નવી દિલ્હી: સ્વાસ્થ્યની જાળવણી માટે ભોજનમાં દૂધ અને તેની બનાવટો વધારે પ્રમાણમાં લેવાની નિયમિત સલાહ અપાય છે કેમ કે દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેની અંદર બધા જ પોષક તત્વો રહેલા હોય છે. મોટા ભાગના લોકો દૂધ, દહીં, માખણ, છાશ અને પનીર વગેરે વસ્તુઓને પ્રાધાન્ય આપે છે. લોકો રોજ આ બધી વસ્તુઓની સેવન કરે છે ત્યારે એક સંશોધનમાં દાવો કરાયો છે કે આ બધી વસ્તુઓનું વધારે પ્રમાણમાં સેવન કરવું પુરુષોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. સંશોધનમાં જણાવાયું છે કે વધારે પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ્સ એટલે કે દૂધની બનેલી વસ્તુઓનું સેવન કરવાથી પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ રહે છે.
પ્રથમ દૃષ્ટિએ વિરોધાભાસી લાગતી આ વાત એક અભ્યાસમાં જાણવા મળ્યાનું સંશોધકો દ્વારા જણાવાયું છે. બ્રિટનની મેયો ક્લિનિકના સંશોધકોએ ૪૭ રિસર્ચ પેપર્સનું વિશ્લેષણ કર્યા બાદ આ દાવો કર્યો છે. આ બધા જ અભ્યાસ આહાર અને બીમારી સંબંધિત હતા. સંશોધકોએ જણાવ્યું કે નિયમિતરૂપથી ડેરી પ્રોડક્ટ ખાનારા ૭૬ ટકા પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ વધારે જોવા મળ્યું છે.
જોકે બીજી તરફ આ સંશોધનની ટીકા પણ કરાઇ છે. નિષ્ણાતોનો એક વર્ગ આ વિષયોમાં વધારે ઊંડાણભર્યું સંશોધન કરવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે સંશોધનમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવો જોઈએ કે કેટલા પ્રમાણમાં ડેરી પ્રોડક્ટસનું સેવન શરીર માટે હાનિકારક છે.