ન્યૂ યોર્કઃ દુનિયાભરમાં ફરી એક વાર કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. હાલ દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા બે કરોડ નજીક પહોંચી ગઇ છે અને દરરોજ સરેરાશ છ લાખ કેસો નવા નોંધાઇ રહ્યા છે. મોટા પાયે વેક્સિનેશન થવા છતાં દુનિયાભરમાં કોરોના કેસોની સંખ્યા ઝડપભેર વધી રહી હોવાથી લોકો ફરી ચિંતિત બન્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના જણાવ્યા અનુસાર ઓમિક્રોન અને તેના સબ-વેરિઅન્ટ્સનો ચેપ ખૂબ વધી ગયો છે. આઠ જુલાઇથી આઠ ઓગસ્ટ દરમ્યાન દુનિયાભરમાં 1.75 લાખ સેમ્પલનું સિકવન્સિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 1.74 લાખ એટલે કે 99 ટકા સેમ્પલમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ જણાયો હતો. વર્લ્ડોમીટર વેબસાઇટ અનુસાર દુનિયામાં વીતેલા સપ્તાહ સુધીમાં કોરોનાના કુલ 59.71 કરોડ કેસો નોંધાયા છે. જ્યારે 64.59 લાખ લોકોના મોત થઇ ચૂક્યા છે. છેલ્લા થોડા દિવસોથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે, પણ હજી સરેરાશ 6 લાખ નવા કેસો નોંધાઇ રહ્યા છે. આ આંકડો નાનો નથી. હાલ 1.94 કરોડ કરતાં વધારે કેસો સક્રિય છે. જોકે, તેમાં રાહતની વાત એ છે કે મોટા ભાગના દર્દીઓમાં કોરોનાના લક્ષણો હળવા જણાયા છે. અલબત્ત 44,000 દર્દીઓમાં કોરોનાના ગંભીર લક્ષણો હોવાથી તેઓ વધારે બીમાર જણાયા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર કોરોનાનો વેરિઅન્ટ બીએ.૫ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દસ ઓગસ્ટે જારી કરાયેલા અહેવાલ અનુસાર એક સપ્તાહમાં બીએ.5ના કેસોમાં વધારો નોંધાયો હતો. અગાઉ 68.9 ટકા કેસો હતા જે આ અઠવાડિયે વધીને 69.7 ટકા થઇ ગયા હતા. બીએ.5 સહિત ઓમિક્રોનના બીજા સબ-વેરિઅન્ટ્સ કુદરતી રોગપ્રતિકારશક્તિને તથા રસી દ્વારા મળતા રક્ષણને ભેદી તેનો ચેપ ફેલાવે છે. આ ચેપને કારણે ગંભીર બીમારી તો થતી નથી પણ તેનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે.