લંડનઃ આપણી લાઈફસ્ટાઈલ બદલાતી જાય છે અને જીવન વધુ બેઠાડું થઈ રહ્યું છે. આના પરિણામે ડાયાબિટીસ-ટુ, આંતરડાં અને ફેફસાનાં કેન્સર સહિત આરોગ્યના મોટાં જોખમોમાં વધારો થતો રહ્યો છે. જર્નલ ઓફ એપિડીમિઓલોજી એન્ડ કોમ્યુનિટી હેલ્થમાં પ્રકાશિત નવા અભ્યાસ અનુસાર દિવસમાં છ કલાક સુધી બેસી રહેવાના કારણે યુકેમાં વર્ષે લગભગ ૭૦,૦૦૦ લોકોનાં મોત થાય છે.
પુખ્ત બ્રિટિશરોમાંથી ત્રીજા ભાગના લોકો દિવસમાં છ કલાકથી વધુ સમય બેસી રહેવામાં જ વીતાવે છે, જે વર્ષે નવમાંથી અંદાજે એક વ્યક્તિનાં મોતનું કારણ બને છે. આ ધોરણે વર્ષે કુલ ૭૦,૦૦૦ વ્યક્તિ મોતનો કોળિયો બની જતી હોવાનું સંશોધકો કહે છે. કામના સ્થળો સહિત અન્યત્ર બેસી રહેવાના પરિણામે, ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર તેમજ અન્ય બીમારીઓની વધતી ઘટનાઓથી NHSને વર્ષે ૭૦૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ પણ વધે છે તેમ અભ્યાસ જણાવે છે. જોકે, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના મતે આ ખર્ચ ૯૦૦ મિલિયન પાઉન્ડ થાય છે.
ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટના લીઓની હેરોનનાં વડપણ હેઠળના અભ્યાસમાં લાંબા સમયના બેઠાડું જીવનની આરોગ્ય પરની અસરોની ગણતરી કરાતાં ધ્યાનમાં આવ્યું હતું કે ઓછો સમય બેસી રહેવાથી ડાયાબિટીસના ૧૭ ટકા, ફેફસાંના કેન્સરમાં આઠ ટકા અને હૃદયરોગના કેસીસમાં પાંચ ટકાનો ઘટાડો કરી શકાય છે. મિસ હેરોન કહે છે કે,‘મોટા ભાગના લોકો માટે જીવનની કાર્યશૈલી એવી ખરાબ ઘડાઈ છે કે તેની વિપરીત અસર આરોગ્ય પર થાય છે. કામ સિવાયના સમયે વધુ સક્રિય રહીને પણ તમે જોખમમાં ઘટાડો કરી શકો શકો છો.’ સંશોધકો દ્વારા એવી ભલામણ કરવામાં આવી છે કે ઓફિસ સ્ટાફે દર કલાકે તેમના ડેસ્કથી દૂર થવું જોઈએ અને એમ્પ્લોયર્સે તેમને એક્ટિવિટી બ્રેક્સ આપવા જોઈએ.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા તો એવી ભલામણ કરાઈ જ છે કે પુખ્ત વ્યક્તિએ દર સપ્તાહે સાયકલિંગ, ઝડપથી ચાલવું અને યોગ જેવી મધ્યમ શારીરિક પ્રવૃત્તિ પાછળ ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ તો ગાળવી જ જોઈએ. જો શારીરિક પ્રવૃત્તિ ઔષધ હોત તો તેતુ વર્ગીકરણ ચમત્કારિક ઔષધ તરીકે જ બની રહેત.
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ દ્વારા જારી આંકડા દર્શાવે છે કે યુકેમાં લોકો ૧૯૬૦ના દાયકાની સરખામણીએ હાલ આશરે ૨૦ ટકા ઓછાં શારીરિક પ્રવૃત્ત કે સક્રિય છે અને જો વર્તમાન પ્રવાહ ચાલતો રહેશે તો આ આંકડો ૨૦૩૦ સુધીમાં વધીને ૩૫ ટકા થઈ જશે તેવો અંદાજ તેણે દર્શાવ્યો છે.