ગરમીના દિવસોની શરૂઆત થવા સાથે જ લોકો શરીરને ટાઢક મળે તેવી ચીજવસ્તુઓની તલાશમાં લાગી પડે છે. ઠંડા-ઠંડા કૂલ-કૂલ આઇસક્રીમ, સોફ્ટ ડ્રીન્ક્સ ગરમીમાં રાહત અવશ્ય આપશે, પણ થોડોક સમય જ. જો તમે શરીરને લાંબો સમય ટાઢક મળી રહે તેવું ઇચ્છતા હો તો કેટલાંક કુદરતી રીતે જ ઠંડક આપતાં દ્રવ્યોનું સેવન કરવું જોઇએ. શરીરને અંદરથી ઠંડક મળતાં તમે અંગદઝાડતી ગરમીમાં પણ લાંબો સમય રાહત અનુભવશો. ખાણીપીણીના આવા પદાર્થોની યાદીમાં દૂધી અને તેના રસને શ્રેષ્ઠ ગણી શકાય.
વર્ષના ૩૬૫ દિવસ બજારમાં મળી રહેતી અને સાજા-માંદા બન્ને માટે નિર્દોષ ગણાતી દૂધીને આયુર્વેદે સદા પથ્ય નથી માની. છતાં એ રોજ લઈ શકાય છે. શિયાળામાં એનો સાવચેતીપર્વક ઉપયોગ કરવો જોઈએ, જ્યારે ઉનાળામાં પિત્તપ્રકૃત્તિના લોકો માટે એ વરદાનથી કમ નથી.
દૂધીના ગુણ જોઈએ તો એ મધુર રસ ધરાવે છે અને મધુરતાને કારણે એ ઠંડી છે. ગરમીવાળા, ગરમીના રોગોવાળા કે ગરમ ઋતુમાં ખૂબ માફક આવે એવી હોવાથી એને ‘અતિ શીતલા’ કહેવામાં આવે છે. દૂધી એટલી શીતળ છે કે જ્યારે પિત્તજ્વરના તાવમાં કપાળે બરફનાં પોતાં મૂકવા માટે બરફ ન હોય ત્યારે એના વિકલ્પ તરીકે દૂધી વપરાય છે. આ માટે દૂધી ખમણીને પાતળા કોટન કપડામાં મૂકીને એ કપાળ, હાથ-પગનાં તળિયાં અને છાતી પર મૂકવાથી દરદીને તાવમાં રાહત મળી શકે છે. ગરમીને કારણે આંખો દુખતી હોય કે બળતરા થતી હોય ત્યારે દૂધીનું ખમણ કપડામાં ભરીને એના પાટા આંખે બાંધી રાખવા.
શીતળતાનો ગુણ ધરાવતી દૂધી પૌષ્ટિક, ધાતુવર્ધક, બળપ્રદ, ગર્ભપોષક અને વીર્ય વધારનારી છે. પિત્તપ્રકૃત્તિના લોકોને પેટ સાફ ન આવવાની સમસ્યા હોય તેમને માટે રોજ સવારે એક ગ્લાસ દૂધીનો રસ ઉત્તમ છે. ઉનાળાના દિવસોમાં શરીરમાં ગરમી વધી જાય છે, કબજિયાતને કારણે એસિડિટી, અપચન, અલ્સર જેવી તકલીફો થાય એમાં એક ગ્લાસ દૂધીનો રસ પીવાથી ખૂબ ફાયદો થાય છે. પાચન સુધરે છે, શરીરના પાચન સાથે સંકળાયેલા તમામ અવયવોને ઠંડક મળે છે. બપોરે ગરમીમાંથી કે તડકામાં ફરીને ઘરે આવ્યા પછી ઠંડું અને ચિલ્ડ પીણું પીવાનું મન થતું હોય ત્યારે પણ દૂધીનો રસ લઈ શકાય. ડીહાઇડ્રેશનને કારણે શરીરમાં પાણી ઘટી ગયું હોય તો એમાં પણ દૂધીનો રસ ફાયદો કરે છે.
કેટલાક ઔષધ પ્રયોગો
• લિવર ટોનિક: લિવરમાં સોજો હોય, લિવરની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય, કમળો થયો હોય ત્યારે પણ દૂધીનો રસ ઉત્તમ છે. દૂધીનો રસ અથવા સિંધવ-મરી છાંટીને બનાવેલો સૂપ લિવરના રોગોમાં ખૂબ ગુણકારી છે.
• હૃદય માટે ગુણકારી: દૂધી હૃદયગુણ ધરાવે છે. મતલબ કે હૃદયના સ્નાયુઓને પોષણ આપે છે. કોઈ પણ પ્રકારના હાર્ટના દરદી માટે એ ટોનિક બની શકે છે. કોલેસ્ટરોલ વધેલું હોય કે હૃદયના સ્નાયુમાં નબળાઈ હોય તો દૂધીનું છૂટથી સેવન કરવું જોઈએ.
• નર્વસ સિસ્ટમને શાતા: દૂધીનો રસ સરખા ભાગે તલના તેલમાં મેળવીને એ માથામાં લગાવવામાં આવે તો ઠંડક રહે છે. એપિલેપ્સીની તકલીફમાં રાહત મળે છે. અનિદ્રા કે દુ:સ્વપ્નને કારણે અવારનવાર જાગી જવાની સમસ્યામાં મનને શાંત કરીને સાઉન્ડ સ્લીપ આપી શકે છે. તલના તેલમાં દૂધીનો ભારોભાર રસ નાખી પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ઉકાળવું. એ તેલનાં સહેજ હૂંફાળાં ટીપાં રોજ રાતે બન્ને નસકોરામાં નાખવાથી મગજ શાંત થાય છે, યાદશક્તિ વધે છે. ગાઢ નિદ્રા આવવાને કારણે મગજની તમામ શક્તિઓ વધે છે.
• વાળની સમસ્યા: ગરમીમાં વાળ ખરવાની સમસ્યા હોય કે નાની ઉંમરે વાળ પાકા થઈને સફેદ થવા લાગ્યા હોય તો એમાં પણ દૂધીનો રસ ઔષધ છે. દૂધીનું તલના તેલમાં બનાવેલું તેલ નાકમાં નસ્ય તરીકે વાપરવાથી તેમ જ દૂધી, આમળાં, ભાંગરો, બ્રાહ્મી નાખીને તૈયાર કરેલું તેલ મૂળમાં ઊંડે સુધી ઊતરે એમ માલિશ કરીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે.