દિમાગને સતત રાખો સક્રિય

Wednesday 12th April 2023 08:44 EDT
 
 

ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે કે નવરો બેઠો નખ્ખોદ વાળે. તો હિન્દીમાં કહેવાય છે કે ખાલી દિમાગ શૈતાન કા ઘર. ભાષા કોઇ પણ હોય નવરું પડેલું દિમાગ કમઠાણ સર્જતું હોય છે એ તો હકીકત છે. કામધંધામાં વ્યસ્ત રહેતા લોકોને તો આ સમસ્યા બહુ કનડતી નથી, પણ ભારે દોડધામભરી જિંદગી જીવ્યા પછી નિવૃત્ત થયેલા ભરપૂર ફાજલ સમય જ ક્યારેક સમસ્યારૂપ બની જતો હોય છે. નિવૃત્તિનું જીવન પસાર કરતા વડીલો આ સમય દરમિયાન વિચારવા જેવું તો વિચારતા જ હશે, પણ ક્યારેક ન વિચારવાનું પણ વિચારીને મગજને ખરાબ કરતા હોય છે. ખોટા વિચારોને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર તો માઠી અસર પડે જ છે પણ તેમના શારીરિક સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડતી હોય છે. આ કારણે જ જીવનમાં હંમેશા એવી બાબતો અંગે જ વિચારવું જેનાથી તમને કંઈક ફાયદો થાય અથવા એ તમારા કામની હોય. કારણ વગરની વાતો વિચારીને મગજ તો બગડશે અને સાથે સાથે પારિવારિક અને મિત્રતાપૂર્ણ સંબંધો પર પણ તેની માઠી અસર પડે છે. આવું ના થાય તે માટે આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખો. જેમ કે,
• ખોટા વિચારોને અટકાવોઃ સંતાનો અથવા પરિવારના અન્ય સભ્યો સાથે મનદુઃખ ન રાખો. મન મોટું રાખતાં શીખો. જો કોઈ બાબતે બોલવા-ચાલવાનું થયું હોય તો થોડી વારમાં જ બધું ભૂલીને સમાધાન કરી પરસ્પર સ્નેહનો સંબંધ રાખો. જો તમે મનમાં વેરની ભાવના રાખશો તો તમને સતત નેગેટિવ વિચારો આવશે અને જાતને એકલા અનુભવશો. પરિણામે માનસિક રીતે તમે અસ્વસ્થતા અનુભવશો અને માનસિક બીમારીઓનો ભોગ બનશો. માનસિક રીતે અસ્વસ્થતાની અસર તમારા શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડશે. આથી હંમેશાં દિલદાર બની લેટ-ગોની ભાવના રાખવી. પરિવારના સભ્યો કે મિત્રો સાથે થયેલા અણબનાવને મનમાં ન રાખતા તેનું કારણ સમજવાનો પ્રયત્ન કરો અને જો તમને તમારી ભૂલ લાગે તો ભૂલ સ્વીકારીને માફી માગવાની મોટપ રાખવાથી પણ સંબંધોની મધુરતા જળવાઈ રહે છે. આ ઉપરાંત એકલા બેઠા હોય અને તમને કોઈ નેગેટિવ વિચારો આવે તો તરત જ માનસિક રીતે ફ્રેશ થઈને જીવનની સારી બાબતોને યાદ કરો અને નેગેટિવિટીને ત્યાં જ અટકાવી દો.
• મગજને રાખો કાર્યરતઃ જો તમે નેગેટિવ વિચારોથી દૂર રહેવા માગતા હોવ તો મગજને હંમેશા એક્ટિવ રાખો. તેનાથી મગજ નવરું પડશે નહીં અને તમને ખોટા વિચારો આવશે નહીં. વ્યસ્ત રહેવા માટે તમે સંતાનોને ઘરકામમાં નાની નાની મદદ કરી શકો છો. મિત્રો સાથે હેલ્ધી ગોસિપ કરી શકો છો, કોઈ મનગમતી પ્રવૃતિમાં જોડાઈ શકો છો અથવા પૌત્ર-પૌત્રી સાથે બેસીને તેમને વાર્તા કહી શકો છો કે રમતો રમીને આનંદ માણી શકો છો. આ બધી પ્રવૃત્તિથી તમારું મગજ તો કાર્યરત રહેશે જ સાથે સાથે જ તમારી બૌદ્ધિક ક્ષમતાનો પણ વિકાસ થશે. આમ તમે ઘડપણમાં પણ હેલ્ધી લાઈફનો આનંદ માણી શકશો. આ ઉપરાંત પરિવાર અને મિત્રો સાથે સમય ફાળવવાથી પરસ્પર પ્રેમભાવ પણ જળવાઈ રહે છે.
• ઘરની સમસ્યાને ઘરમાં જ રાખોઃ ક્યારેય કોઈની વાતોમાં આવવું નહીં અને વાતોમાં આવીને ખોટા નિર્ણયો લેવા નહીં. ક્યારેક ક્યારેક વડીલો ઘરની સમસ્યાને મિત્રો વચ્ચે શેર કરીને તેને ગોસિપનો ટોપિક બનાવે છે, પણ આવું ન કરતાં ઘરની વાતોને ઘર પૂરતી જ સીમિત રાખવી. ઘરની સમસ્યાઓને ચાર જણાં વચ્ચે કહેવા કરતાં પરિવારના સભ્યો સાથે બેસી તેની ચર્ચા કરવી. આમ કરતાં તમારી સમસ્યાનું નિરાકરણ પણ આવી જશે અને વાત ઘરમાં જ રહેશે. તમને પણ કોઈ સમસ્યા હોય તો તે પરિવાર સાથે શેર કરશો તો તેનો પણ ઉકેલ મળી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter