વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (ડબલ્યુએચઓ)ના મતે મૃત્યુના સૌથી મોટા કારણોમાંનું એક હૃદયરોગ છે, અને તેમાં પણ ભારતમાં હૃદયરોગના કારણે જે મૃત્યુ થાય છે તેમાંથી 85 ટકા હાર્ટ એટેક તથા સ્ટ્રોકને કારણે થાય છે. તાજેતરમાં મેડિકલ પ્રોફેસનલ્સ દ્વારા પ્રકાશિત રિસર્ચના તારણ અનુસાર, ભારતમાં 50 વર્ષથી નાની વયની લગભગ 75 ટકા વસતીને કાર્ડિયાક એરેસ્ટ અથવા હૃદય સંબંધિત સમસ્યા હોવાની આશંકા છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના અનુસાર મહત્ત્વની વાત એ છે કે, હૃદય સંબંધિત રોગ અને સ્ટ્રોકના 80 ટકા કેસને અટકાવી શકાય છે. જેમાં તણાવ ઘટાડવો અને નિયમિત દિનચર્યા સૌથી મહત્ત્વની બાબત છે. દેશની સાથે દુનિયાભરમાં વધી રહેલા હૃદયરોગના કેસને કારણે ભ્રમ પણ વધી રહ્યો છે. તો આવો આ ભ્રમ અને વાસ્તવિક્તા અંગે જાણીએ.
હૃદય રોગથી બચવા માટે આ ૫ ભ્રમ પણ દૂર કરો
• હૃદય રોગ માત્ર પુરુષોને જ થાય છે
(ના, 50ની વય પછી મહિલા અને પુરુષોને સમાન જોખમ)
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના મતે, જેમ-જેમ ઉંમર વધે છે તેમ તેમ મહિલાઓમાં પણ હૃદયરોગનું જોખમ વધે છે. આવું મહિલાઓમાં જોવા મળતા એસ્ટ્રોજન હોર્મોનને કારણે થાય છે. તે મહિલાઓના હૃદયને સુરક્ષા પ્રદાન કરે છે, મેનોપોઝ દરમિયાન તેનું પ્રમાણ ઘટી જાય છે. ત્યાર પછી બંનેમાં હૃદય રોગનું જોખમ લગભગ સમાન થઈ જાય છે.
• પાતળા લોકોને જોખમ હોતું નથી
(હૃદય રોગનો સંબંધ વજન કરતાં જીવનશૈલી સાથે છે)
આલ્બર્ટ આઈન્સ્ટાઇન કોલેજ ઓફ મેડિસિન રિસર્ચમાં જાડા ગણાતા લગભગ 50 ટકા લોકોમાં કોલેસ્ટ્રોલ અને બીપી સામાન્ય જોવા મળ્યું, જ્યારે સામાન્ય વજન ધરાવતા લગભગ એક ચતુર્થાંશ લોકોનું કોલેસ્ટ્રોલ અને બીપી વધુ હતું. મતલબ કે, જો તમારી જીવનશૈલી નિષ્ક્રિય છે તો હૃદય રોગનું જોખમ વધુ છે.
• કોલેસ્ટ્રોલ નોર્મલ તો જોખમ નહીં
(ના, કોલેસ્ટ્રોલ ઉપરાંત અનેક ફેક્ટર જવાબદાર છે)
જર્નલ ઓફ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના રિસર્ચમાં જોવા મળ્યું કે, હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડિત લગભગ 50 ટકા લોકો એવા હતા, જેમનું કોલેસ્ટ્રોલ નોર્મલ હતું. મતલબ કે કોલેસ્ટ્રોલ ઉપરાંત બીજા પણ અનેક ફેક્ટર છે જે હૃદયરોગ માટે જવાબદાર છે. જોકે, કોલેસ્ટ્રોલ હૃદય રોગ સાથે સંકળાયેલો પ્રથમ અને મુખ્ય સંકેત છે.
• સર્જરી દવાઓથી વધુ અસરકારક છે
(દવાઓની સાથે લાઈફસ્ટાઈલમાં પરિવર્તન વધુ ફાયદાકારક)
અવરોધાયેલી ધમનીઓના ઈલાજ માટે મોટા ભાગના કિસ્સામાં સ્ટેન્ટ અથવા બાયપાસ સર્જરી કરાય છે, પરંતુ અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના અભ્યાસમાં જોવા મળ્યું છે કે, આની તુલનામાં જો દવાઓની સાથે જીવનશૈલીમાં પણ પરિવર્તન કરવામાં આવે તો તે સર્જરી કરતાં વધુ સારું રહે છે.
• માતા-પિતાને હોય તો સંતાનને થાય
(હૃદય રોગના જોખમની આશંકા વધુ, પરંતુ જરૂરી નહીં)
ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના રિસર્ચ અનુસાર જો માતા-પિતામાંથી કોઈ એકને પણ હૃદય સંબંધિત રોગ છે તો સંતાનને પણ થવાની શંકા વધુ હોય છે, પરંતુ એ નક્કી નથી કે સંતાનને હૃદય રોગ થશે જ. ઉદાહરણ તરીકે, જિનેટિકલી હાઈ કોલેસ્ટ્રોલ કે જેને ફેમિલિઅર કોલેસ્ટેરોલેમિઆ તરીકે ઓળખવામાં આવે છે, તેની આશંકા 200માંથી એક વ્યક્તિને હોય છે.
તમે હૃદયને સ્વસ્થ કઇ રીતે રાખી શકો?
હૃદયને ચુસ્ત - દુરસ્ત રાખવા આટલી કાળજી અવશ્ય લો...
• ડિનર અને બ્રેકફાસ્ટમાં 11 કલાકનો ગેપઃ રાતના ભોજન અને સવારના નાસ્તા વચ્ચે 11 કલાકનું અંતર હોવું જોઈએ. આમ ન થતાં વયોવૃદ્ધ બનાવતી કોશિકાઓ શરીરમાં બ્લડ શુગર અને લોહીમાં ચરબી વધારે છે.
• શારીરિક સક્રિયતાઃ નિષ્ક્રિય જીવનશૈલીથી મેટાબોલિક સિન્ડ્રોમની આશંકા 73 ટકા સુધી વધુ હોય છે. જે હૃદયરોગોનું જોખમ વધારે છે. બસમાં મુસાફરી કરતા સહયાત્રીને સીટ આપવા જેવા કામ કરી શકો છો. બેઠાડુ જીવન ટાળો નિયમિત હળવી કસરત કરો.
• જીવનના સુખદ પ્રસંગોની યાદીઃ હા, આ વાત તમે માનો કે નહીં, પરંતુ આ હકીકત છે. સુખદ જીવનપ્રસંગોની યાદી તમારા હૃદયનું સ્વાસ્થ્ય સુધારી શકે છે. હાર્ટ એટેકથી પીડિત જે લોકોએ રિકવરી દરમિયાન સારી ઘટનાઓની દરરોજ યાદી બનાવી છે, તેમના અંદર બીજા એટેકની આશંકા 8 વર્ષ સુધી ઘટી જાય છે.