ટોક્યોઃ કોરોનાના કપરા કાળમાં તબીબોએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. જાપાનના ડોક્ટરોએ દુનિયામાં પહેલી વાર કોરોનાગ્રસ્ત દર્દીને જીવિત ડોનરનાં ફેફસાંના ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટી હોસ્પિટલમાં ૧૧ કલાક આ સર્જરી ચાલી હતી. ટીમના વડા ડો. હિરોશી ડેટે કહ્યું હતું કે, આ સર્જરી થકી દુનિયાને અમે એ કહેવા પ્રયાસ કર્યો છે કે જીવિત ડોનર્સની મદદથી ટ્રાન્સપ્લાન્ટ એક નવો વિકલ્પ છે. કોરોનાથી ખરાબ થઈ ગયેલાં ફેફસાં ધરાવતા દર્દી માટે આ ખૂબ મોટી આશા છે. મહિલાના પતિએ ડાબા ફેફસાંનું જ્યારે પુત્રે જમણા ફેફસાંનું સેગમેન્ટ (લોબ) આપ્યું છે.
કઇ રીતે બનાવ્યા નવા ફેફસાં?
નવી દિલ્હીની ‘એઇમ્સ’ના ક્રિટિકલ કેરના પ્રો. વિજય હડ્ડા કહે છે કે સર્જરી સફળ રહી તો ડોનર કે રેસિપિયન્ટને મુશ્કેલી નહીં થાય. ફેફસાં જમણા અને ડાબા એમ બે ભાગમાં હોય છે. તે પાંચ ભાગમાં વહેંચાયેલા હોય છે. કોઈના ફેફસાંનો એક ભાગ કાઢી નાંખીએ તો કોઈ ફર્ક નહીં પડે. જમણા ભાગમાં અપર, મિડલ અને લોઅર તેમજ ડાબા ભાગમાં અપર લોબ, લિંગુલા અને લોઅર લોબ હોય છે. લોબમાં અનેક સેગમેન્ટ હોય છે. આ ફેફસાંના ટિસ્યૂને બીજાના શરીરમાં પ્રત્યારોપિત કરાય છે.
શા માટે આ સર્જરી દુર્લભ?
આ સર્જરી દુર્લભ છે કેમ કે તેમાં એકાદ-બે નહીં, અનેક માપદંડ ધ્યાનમાં લેવા પડે છે. જેમ કે, દર્દીની ઉંમર ૬૫ વર્ષથી ઓછી હોવી જરૂરી છે. ડોનરની ઉંમર ૨૦થી ૬૦ વર્ષ વચ્ચે હોવી જોઈએ. તે કુલ ૧૩ માપદંડમાં ખરા ઉતરવા જોઈએ. પ્રક્રિયામાં બે લોબ (ફેફસાંના હિસ્સા) પ્રત્યારોપિત કરાય છે તેથી ડોનર અને રેસિપિયન્ટની ઓર્ગન સાઈઝ પણ મેચ થવી જરૂરી છે. કોઈ બાળક માટે વયસ્ક વ્યક્તિનું લોબ મોટું પડે. મોટી સાઈઝના ગ્રાફ્ટ પ્રત્યારોપણ પછી છાતી ફરી બંધ કરવી મુશ્કેલ થઈ જાય. વળી, આવું થાય તો શ્વાસ લેવામાં અને લોહીની વહનશક્તિમાં મુશ્કેલી પડી શકે છે. આ રીતે, વયસ્કોને નાના ગ્રાફ્ટ લગાવીએ તો તેમને પણ મુશ્કેલી પડી શકે છે.