વોશિંગ્ટનઃ ગુજરાતીમાં ઉક્તિ છે કે બાર ગાઉએ બોલી બદલાય. અને હવે તેમાં ઉમેરો કરવો હોય તો કહી શકાય કે દેશ બદલાય છે તેમ લોકોની ઊંઘવાની આદતો પણ બદલાય છે. મિશિગન યુનિવર્સિટીએ વિશ્વના ૧૦૦ દેશોમાં સંશોધન કાર્ય હાથ ધરીને તારણ કાઢ્યું છે કે જેમ જેમ સીમાડા બદલાય છે તેમ તેમ લોકોની ઊંઘવાની રીતો પણ બદલાતી જાય છે. વિવિધ દેશોમાં વસતાં લોકોની ઊંઘવાની આદત અલગ અલગ હોય છે. જોકે સૌથી મોટી હકીકત એ છે કે, આપણી ઊંઘ પર એ વાતની ઘેરી અસર રહે છે કે, આપણે ક્યાં રહીએ છીએ.
તાજેતરમાં જ એ જાણવા માટે એક રિસર્ચ કરાયું હતું કે, દુનિયાના દેશોમાં આખરે લોકોની ઊંઘવા અને ઉઠવાની ટેવો કેવી છે. આ રિસર્ચમાં કેટલાક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. સૌથી મોટું તથ્ય એ સામે આવ્યું છે કે, મહિલાઓ પુરુષોની સરખામણીએ ૩૦ મિનિટ વધારે ઊંઘ લે છે. ઓસ્ટ્રેલિયા એવો દેશ છે જ્યાં લોકો વહેલા ઊંઘવામાં માને છે. અહીં લોકો સરેરાશ રાત્રે ૧૦.૪૫ કલાકે ઊંઘી જાય છે. બીજી તરફ, અમેરિકનોની સવાર સૌથી વહેલી થઇ જાય છે. હવે સમજાયું ને કે અમેરિકા અમસ્તો જ વિશ્વનો સૌથી વિકસિત દેશ ગણાતો નથી. આ યાદીમાં સૌથી વધુ ઊંઘવાના મામલે હોલેન્ડમાં રહેતા લોકો આગળ છે તેઓ સરેરાશ ૮ કલાક અને ૧૨ મિનિટ ઊંઘ લે છે.
અભ્યાસના પરિણામો અનુસાર વહેલા ઊંઘવાનો સીધો સંબંધ સારી ઊંઘ સાથે છે. સ્પેનના લોકો મોડા ઊંઘે છે. મિશિગન યુનિવર્સિટીએ આ રિસર્ચમાં ૧૦૦ દેશોના ૫,૪૦૦ લોકોને સામેલ કર્યા હતા. સ્માર્ટ ફોન પર એક એપના માધ્યમથી અલગ-અલગ દેશોમાં લોકોની ઊંઘવાની પદ્ધતિની જાણકારી મેળવાતી હતી. સ્પેનના લોકોનો રાતે પથારીમાં પડવાનો સરેરાશ સમય ૧૧.૪૫ કલાક છે. અભ્યાસમાં આવરી લેવાયેલા ૧૦૦ દેશોમાં તેનો ઊંઘવાનો સમય સૌથી મોડો હતો. મોડા ઊંઘવાને કારણે સ્પેનના લોકો આઠ કલાકની ઊંઘ પણ લઈ શકતા નથી. મોડા ઊંઘવાના કારણે તેની સીધી અસર સ્વાસ્થ્ય પણ પડે છે.
અભ્યાસમાં રાત્રે વારંવાર ઊઠનારા લોકોને આ રિસર્ચમાં સામેલ કરાયા નથી. ઓછામાં ઓછા ચાર કલાક અને વધુમાં વધુ ૧૧ કલાક ઊંઘનારા લોકોનો પણ સમાવેશ કરાયો નથી.
ઓછું ઊંઘવાથી નુકસાન
રિસર્ચના પરિણામો જણાવે છે કે, ઓછું ઊંઘવાથી શરીરને નુકસાન થાય છે.
લાંબા સમય બાદ આ નુકસાન ગંભીર શારીરિક સમસ્યાનું કારણ બને છે. આ ઉપરાંત ઓછું ઊંઘવાથી સવારે સુસ્તી અનુભવાય છે અને દિવસભર કામ કરવામાં મન પરોવાતું નથી. પૂરતી ઊંઘ નહીં મળવાને કારણે કોઈ કામમાં ધ્યાન કેન્દ્રીત થતું નથી. એક પુખ્ત વ્યક્તિ માટે રાતે ઓછામાં ઓછી ૭થી ૯ કલાક ઊંઘ લેવી જરૂરી છે.
તારણ શું કહે છે?
• કોઈ દેશની સરખામણીમાં ડચ લોકો સૌથી વધુ ૮-૧૨ કલાક ઊંઘે છે. જ્યારે સિંગાપોર અને જાપાનના લોકો સૌથી ઓછા ૭.૨૪ કલાકની ઊંઘ લે છે.
• યુએઈના લોકો સામાન્ય રીતે સવારે ૭.૪૫ કલાકે ઊંઘીને ઊઠે છે તો અમેરિકનોની ઘડિયાળો સવારે ૬.૪૫ કલાકે જ રણકી જાય છે.
• ઓસ્ટ્રેલિયનો બાદ વહેલા ઊંઘી જવાના મામલે બેલ્જિયમ અને ન્યૂ ઝિલેન્ડમાં રહેતા લોકોનો નંબર આવે છે. આ દેશોના લોકો
પણ ૧૧ વાગ્યા પહેલા પથારીમાં જતા રહે છે.
• બ્રિટનના લોકો ઊંઘવા અને ઉઠવા મામલે સદાબહાર છે. તેઓ સામાન્ય રીતે ૧૧.૧૦ કલાકે પથારીમાં જતા રહે છે અને સવારે ૭.૧૦ કલાકે ઊઠી જાય છે અને દરેક રાતે આશરે ૮.૦૦ કલાકની ઊંઘ લે છે.
• મોડે સુધી ઊંઘવા અને વહેલા જાગવા વચ્ચે જાપાન અને સિંગાપોર એવા દેશ છે જ્યાં લોકો સામાન્ય રીતે ઓછી ઊંઘ લેવાનું પસંદ કરે છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આ દેશોના લોકો રાતે સૌથી ઓછી ૭.૫ કલાક ઊંઘ જ લે છે.