દીર્ઘાયુષ માટે મહિનામાં એક વાર થીએટર કે મ્યુઝિયમ જરુર જાઓ

Tuesday 24th December 2019 02:09 EST
 
 

લંડનઃ કામના બોજા હેઠળ તણાઈને જીવન જીવવાથી જીવન અકાળે ટુંકાઈ જાય છે.યુનિવર્સિટી કોલેજ લંડનના એક અભ્યાસ મુજબ મહિનામાં એક વખત થીએટર, આર્ટ ગેલેરી, કોન્સર્ટ્સ અથવા મ્યુઝિયમની મુલાકાત લઈ કળાને માણવાથી આગામી ૧૨ વર્ષમાં અકાળે મોતનું જોખમ ૩૧ ટકા જેટલું ઘટી જાય છે. આવી નિયમિત મુલાકાતો જીવનને દીર્ઘ બનાવે છે. ઈંગ્લેન્ડમાં ૫૦થી વધુ વયના ૬૭૧૦ લોકોના સર્વેમાં તેમને આરામદાયી પ્રવૃત્તિ વિશે પ્રશ્નો કરાયા હતા.

જે લોકો દર થોડા મહિને કળા સાથે સંપર્ક જાળવી રાખતા હતા તેઓ અભ્યાસના અંત સુધીમાં મોતની શક્યતામાં ૧૪ ટકાનો ઘટાડો જોવાયો હતો. અવારનવાર અથવા મહિનામાં એક વખત થીએટર, આર્ટ ગેલેરી, કોન્સર્ટ્સ અથવા મ્યુઝિયમની મુલાકાત લેવાથી જોખમમાં ૩૧ ટકાનો ઘટાડો થાય છે. કળામાં જોડાવા કે માણવાથી તંદુરસ્તીને ફાયદો થતો હોવાના પુરાવાઓમાં આ સંશોધનથી ઉમેરો થાય છે.

ઓપેરા સહિત કળાપ્રવૃત્તિઓમાં જવાના અંતરને અભ્યાસના ૨૦૦૪-૦૫ના આરંભે જ માપવામાં આવ્યું હતું. અભ્યાસમાં ભાગ લેનારાનું ફોલો-અપ સરેરાશ ૧૨ વર્ષે કરાયું હતું. તેઓ જીવે છે કે મોત પામ્યા છે તે જાણવા NHS ડેટાનો ઉપયોગ કરાયો હતો. ૬,૭૧૦ પાર્ટીસિપેન્ટસમાંથી ત્રીજા ભાગના (૨૦૦૧) મોત પામ્યા હતા.

અભ્યાસના પરિણામો બ્રિટિશ મેડિકલ જર્નલની નવેમ્બર ૨૦૧૯ની ક્રિસમસ એડિશનમાં પ્રસિદ્ધ કરાયા છે. કળાના સંપર્કથી અકાળે મોત અટકાવી શકાય તેમ સૂચવતું આ પ્રથમ સંશોધન છે. અત્યાર સુધીના અભ્યાસોએ કળામાં રસ શારીરિક અને માનસિક આરોગ્ય સુધારતા હોવાનું દર્શાવ્યું છે.મુખ્ય સંશોધક ડો. ડેઈઝી ફેન્કોર્ટે જણાવ્યું હતું કે થીએટર જવાથી વહેલા મોતને કેવી રીતે અટકાવાય છે તેના વિશે વધુ સંશોધનો કરવાની જરુર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter