાં નોન-કમ્યુનિકેબલ અને ઈજા-સંબંધિત ન્યુરોલોજિકલ સમસ્યાઓમાં છેલ્લા ત્રણ દસકામાં બમણો વધારો થયો છે. આમાં સ્ટ્રોક, માથાનો દુખાવો, વાઈ, મગજનો લકવો, અલ્ઝાઈમરથી લઈને મગજ અને નર્વ્સ સિસ્ટમના કેન્સર અને મગજ અને કરોડરજ્જુની ઇજાઓનો સમાવેશ થાય છે.

• મગજની કસરતઃ કોયડાઓ ઉકેલવા, તર્કના પ્રશ્નો ઉકેલવા, કાલ્પનિક નવલકથાઓ વાંચવી વગેરે બધું મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે. મગજને આ રીતે સક્રિય કરીને, ચેતાકોષો વચ્ચે નવા જોડાણો સ્થાપિત થાય છે. આ મગજને નવા કોષો બનાવવામાં મદદ કરે છે.
• સંતુલિત બીપીઃ સંશોધન દર્શાવે છે કે યુવાનીમાં હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત હતા એવા લોકોને વૃદ્ધાવસ્થામાં યાદશક્તિ અને માનસિક સમસ્યાઓથી સંબંધિત રોગો વધુ જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં સંતુલિત વજન, સ્મોકિંગ અને આલ્કોહોલથી અંતર અને નિયમિત કસરત દ્વારા બ્લડપ્રેશરને સંતુલિત રાખો.
• પૂરતી ઊંઘઃ ઊંઘની શારીરિક અને માનસિક ક્ષમતા ૫૨ સીધી અને તાત્કાલિક અસર પડે છે. સ્લીપ ફાઉન્ડેશન અનુસાર, એક રાતની અપૂરતી ઊંઘ પણ સુસ્તી તરફ દોરી શકે છે. કોઇ પણ બાબત પ્રત્યે ધ્યાન આપવાની, શીખવાની અને માહિતી પર પ્રક્રિયા કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે.
• મસ્તિષ્કનું રક્ષણઃ હાર્વર્ડ અનુસાર માથામાં મધ્યમથી ગંભી૨ ઈજા મગજના કાર્યને અસર કરી શકે છે. આથી માથાના રક્ષણ માટે પૂરતી કાળજી લો. ભારતમાં દર વર્ષે 2 લાખ લોકો માથામાં ઈજાના કારણે મૃત્યુ પામે છે જ્યારે 10 લાખ લોકોને માથામાં ઈજા થાય છે. આવી સ્થિતિમાં ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરો.
• પોષક આહાર: હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર મેડિટેરિયન ડાયેટ કે જેમાં વધુ પ્રમાણમાં ફળો, શાકભાજી, બદામ, ઓલિવ તેલ અને છોડ આધારિત પ્રોટીન (પ્લાન્ટ બંધ પ્રોટિન)નો મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે. પોષણયુક્ત આહાર ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને ઉન્માદનું જોખમ ઘટાડે છે. મગજની ક્ષમતા પણ વધે છે.
• કોલેસ્ટ્રોલ ઘટાડવું: શરીરમાં એલડીએલ (ખરાબ કોલેસ્ટ્રોલ)ની વધુ માત્રા ડિમેન્શિયાનું જોખમ વધારે છે. દૈનિક આહારમાં લગભગ 150 ગ્રામ આખા અનાજ, કઠોળ અને ફળોનો અચૂક સમાવેશ કરો. રેડ મીટ અને પ્રોસેસ્ડ ડેરી ઉત્પાદનોથી દૂર રહો.
• ધ્યાન ધરોઃ નિયમિત ધ્યાન ધરવાથી મગજની ક્ષમતા વધે છે. આંખો બંધ રાખીને બેસો, એકદમ હળવા થઇ જાવ. શ્વાસોચ્છશ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરો. જોકે સૌથી સહેલો રસ્તો એ છે કે નાનામાં નાની વસ્તુ, વનસ્પતિને ગમેત્યારે 60 સેકન્ડ માટે જોવાનો પ્રયાસ કરવો. આગામી 60 સેકન્ડ માટે સંભળાઈ રહેલા અવાજો સાંભળો. એક મિનિટ માટે હાથ-પગથી વસ્તુઓ અનુભવો. આ પણ એક જાતનું ધ્યાન જ છે.
• સામાજિક સંપર્કઃ આસપાસના અને સમાજના લોકો સાથે સારા સંબંધો રાખવાથી સુખ અને શાંતિ મળે છે. તેનાથી તણાવ ઓછો થાય છે. બ્લડ પ્રેશર પણ ઓછું થાય છે. એકલતા મગજને એટલું નુકસાન પહોંચાડે છે જેટલું દિવસમાં 15 સિગારેટ પીવાથી થાય છે.
• નિયમિત કસરતઃ શારીરિક કસરતની મગજ પર પણ અસર પડે છે. નિયમિત કસરત મગજના વિચારો માટે જવાબદાર એવા ભાગમાં ઓક્સિજનયુક્ત ૨ક્તવહન કરતા કોષોની સંખ્યામાં વધારો કરે છે. નિયમિત કસરત કરવાથી મગજની ક્ષમતા વધે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter