બૈજિંગઃ દિવસમાં ગમેત્યાં ઝોકાં ખાતાં લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે. ચીનની ગુઆંઝો મેડિકલ યુનિર્વિસટીના નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જણાયું છે કે એક દિવસમાં એક કલાક અથવા તો તેનાથી વધારે સમય સુધી ઝોકાં ખાવાથી અપમૃત્યુ કે રોગનાં જોખમમાં ત્રીજા ભાગનો વધારો થાય છે. સાથે વૈજ્ઞાાનિકોએ એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે જે લોકોને રાતે પૂરતી ઊંઘ મળતી નથી તેવા લોકો માટે દિવસનાં ઝોકાં સારી બાબત ગણાય છે પરંતુ જે લોકો રાતમાં ૭થી ૮ કલાકની ઊંઘ લે છે તેમને માટે દિવસનાં ઝોકાં ખરાબ બાબત છે અને તેને કારણે તેમને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સંશોધકોએ જણાવ્યું કે દિવસનાં ઝોકાંને કારણે શરીરના અંદરના ભાગમાં સોજો થવાની શક્યતા રહેલી છે તેના કારણે હાર્ટ માટે તે સારી બાબત નથી. કેટલાક લોકો માટે ઝોકાં આરોગ્ય સમસ્યના આરંભનું લક્ષણ પણ બની શકે છે અને તેના કારણે તેઓ દિવસે ઝોકાં ખાતાં હોય તેવું બની શકે. સંશોધકોએ ૩ લાખ લોકો પર લગભગ ૨૦ સ્ટડી કર્યાં છે અને તેના આધારે આવાં તારણો પર પહોંચ્યાં છે.
સંશોધનનાં તારણોમાં એવું પણ જણાયું છે કે મહિલાઓના આરોગ્ય પર પણ તો આની ઘણી વધુ માઠી અસર જોવા મળી છે. જે મહિલાઓને એક દિવસમાં એક કલાક કે તેનાથી વધારે સમય સુધી ઝોકાં ખાવાની ટેવ હોય છે તેમની યુવાવસ્થામાં મૃત્યુની શક્યતા ૨૨ ટકા વધી જાય છે. એક રાતમાં ૭થી ૮ કલાકની ઊંઘ લેનાર લોકો જો દિવસે ઝોકાં ખાતાં હોય તો તેમને હાર્ટ ડિસીઝનું જોખમ રહેતું હોય છે.