દૂધ અને કેલ્શિયમથી ભરપૂર ખોરાક કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઘટાડે?

હેલ્થ બુલેટિન

Sunday 23rd February 2025 08:25 EST
 
 

દૂધ અને કેલ્શિયમથી ભરપૂર ખોરાક કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઘટાડે?
વિશ્વભરમાં અનેક પ્રકારના કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. વર્ષ 2022માં આશરે 1.9 મિલિયન લોકોને કોલોરેક્ટલ અથવા આંતરડાનાં કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું જે તેને સૌથી સામાન્ય કેન્સરોમાં ત્રીજો ક્રમ આપે છે. બોવેલ કેન્સર યુકે ખાતે રિસર્ચ એન્ડ એક્સ્ટર્નલ એફેર્સ ડાયરેક્ટર લિસા વિલ્ડે PhDના જણાવ્યા મુજબ યુકેમાં દર 12 મિનિટે એક વ્યક્તિને આંતરડાના કેન્સરનું નિદાન થાય છે જેનાથી તે દેશમાં ચોથા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર બન્યું છે. અગાઉના સંશોધનોમાં જણાવાયું છે કે આરોગ્યપ્રદ આહાર, ધૂમ્રપાન ન કરવું અને વજન ઘટાડવા સહિત લાઈફસ્ટાઈલમાં ચોક્કસ સુધારાવધારા થકી આંતરડાના કેન્સરને થતું અટકાવી શકાય છે. ‘નેચર કોમ્યુનિકેશન્સ’ જર્નલમાં પ્રકાશિત નવા અભ્યાસ અનુસાર કેલ્શિયમથી ભરપૂર ખોરાક અને દૂધ જેવાં પીણાં લેવાથી કોલોરેક્ટલ કેન્સરનું જોખમ 17 ટકા જેટલું ઘટાડી શકાય છે. સંશોધકોએ વધુમાં જણાવ્યું છે કે આલ્કોહોલ તેમજ રેડ અને પ્રોસેસ્ડ માંસ ખાવાથી આંતરડાના કેન્સરનું જોખમ વધે છે. સંશોધકોએ ‘મિલિયન વિમેન સ્ટડી’માં ભાગ લેનારી 542,000 થી વધુ સ્ત્રીઓનાં આહારના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ 16 વર્ષના ડેટામાં 97 ફૂડ પ્રોડક્ટ્સ અને પોષકતત્વો વચ્ચેના સંબંધની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે ડેરી મિલ્ક, દહીં-યોગર્ટ, રિબોફ્લોવિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવાં તત્વોનો કેલ્શિયમ સાથેનો સંબંધ પણ ચકાસ્યો હતો. સંશોધકોના તારણ અનુસાર દરરોજ વધારાના 300 મિલિગ્રામ કેલ્શિયમ (આશરે એક ગ્લાસ દૂધમાંથી મળતું) લેવાથી આંતરડાના કેન્સરનું જોખમ 17 ટકા ઘટે છે. આ જ અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું છે કે દરરોજ વધારાનો 20 ગ્રામ આલ્કોહોલ (વાઈનનો એક મોટો ગ્લાસ) લેવા, વધુ 30 ગ્રામ રેડ અને પ્રોસેસ્ડ માંસ ખાવાથી કોલોરેક્ટલ કેન્સરનું જોખમ અનુક્રમે 15 અને 8ટકા વધે છે.

•••
સપ્તાહમાં દાંતનું એક વખત ફ્લોસિંગ પણ સ્ટ્રોકનું જોખમ ઘટાડે
દર સપ્તાહે દાંત એક વખત ફ્લોસિંગ કરવાથી સ્ટ્રોકનું જોખમ 20 ટકાથી પણ વધુ ઘટે છે. અમેરિકન સ્ટ્રોક એસોસિયેશનની કોન્ફરન્સ સમક્ષ રજૂ કરાયેલા અભ્યાસ અનુસાર સંશોધકોએ 6258 વયસ્કોના ડેટાને ધ્યાનમાં લીધો હતો. આ લોકોને તેઓ દાંતનું ફ્લોસિંગ કેટલી વખત કરે છે તેવો પ્રશ્ન કરાયો હતો અને 25 વર્ષ સુધી તેમના પર નજર રખાઈ હતી. જે લોકો દર સપ્તાહે એક વખત ફ્લોસિંગ કરતા હતા તેમને સ્ટ્રોકના સૌથી સામાન્ય પ્રકાર અને મગજ તરફ જતી ધમનીમાં ક્લોટના કારણે પ્રવાહમાં અવરોધ સર્જાય ત્યારે થતાં ઈશ્કેમિક સ્ટ્રોકની શક્યતા 22 ટકા ઘટી હતી. આ ઉપરાંત, જેઓ નિયમિત ફ્લોસિંગ કરતા હતા તેમને હૃદય દ્વારા ક્લોટ અથવા તેના કચરાને મગજની રક્તવાહિનીઓમાં ધકેલાય તેનાથી સર્જાતા કાર્ડિયોએમ્બોલિક સ્ટ્રોકનું જોખમ 44 ટકા જેટલું ઘટવાની શક્યતા હતી. દાંતની સફાઈ કરવાની આદત સોજા-ઈન્ફ્લેમેશન, ધમની સખત થવી, બ્લડ ક્લોટ્સ અને હૃદયરોગ સાથે સંકળાયેલા નુકસાનકારક બેક્ટેરિયા અને છારી જમા થવાનું અટકાવે છે. ઘણા લોકો કહે છે કે દાંતની કાળજી લેવાનું મોંઘું પડે છે પરંતુ, ફ્લોસિંગ સરળ, પોસાય તેવી અને સુલભ આદત છે. ફ્લોસિંગ તો નિયમિત બ્રશિંગ અને ડેન્ટિસ્ટની નિયમિત મુલાકાત જેવી દાંતની સારસંભાળથી અલગ જ બાબત છે. યુકેમાં દર વર્ષે આશરે 100,000 લોકો મોતનું મુખ્ય કારણ બનતા સ્ટ્રોકથી પીડાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter