શું તમે કોઇ વાત કે વિચારના લીધે તણાવ અનુભવો છો? મન પર સતત ચિંતાનો બોજ રહે છે? તો સૌથી પહેલાં ધીમા પડો. આ જીવન કંઇ રેસ નથી, તમારે ફર્સ્ટ આવવું અનિવાર્ય નથી. જે કરો છો એ નિરાંતે કરો. શ્રદ્ધા રાખો, કામનું ફળ યોગ્ય સમયે આપોઆપ મળી જ જશે. રોજેરોજના કામોનો નિત્યક્રમ બનાવો, તેમાં છૂટછાટનો અવકાશ પણ રાખો. વર્જિન કોકોનટ ઓઇલના થોડાક ટીપાં ગરમ પાણીમાં નાંખીને કોગળા કરો. આખા શરીરે વીસ મિનિટ સુધી કોપરેલની માલીશ પણ કરી શકો. ખાવાનો સોડા અને સૂંઠનો પાઉડર નાંખેલા સાધારણ હૂંફાળા પાણી વડે સ્નાન કરો. રિલેક્સ થઇ જશો. જો તમારો બાંધો મેદસ્વી હોય તો જરાક વધારે ગરમ પાણી લો. રાત્રે પથારીમાં જતાં પહેલાં કોપરેલને જરાક ગરમ કરીને પગના તળિયા પર પાંચ-દસ મિનિટ મસાજ કરો. કોપરેલ ઉપરાંત બ્રાહ્મીનું તેલ કે ભૃંગરાજનું તેલ પણ વાપરી શકો. વાત કરવાની મજા આવે એવા મિત્રો કે પરિવારજન સાથે રોજ વાતો કરો. રોજેરોજ અડધો કલાક યોગાસન અથવા એવી જ હળવી કસરત કરવાનો નિયમ બનાવો. ઊંડા શ્વાસ લેવાની પ્રાણાયમ ક્રિયા ઓછામાં ઓછી ૧૫ મિનિટ રોજ કરો. આટલું અજમાવી જૂઓ. માનસિક તણાવ અવશ્ય દૂર થશે.