વોશિંગ્ટનઃ નાના બાળકો સાથે મમ્મી કાલીઘેલી ભાષામાં ચહેરા પર વિવિધ ભાવ લાવીને વાતચીત કરતી હોય છે અને ધીમે ધીમે બાળક મમ્મીની આ ભાષા સમજતો થઈ જાય છે. ભલે એ બોલી શકતો નથી પણ મમ્મીના ચહેરા પરના ભાવ જોઈને તે જાણતો થઇ જાય છે કે મમ્મી શું કહે છે અને પછી ધીમે ધીમે શબ્દો પણ બોલતો થાય છે.
બાળકો સાથે હળવી રીતે વાતચીત કરવામાં આવે તો તે ઉચ્ચારણ કરતા શીખતો હોય છે પણ તાજેતરમાં અમેરિકામાં ૭૧ પરિવારોના નાના બાળકો પર થયેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે બાળકોની સામે ઊંચા અવાજે જે શબ્દો બોલવામાં આવે છે એને તે ઓળખી શકે છે અને આ શબ્દો બોલવાનો એ પ્રયાસ કરે છે. ૧૮ મહિનાનો થાય છે ત્યાં સુધીમાં તો તે આ શબ્દો બોલતો થઈ જાય છે. જોકે બાળકોને કોઈ પણ ભાષા શીખવવી હોય તો તેને ખુશહાલી વ્યક્ત કરતા શબ્દો બોલવા જોઈએ.
૧૮ મહિનાનો બાળક બનાના અને ડોગ જેવા શબ્દો આસાનીથી બોલતા શીખી જાય છે. બાળકો સામે ધીરજપૂર્વક બોલવાથી તેનું ધ્યાન જાય છે અને તેઓ મમ્મી-પપ્પાના મુખેથી બોલાતા જે શબ્દો સાંભળે છે એ બોલવામાં તેને ફાવટ આવી જાય છે. જો ઝડપથી શબ્દો બોલાય તો તેઓ એકચિત થઇને સમજી શકતા નથી, પણ તેમની સાથે ધીરજપૂર્વક, મોટા અવાજે બોલવામાં આવે તો એની અસર તેમના મગજ સુધી પહોંચે છે, એમ સિએટલમાં આવેલી યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના રિસર્ચરોનું કહેવું છે.
બાળકો સામે ચહેરાના હાવભાવ અને લાંબો સ્વર ધરાવતા શબ્દો બોલવામાં આવે ત્યારે તેમનું ધ્યાન બોલનારાના મોં પર કેન્દ્રિત થાય છે અને આવા શબ્દો બાળકો ધ્યાનથી સાંભળ્યા બાદ એને બોલવાનો પ્રયાસ કરે છે, એમ નિષ્ણાતોનું કહેવું છે.